IND vs SL: રિયાન પરાગે ડેબ્યુમાં તોડ્યું શ્રીલંકન બેટ્સમેનનું સપનું, 3 વિકેટ ઝડપી મેચમાં કરાવી વાપસી
ભારતીય ક્રિકેટર રિયાન પરાગે વન ડે ઈન્ટરનેશનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. તેની પહેલી જ વન ડે મેચમાં

ભારતીય ક્રિકેટર રિયાન પરાગે વન ડે ઈન્ટરનેશનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. તેની પહેલી જ વન ડે મેચમાં મહત્ત્વના સમયે ભારતને વિકેટ અપાવી છે. આ સાથે રિયાન પરાગે પોતાની પહેલી જ વન ડે મેચમાં વિકેટ ઝડપનાર ખેલાડીઓની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે બુધવારે ત્રીજી વનડે રમાઈ રહી છે. ભારત માટે શ્રેણી ડ્રો કરવા કોઈપણ હિસાબે મેચ જીતવી જરૂરી છે. બંને ટીમો વચ્ચેની શ્રેણીની પ્રથમ મેચ ટાઈ રહી હતી. બીજી મેચમાં શ્રીલંકાએ ભારતને 32 રને હરાવ્યું હતું. આ શ્રેણીને બરોબરી કરવા માટે ભારતે ત્રીજી મેચ જીતવી જરૂરી છે. જો ભારત ત્રીજી વનડે હારી જશે તો શ્રેણી પણ ગુમાવી દેશે.
આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. ઓપનર અવિષ્કા ફર્નાન્ડો અને પથુમ નિસાન્કાએ 89 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. અક્ષર પટેલે પથુમ નિસાન્કા (45)ને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. બીજા છેડે જોરદાર રમત રમી રહેલ અવિશકા ફર્નાન્ડો પોતાની સદી તરફ આગળ વધી રહ્યો હતો. તેની શાનદાર ઇનિંગ્સને કારણે એક સમયે શ્રીલંકાએ 1 વિકેટે 171 રન બનાવ્યા હતા.
એક સમયે મેચમાં ભારતની મુશ્કેલીઓ વધી રહી હતી. ત્યારે રિયાન પરાગે પોતાની પ્રથમ વનડે મેચમાં અવિષ્કા ફર્નાન્ડોને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. આ સાથે તેની સદી પણ અટકાવી હતી. અવિષ્કાએ 102 બોલ રમીને 96 રન બનાવ્યા હતા. એ પછી રિયાન પરાગે 12 રન બાદ ભારતને બીજી સફળતા અપાવી હતી. આ વખતે રેયાને શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાને (10) આઉટ કર્યો હતો. આ સાથે શ્રીલંકાનો સ્કોર 3 વિકેટે 183 રન થઈ ગયો હતો. અવિશકા ફર્નાન્ડો અને અસલંકા આઉટ થતાં જ ભારતે મેચ પર કબજો જમાવ્યો હતો. થોડી જ વારમાં સ્કોર 6 વિકેટે 199 રન થઈ ગયો. જેમાં છમાંથી 3 વિકેટ રિયાન પરાગે લીધી હતી. અવિષ્કા અને અસલંકા બાદ તેણે દુનિથ વેલાલાગે (2)ને પણ આઉટ કર્યો હતો.






