IND vs BAN / ટીમ ઈન્ડિયાની પ્રથમ ટેસ્ટમાં શાનદાર જીત, બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું; અશ્વિને ઈતિહાસ રચ્યો
ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું છે. ભારતે બાંગ્લાદેશને 515 રનનો ટ

ચેન્નાઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું છે. ભારતે બાંગ્લાદેશને 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 234 રનમાં સમેટાઈ ગઈ હતી. રવિચંદ્રન અશ્વિને ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અશ્વિને પ્રથમ ઈનિંગમાં સદી ફટકારી હતી અને બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. ભારતે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
આ મેચમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ શરૂઆતની વિકેટો ઝડપથી ગુમાવી દીધી હતી, ત્યારબાદ રવિચંદ્રન અશ્વિને સદી ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ અશ્વિનને ખૂબ જ સારો સાથ આપ્યો હતો. બંનેએ 7મી વિકેટ માટે 199 (240 બોલ) ની પાર્ટનરશિપ કરી હતી. અશ્વિને બીજી ઈનિંગ દરમિયાન તમામ 6 વિકેટ લીધી હતી.
સમગ્ર મેચની સ્થિતિ
મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ બોર્ડ પર 376/10 રન બનાવ્યા હતા. અશ્વિને ટીમ માટે સૌથી મોટી ઈનિંગ રમી અને 133 બોલમાં 11 ફોર અને 2 સિક્સરની મદદથી 113 રન બનાવ્યા હતા.
ત્યારબાદ પ્રથમ ઈનિંગમાં બેટિંગ કરવા આવેલી બાંગ્લાદેશની ટીમ ભારતીય બોલરોના હાથે 47.1 ઓવરમાં 149 રનમાં આઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન જસપ્રીત બુમરાહે ભારત તરફથી સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
આ પછી ટીમ ઈન્ડિયા તેની બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરી અને 287/4 રન બનાવીને ઈનિંગ ડિકલેર કરી હતી. આ દરમિયાન શુભમન ગિલે 176 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 119 રન બનાવ્યા હતા. આ સિવાય રિષભ પંતે 128 બોલમાં 13 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા. ઈનિંગ ડિકલેર કર્યા બાદ ભારતીય ટીમે બાંગ્લાદેશને 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
ભારતે 280 રને જીતી મેચ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશી ટીમને ભારતીય બોલરોએ 234 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. આ દરમિયાન રવિચંદ્રન અશ્વિને 6 વિકેટ પોતાના નામે કરી હતી. આ સાથર ટીમ ઈન્ડિયાએ સિરીઝની પ્રથમ મેચ 280 રને જીતીને 1-0ની લીડ મેળવી લીધી.








