Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Record 260 positive dope tests in a single year in India

ભારતીય સ્પોર્ટ્સ જગતમાં બન્યો 'કલંકરૂપ' રેકોર્ડ, એક જ વર્ષમાં નોંધાયા 260 પોઝિટિવ ડોપ ટેસ્ટ; રમત મંત્રીનો ચોંકાવનારો ખુલાસો

Timeછેલ્લું અપડેટ : 10 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ભારતીય સ્પોર્ટ્સ જગતમાં બન્યો 'કલંકરૂપ' રેકોર્ડ, એક જ વર્ષમાં નોંધાયા 260 પોઝિટિવ ડોપ ટેસ્ટ; રમત મંત્રીનો ચોંકાવનારો ખુલાસો
સોર્સ : GSTV

ભારતીય સ્પોર્ટ્સ જગતમાં ગત વર્ષ દરમિયાન 'કલંકરૂપ' રેકોર્ડ સમાન 260 જેટલા પોઝિટિવ ડોપ ટેસ્ટ નોંધાયા હોવાનો ચોંકાવનારો ખુલાસો ખુદ રમત મંત્રીએ કર્યો છે. ખેલાડીએ પોતાનું પ્રદર્શન સુધારવા માટે વર્લ્ડ એન્ટી હોપિંગ એજન્સીએ જે ડ્રગ પર પ્રતિબંધ મુક્યો હોય તેનું સેવન કર્યું હોય તો તેનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવે છે. ભારતના રમત ઈતિહાસમાં સંભવતઃ આ પહેલી વખત એક વર્ષમાં આટલી મોટી સંખ્યામાં ટોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે, જે નાલેશીભર્યો રેકોર્ડ છે.

App Store

વર્ષ 2023માં 213 પોઝિટિવ ટેસ્ટ

આ અગાઉ ભારતના સ્પોર્ટ્સ જગતમાં સૌથી વધુ ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યા હોય તેવી ઘટના 2019માં બની હતી, ત્યારે આ સંખ્યા 224 હતી. જે શરમજનક રેકોર્ડ ગત વર્ષે તુટી ગયો છે. વિશ્વમાં સૌથી વધુ પોઝિટિવ ડોપ ટેસ્ટ ધરાવતા દેશોની યાદીમાં ભારત પણ સામેલ હોવાનો અહેવાલ છે, ત્યારે વધતા જતાં ડોપ ટેસ્ટ ચિંતાનું કારણ બન્યા છે. કારણ કે તે અગાઉના વર્ષે એટલે કે 2023માં પોઝિટિવ ડોપ ટેસ્ટની સંખ્યા 213 જેટલી હતી, જેમાં એક વર્ષ દરમિયાન 47 પોઝિટિવ કેસ વધ્યા છે. 

આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામે પ્રશ્નાર્થ 

રાજ્યસભાના પ્રશ્નકાળ દરમિયાન પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં રમત મંત્રીએ આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે એમ પણ ઊમેર્યું હતુ કે, 2024માં જે પોઝિટિવ ડોપ ટેસ્ટ જોવા મળ્યા છે, તેમાં મોટાભાગના ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરના છે અને આ બાબત ભારત માટે ચિંતાજનક છે. નોંધપાત્ર છે કે સ્પોર્ટ્સ જગતમાં પોઝિટિવ ડોપ ટેસ્ટનો મુદ્દો અત્યંત સંવેદનશીલ છે. અમેરિકા અને યુરોપના દેશો વધુ પોઝિટિવ ડોપ ટેસ્ટ ધરાવતા ખેલાડીઓની સામે શંકાની નજરે જ જોતા હોય છે.

રેકોર્ડ 7466 સેમ્પલની ચકાસણી 

રમત મંત્રીએ એમ પણ જણાવ્યું છે કે, દેશમાં એન્ટી ડોપિંગના નિયમોના ભંગના કેસની સંખ્યા વધી રહી છે અને સરકાર તે અંગે જાગૃત છે તથા તેના પર નિયંત્રણ મેળવવા માટે કટિબદ્ધ છે. રાજ્યસભામાં એમ પણ જણાવવામાં આવ્યું હતુ કે, માત્ર પોઝિટિવ ડોપ ટેસ્ટ જ નથી વધ્યા, પણ તેની સાથે ડોપ ટેસ્ટિંગમાં પણ વધારો થયો છે. ગત વર્ષ દરમિયાન ભારતની નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (નાડા) એ કુલ રેકોર્ડ 7466 સેમ્પલની ચકાસણી કરી હતી.

સૌથી વધુ પોઝિટિવ ડોપ ટેસ્ટ એથ્લેટિક્સ

વર્ષ 2024માં ભારતના રમતવીરોના 260 પોઝિટીવ ડોપ ટેસ્ટમાં સૌથી વધુ 76 પોઝિટિવ ટેસ્ટ એથ્લેટિક્સમાં નોંધાયેલા છે. આ યાદીમાં બીજા ક્રમે વેઈટલિફ્ટિંગ છે, જેમાં 43 પોઝિટિવ ડોપ ટેસ્ટ છે. અલબત્ત, 2023માં વેઈટલિફ્ટિંગમાં માત્ર 38 પોઝિટિવ ડોપ ટેસ્ટ હતા. ત્રીજા સ્થાને કુસ્તી છે, જેમાં 29 પોઝિટિવ ડોપ ટેસ્ટ નોંધાયા હતા. બોક્સિંગમાં 2023 કરતાં 2024માં પોઝિટિવ ડોપ ટેસ્ટની સંખ્યા લગભગ બેવડી થઈને 17 ૫૨ પહોંચી ગઈ છે.

ડોપ ટેસ્ટ એટલે શું?

આધુનિક સ્પોર્ટ્સ જગતમાં ખેલાડીઓ પોતાનું પ્રદર્શન સુધારવા માટે સ્નાયુ મજબુત કરવાથી માંડીને વધુ ઝડપ અને જોશ મળે તેવી દવાઓનું સેવન કરતાં હોય છે. આવી દવાઓ લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવનારા 'દોષિત' ખેલાડીઓને શોધી કાઢવા માટે એન્ટી ડોપિંગ અભિયાન ચલાવવામાં આવે છે, જેમાં ખેલાડીઓના બ્લડ-યુરિનના સેમ્પલની ચકાસણી કરીને તેમણે પ્રદર્શન સુધારવા માટે ડ્રગ લીધા છે કે નહીં તે નક્કી કરવામાં આવે છે. આ અંગેના ટેસ્ટને ડોપ ટેસ્ટ કહેવામાં આવે છે. જો ખેલાડીનો ડોપ ટેસ્ટ પોઝિટીવ આવે તો તેણે પ્રતિબંધિત ડ્રગનું સેવન કર્યું છે, તેમ કહેવાય. જો ટેસ્ટ નેગેટિવ આવે તો તે ખેલાડીને 'ક્લિનચિટ' મળે છે.

ડોપ ટેસ્ટ ક્યારે લેવાય?

મોટાભાગે રાજ્ય, રાષ્ટ્રીય કે પછી આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ દરમિયાન ડોપ ટેસ્ટ લેવાતા હોય છે. જે મોટાભાગે આકસ્મિક જ લેવાય છે. ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપ જેવી મેજર ઈવેન્ટમાં તો મેડલ વિજેતા ખેલાડીઓની સ્પર્ધા પુરી થાય તે પછી તરત તેમના ડોપ ટેસ્ટ લેવામાં આવતા હોય છે. ડોપ ટેસ્ટ માટે બ્લડ અને યુરિન સેમ્પલ લેવામાં આવે છે. ઘણી વખત આઉટ ઓફ કોમ્પિટિશન પણ ડોપ લેવાય છે. આ માટે ખેલાડીઓએ દર ત્રણેક મહિને તેમના આગામી ત્રણ મહિનાનું કેલેન્ડર (એટલે તેઓ ત્રણ મહિના દરમિયાન ક્યાં હશે તેની વિગતો) એન્ટી ડોપિંગ એજન્સીને આપવી પડે છે.

ડોપ ટેસ્ટની સત્તા કોને?

વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી તમામ રમતોમાં ડોપિંગના દૂષણને દૂર કરવા માટે કાર્યરત છે. તેની સાથે લગભગ તમામ રમતોના સંઘો જોડાયેલા છે. વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીના ઓફિશિઅલ્સ ઓલિમ્પિક તેમજ વર્લ્ડ ચેમ્પિયનશિપ સહિતની વૈશ્વિક રમતોમાં પરિક્ષણની જવાબદારી સંભાળે છે. ભારતમાં નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીની સ્થાપના 2009માં કરવામાં આવી હતી. હવે મેજર ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓના પરિક્ષણ તે ખેલાડી સ્પર્ધામાં ભાગ લેવા જાય તે પહેલા જ ભારતની જ એજન્સી દ્વારા કરવામાં આવે છે. વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીએ પ્રદર્શનમાં સુધારો કરે તેવા ડ્રગની એક યાદી બહાર પાડી છે, જેમાં સુધારા-વધારા થતા રહે છે. આ યાદીમાં સામેલ ડ્રગ કોઈ ખેલાડીના સેમ્પલની ચકાસણીમાં જોવા મળે તો તેનો ડોપ ટેસ્ટ પોઝિટીવ છે, તે નક્કી થાય.

ડોપ ટેસ્ટ: તપાસ અને કાર્યવાહી

ખેલાડીના સૌપ્રથમ સેમ્પલ લેવામાં આવે તેને એ સેમ્પલ કહેવામાં આવે છે. તે પોઝિટિવ આવે એટલે ખેલાડીને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામા આવે છે અને તેના બ્લડ-યુરિનના બીજા સેમ્પલ લેવામાં આવે છે, જેની ફરી ચકાસણી થાય છે અને તે પોઝિટિવ આવે પછી જે એક કમિટિની રચના કરવામાં આવે છે અને ખેલાડીનો ખુલાસો સાંભળ્યા બાદ ચૂકાદો આપવામાં આવે છે. પોઝિટિવ ડોપ ટેસ્ટ બદલ ચાર વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવતો હોય છે. ખેલાડીએ જીતેલા મેડલ અને તેના રેકોર્ડને દૂર કરવામાં આવે છે.

ભારતમાં છેલ્લા છ વર્ષમાં ડોપ ટેસ્ટ

વર્ષ પરિક્ષણ પોઝિટિવ ટેસ્ટ
2019 4004 224
2020 1886 055
2021 1794 042
2022 3865 124
2023 5606 213
2024 7466 260