સુમિત અંતિલે જેવલિન થ્રોમાં ભારતને અપાવ્યો વધુ એક મેડલ, પેરાલિમ્પિકમાં બેક ટુ બેક ગોલ્ડ જીત્યો
સુમિત અંતિલે પેરિસ પેરાલિમ્પિક 2024માં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 70.59

સુમિત અંતિલે પેરિસ પેરાલિમ્પિક 2024માં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે 70.59 મીટર થ્રો કરીને ગોલ્ડ મેડલ પર લક્ષ્ય સાધ્યું હતું. આ પહેલા તેણે ટોક્યો પેરાલિમ્પિકમાં પણ ગોલ્ડ જીત્યો હતો. તે છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે. સુમિત અંતિલ પેરાલિમ્પિકમાં પોતાનો ગોલ્ડ મેડલ ડીફેન્ડ કરનાર પ્રથમ ભારતીય જેવલિન થ્રોઅર બની ગયો છે.
પોતાનો જ રેકોર્ડ સુધાર્યો
સોનીપતના 26 વર્ષીય વર્લ્ડ રેકોર્ડ ધારક સુમિત અંતિલે પોતાનો 68.55 મીટરનો પેરાલિમ્પિક રેકોર્ડ બહેતર બનાવ્યો હતો જે તેણે ત્રણ વર્ષ પહેલા ટોક્યોમાં બનાવ્યો હતો. તેનો વર્લ્ડ રેકોર્ડ 73.29 મીટર છે. આ પહેલા શૂટર અવની લેખરા પોતાનું પેરાલિમ્પિક ટાઈટલ જાળવી રાખનાર પ્રથમ ભારતીય ખેલાડી બની હતી. F64 કેટેગરીમાં એવા એથ્લેટ્સનો સમાવેશ થાય છે જેમને પગની અપંગતા હોય. તેઓ કાં તો કૃત્રિમ પગથી રમે છે અથવા તેમના પગની લંબાઈમાં તફાવત હોય છે.
જેવલિન થ્રોની F64 કેટેગરીમાં ભારતના સુમિત અંતિલે ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે શ્રીલંકાના ડુલાન કોડિથુવાક્કુ (67.03 મીટર) એ સિલ્વર મેડલ અને ઓસ્ટ્રેલિયાના મિશેલ બુરિયન (64.89 મીટર) એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સુમિત ઉપરાંત વધુ બે ભારતીય ખેલાડીઓએ ફાઈનલમાં ભાગ લીધો હતો. આ પૈકી સંદીપ ચૌધરી 62.80 મીટરના થ્રો સાથે ચોથા ક્રમે રહ્યો હતો. જ્યારે સંદીપ સંજય સાતમા સ્થાને રહ્યો હતો. તેણે 58.03 મીટરનો થ્રો ફેંક્યો હતો.
ફાઇનલમાં સુમિત એન્ટિલનો થ્રો
- પ્રથમ થ્રો - 69.11 મીટર
- બીજો થ્રો - 70.59 મીટર
- ત્રીજો થ્રો - 66.66 મીટર
- ચોથો થ્રો - ફાઉલ
- પાંચમો થ્રો - 69.04 મીટર
- છઠ્ઠો થ્રો - 66.57 મીટર
પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સુમિતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું કે, "સુમિતનું અસાધારણ પ્રદર્શન. મેન્સ જેવલિન F64 ઈવેન્ટમાં ગોલ્ડ જીતવા બદલ તેને અભિનંદન. તેણે ઉત્તમ સાતત્ય અને શ્રેષ્ઠતા દર્શાવી છે. તેના આગામી પ્રયાસો માટે શુભેચ્છાઓ."






