મુંબઈ ઈન્ડિયન્સમાં મોટી સર્જિકલ સ્ટ્રાઈક: મલિંગા સહિત 3 દિગ્ગજ કોચની એક ઝાટકે હકાલપટ્ટી!

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 ની નવી સીઝન શરૂ થાય તે પહેલાં જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે પોતાના સપોર્ટ અને કોચિંગ સ્ટાફમાં ધરખમ ફેરફારો કર્યા છે. ફ્રેન્ચાઈઝીએ આગામી સીઝન પહેલા પોતાના ત્રણ મહત્વના કોચને પદ પરથી હટાવી દીધા છે. જેમાં સૌથી મોટું અને ચર્ચિત નામ બોલિંગ કોચ લસિથ મલિંગાનું છે. તાજેતરમાં જ ટીમે મુખ્ય કોચ મહેલા જયવર્ધનેને હટાવ્યા હતા, અને હવે વધુ ત્રણ કોચની વિદાય થતાં સમગ્ર કોચિંગ યુનિટમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે.
સતત ખરાબ પ્રદર્શન બાદ ફ્રેન્ચાઈઝીની લાલ આંખ
મુંબઈ ઈન્ડિયન્સે બોલિંગ કોચ લસિથ મલિંગા ઉપરાંત પારસ મ્હામ્બ્રે અને ફિલ્ડિંગ કોચ કાર્લ હોપકિન્સનને પણ તાત્કાલિક અસરથી મુક્ત કર્યા છે. ટીમનું પ્રદર્શન છેલ્લી 3 સીઝનથી સતત કંગાળ રહ્યું હોવાથી મેનેજમેન્ટે આ આકરો નિર્ણય લીધો હોવાની માહિતી સામે આવી છે. મહેલા જયવર્ધને બાદ આ ત્રણ કોચની વિદાય સાથે મુંબઈની ટીમે અત્યાર સુધીમાં કોચિંગ સ્ટાફમાં કુલ 4 મોટા ફેરફારો કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સે પણ પોતાની આખી સપોર્ટ ટીમ બદલી નાખી હતી.
મુંબઈ ઈન્ડિયન્સ સાથે મલિંગાની લાંબી સફર
શ્રીલંકાના દિગ્ગજ ઝડપી બોલર લસિથ મલિંગા લાંબા સમયથી મુંબઈ ઈન્ડિયન્સનો મુખ્ય આધારસ્તંભ રહ્યા છે. તેમણે એક ખેલાડી તરીકે 2009થી 2019 દરમિયાન ટીમ માટે શાનદાર યોગદાન આપ્યું હતું અને મુંબઈને 4 વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ અસાધારણ સફળતા બાદ તેમને IPL 2024 થી ટીમના બોલિંગ કોચ બનાવવામાં આવ્યા હતા. જોકે, બોલિંગ કોચ તરીકે 3 સીઝન સેવાઓ આપ્યા બાદ આખરે તેમને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.









