ઈન્ઝમામે લગાવ્યા બોલ ટેમ્પરિંગના ખોટા આરોપ, રોહિતે આપ્યો એવો જવાબ કે થઈ ગઈ બોલતી બંધ
ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલ મેચ ઇંગ્લેન્ડ સામે 27 જૂને ગુયાનાના પ્રોવ

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની સેમિફાઇનલ મેચ ઇંગ્લેન્ડ સામે 27 જૂને ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે રમશે. આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં પોતાનું અજેય અભિયાન જારી રાખ્યું છે. આ મહત્ત્વપૂર્ણ મેચ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ તમામ સવાલોના જવાબ આપ્યા હતા, જેમાં એક સવાલના જવાબે બધાનું ધ્યાન તેમની તરફ ખેંચ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની સુપર 8 રાઉન્ડની મેચ બાદ પાકિસ્તાની ટીમના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે પોતાના નિવેદનમાં ટીમ ઈન્ડિયાના બોલરો પર બોલ ટેમ્પરિંગના ગંભીર આરોપ લગાવ્યા હતા, જેના પર હિટમેન રોહિત શર્માએ એવો જવાબ આપ્યો કે બધાની બોલતી થઈ ગઈ બંધ.
તમારે તમારા મગજનો ઉપયોગ કરવો જોઈએ
જ્યારે રોહિત શર્માને પ્રેસ કોન્ફરન્સમાં ઈન્ઝમામ ઉલ હકના બોલ ટેમ્પરિંગના આરોપો વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, આ અંગે હું તમને શું જવાબ આપું? જો તમે અહીંની પરિસ્થિતિમાં દિવસ દરમિયાન મેચ રમો છો, તો વિકેટ ખૂબ ડ્રાય હોય છે જેના કારણે બોલ આપમેળે રિવર્સ સ્વિંગ થાય છે. બોલ માત્ર આપણાં માટે જ નહીં પરંતુ તમામ ટીમો માટે ટર્નિંગ સાબિત થઈ રહ્યો છે. ક્યારેક તમારા માટે મનથી વિચારવું જરૂરી બની જાય છે. તમારે જોવું પડશે કે, અમે ક્યાં રમી રહ્યા છીએ. અમે ઓસ્ટ્રેલિયા કે ઈંગ્લેન્ડમાં નથી રમી રહ્યા. ઉલ્લેખનીય છે કે, ઈન્ઝમામ ઉલ હકે ભારતીય ટીમના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની બોલિંગને લઈને ખોટા આરોપો લગાવ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયા સામે સુપર 8 રાઉન્ડની મેચમાં 15મી ઓવર દરમિયાન તેના બોલ રિવર્સ થતા જોવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાએ આ મેચ 24 રને જીતી લીધી હતી અને આ મેચ સેન્ટ લુસિયાના મેદાન પર રમાઈ હતી.
ઇન્ઝમામે શું કહ્યું હતું?
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન ઈન્ઝમામ ઉલ હકે એક પાકિસ્તાની ચેનલ પર ચર્ચા દરમિયાન અર્શદીપ સિંહ અને ભારતીય ટીમ પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવ્યો હતો. ઈન્ઝમામે કહ્યું હતું કે, 'જ્યારે અર્શદીપ 15મી ઓવર ફેંકી રહ્યો હતો ત્યારે બોલ રિવર્સ સ્વિંગ થઈ રહ્યો હતો. નવો બોલ આટલી ઝડપથી રિવર્સ સ્વિંગ થતો નથી. મતલબ કે આ માટે 12મી-13મી ઓવર સુધી બોલ તૈયાર કરવામાં આવ્યો હતો. આ બોલ રિવર્સ સ્વિંગ માટે તૈયાર હતો. અમ્પાયરોએ તેમની આંખો ખુલ્લી રાખવી પડશે.
સેમિફાઇનલ મેચમાં રોહિત પાસેથી દરેકને મોટી ઇનિંગની અપેક્ષા
ઈંગ્લેન્ડ સામેની આ સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમને ફરી એકવાર કેપ્ટન રોહિત શર્મા પાસેથી શાનદાર ઈનિંગની અપેક્ષા છે. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં રોહિતે 92 રનની ઈનિંગ રમીને મેચને સંપૂર્ણપણે એકતરફી બનાવી દીધી હતી. તેમજ આ મેચમાં વરસાદ વિઘ્ન બની શકે તેવી પણ આશંકા છે.






