T20 વર્લ્ડ કપ જીત્યા બાદ Rinku Singh થયો ભાવુક, સ્વર્ગસ્થ પિતાને યાદ કરીને લખી પોસ્ટ
Rinku Singh Emotional Note For Father: રિંકુ સિંહે ICC

Rinku Singh Emotional Note For Father: રિંકુ સિંહે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ પોતાના સ્વર્ગસ્થ પિતા ખાનચંદ સિંહ માટે એક ભાવુક પોસ્ટ લખી છે. રવિવારે અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ખિતાબ જીત્યો હતો. રિંકુ સિંહના પિતાનું 27 ફેબ્રુઆરીએ નિધન થઈ ગયુ હતું. તેઓ લાંબા સમયથી સ્ટેજ-4 લીવર કેન્સરની પીડાઈ રહ્યા હતા.
રિંકુ સિંહે ઈન્સ્ટાગ્રામ પર લખી ભાવુક પોસ્ટ
રિંકુ સિંહે ઈન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ લખતા કહ્યું કે, 'મેં ક્યારેય મારા પિતા સાથે વાત કર્યા વિના આટલા દિવસ નથી વિતાવ્યા. મને નથી ખબર તમારા વગરની જિંદગી કેવી રીતે ચાલશે, પરંતુ મને દરેક પગલે તમારી જરૂર પડશે.'
હું તમારું સ્વપ્ન પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો
રિંકુ સિંહને જ્યારે તેમના પિતાના નિધનના સમાચાર મળ્યા ત્યારે તે ભારતીય ટીમ સાથે હતો. ત્યારબાદ તે ચેન્નાઈથી અલીગઢ સ્થિત પોતાના ઘરે ગયો અને પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયો.
રિંકુએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'તમે શીખવ્યું હતું કે ફરજ પહેલા આવે છે. તેથી હું મેદાન પર માત્ર તમારા સ્વપ્નને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હવે તમારું સ્વપ્ન પૂર્ણ થયું છે, પરંતુ બસ એવું જ લાગે છે કે કાશ તમે મારી સાથે હોત. દરેક નાની-મોટી ખુશીમાં તમારી ખોટ વર્તાશે.'
2024માં તક નહોતી મળી, આ વખતે રમ્યો વર્લ્ડ કપ
2024માં રિંકુ સિંહને ભારતીય ટીમની T20 વર્લ્ડ કપ ટીમમાં સ્થાન નહોતું મળ્યું અને તે માત્ર એક ટ્રાવેલિંગ રિઝર્વ ખેલાડી હતો. પરંતુ આ વખતે તેને તક મળી અને તે ભારત માટે પોતાનો પ્રથમ વર્લ્ડ કપ રમ્યો. તેણે ટુર્નામેન્ટમાં પાંચ મેચ રમી અને 24 રન બનાવ્યા. હવે રિંકુ સિંહ 28 માર્ચથી શરૂ થનારી IPL 2026માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતો દેખાશે.







