IND vs NZ / બીજી T20Iમાં વૈભવ સૂર્યવંશીને મળી શકે છે તક, આ સ્ટાર ખેલાડી ઈજાગ્રસ્ત થયો

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20I સિરીઝની બીજી મેચ શનિવારે (24 ઓક્ટોબર) ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે રમાનારી છે. આ મેચ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર બેટ્સમેન ઈશાન કિશનને ગ્રોઈનમાં ખેંચાણની સમસ્યા છે અને તે મેચમાં ભાગ નહીં લઈ શકે.
ભારતીય ક્રિકેટ બોર્ડે આ જાહેરાત કરી છે. હવે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ ઈલેવનમાં ઈશાન કિશનની જગ્યાએ ર્નીક મળવા શક્યતા છે.
ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે પણ ઈશાનની ઈજા વિશે માહિતી આપી હતી અને કહ્યું હતું કે પ્રથમ T20Iમાં પાંચમા નંબરે તેની બેટિંગ કરવી પણ આ સમસ્યા સાથે સંબંધિત હતી.
બેટિંગ કોચે ઈશાન વિશે શું કહ્યું?
સિતાંશુ કોટકે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "મેં આ અંગે ઘણી અટકળો પણ જોઈ છે. ઈશાનને ગ્રોઈનમાં ખેચાણ હતું, જેના કારણે બેટિંગ ક્રમ બદલવામાં આવ્યો હતો. તે આવતીકાલની મેચમાં પણ રમે તેવી શક્યતા નથી. જો ઈશાન નહીં રમે, તો વૈભવ ચોક્કસપણે તેની જગ્યાએ રમવા માટે એક મજબૂત દાવેદાર છે."
ઈશાન કિશનની ઈજાને કારણે વૈભવ સૂર્યવંશીની ટીમમાં સ્થાન મેળવવાની શક્યતા વધી ગઈ છે. અભિષેક શર્મા અને સંજુ સેમસન નિયમિત ઓપનર છે અને ટીમ મેનેજમેન્ટ હાલમાં તેમના પ્રદર્શનથી સંતુષ્ટ છે. જો વૈભવ પ્લેઈંગ ઈલેવનમાં પ્રવેશ કરે છે, તો સંજુ સેમસન ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે.
પહેલી T20I પહેલા, કેપ્ટન શ્રેયસ અય્યરે વૈભવ સૂર્યવંશી વિશે કહ્યું હતું કે તેને તેની તકની રાહ જોવી પડશે. તેણે કહ્યું, "તે હજુ પણ ખૂબ નાનો છે અને તેને તક મળવા માટે ઘણા વર્ષો બાકી છે. તેને તાત્કાલિક ટીમમાં સામેલ કરવાની વાત નથી, કારણ કે અમારા બંને ઓપનર સતત સ્કોર કરી રહ્યા છે અને વર્લ્ડ કપ પણ જીત્યા છે."
શ્રેયસ અય્યરે વિદેશી પરિસ્થિતિઓમાં રમવાના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો. તેણે કહ્યું, "અહીં રમવાથી તેને આ પિચ અને પરિસ્થિતિઓને સમજવાની તક મળશે. આગલી વખતે જ્યારે તે અહીં આવશે, ત્યારે તે વધુ સારી રીતે તૈયાર થશે અને પહેલીવાર આ પરિસ્થિતિમાં રમતા અન્ય ખેલાડીઓને પણ મદદ કરી શકશે."
તિલક વર્માએ ત્રીજા નંબર પર બેટિંગ કરી
ન્યુઝીલેન્ડ સામેની પહેલી T20Iમાં તિલક વર્માને ઈશાનથી આગળ ત્રીજા નંબર પર મોકલવામાં આવ્યો હતો. તિલક 11 બોલમાં 6 રન બનાવી શક્યો હતો, જ્યારે ઈશાન કિશન ત્રણ બોલમાં એક રન બનાવીને આઉટ થયો હતો. તિલકને માઈકલ બ્રેસવેલ અને ઈશાનને મિચેલ સેન્ટનર દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો. જોકે, ભારતે ચાર વિકેટ બાકી રહેતા 226 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. હવે બધાની નજર ઈશાનની ઉપલબ્ધતા અને બીજી મેચમાં વૈભવની પસંદગી પર રહેશે.
વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં રાજસ્થાન રોયલ્સ (RR) માટે 776 રન બનાવીને પોતાની બેટિંગ કુશળતા દર્શાવી હતી. તેણે ભારત માટે અત્યાર સુધી આઠ T20I મેચોમાં 246 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 186.36 છે અને તેના નામે બે અડધી સદી છે. તેણે છેલ્લી મેચ આઈચી-નાગોયા એશિયન ગેમ્સ 2026માં રમી હતી, જ્યાં તે શ્રીલંકા સામે સેમીફાઈનલ અને પાકિસ્તાન સામે ફાઈનલમાં રમ્યો હતો. ત્યારબાદ, વેસ્ટ ઈન્ડિઝ સામેની T20I સિરીઝમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નહતો કરવામાં આવ્યો.









