IND vs NZ / પહેલી T20I જીત્યા પછી પણ ખુશ નથી શ્રેયસ અય્યર, કેપ્ટને જણાવ્યું કારણ

ભારતે પોતાના ન્યુઝીલેન્ડ પ્રવાસની શરૂઆત જીત સાથે કરી અને પહેલી T20Iમાં શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો. શ્રેયસ આયરની કેપ્ટનશિપ હેઠળ, ભારતીય ટીમે પહેલીવાર T20I ક્રિકેટમાં 210 કે તેથી વધુ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ કર્યો. ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી આ મેચમાં ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 225 રન બનાવ્યા હતા.
જવાબમાં, ભારતીય ટીમે ઝડપી શરૂઆત કરી, પરંતુ વચ્ચેની ઓવર્સમાં સતત વિકેટો પડતાં મેચ મુશ્કેલ બની ગઈ. એક સમયે એવું લાગતું હતું કે ન્યુઝીલેન્ડ વાપસી કરી શકે છે. જોકે, નમન ધીરે દબાણ હેઠળ શાનદાર બેટિંગ કરી અને પોતાની અણનમ ઈનિંગથી ભારતને જીત અપાવી. મેચ પછી, કેપ્ટન શ્રેયસ અય્યરે ટીમના પ્રદર્શન અને નમન ધીરની બેટિંગ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા.
અય્યરે શું કહ્યું?
પ્રથમ T20I જીત્યા પછી, શ્રેયસ અય્યરે સ્વીકાર્યું કે ભારતીય બોલર્સ શરૂઆતમાં પિચને સમજી નહતા શક્યા. પોસ્ટ મેચ પ્રેઝન્ટેશન દરમિયાન કેપ્ટને જણાવ્યું કે જ્યારે ટીમે બોલિંગ શરૂ કરી, ત્યારે લાગ્યું કે પિચ થોડી ધીમી છે અને સપાટી પર અથડાયા પછી બોલ ધીમો પડી રહ્યો છે. આના કારણે બોલર્સે યોગ્ય હાર્ડ લેન્થ મારવાને બદલે થોડી આગળ બોલિંગ કરી.
અય્યરના મતે, જેમ જેમ મેચ આગળ વધતી ગઈ, તેમ તેમ ઝાકળનું પરિબળ સ્પષ્ટ થતું ગયું. આનાથી બેટ્સમેનોને શોટ રમવાનું સરળ બન્યું, અને ન્યુઝીલેન્ડે તેનો લાભ લીધો. આ જ કારણ છે કે યજમાન ટીમ હાઈ સ્કોર નોંધાવવામાં સફળ રહી. ભારતીય કેપ્ટનના નિવેદનથી સ્પષ્ટપણે સંકેત મળ્યો કે બોલિંગ કરતી વખતે પરિસ્થિતિઓની સમજણમાં ખામીને કારણે ન્યુઝીલેન્ડ મુક્તપણે સ્કોર કરી શક્યું.
કેપ્ટન નમન ધીરની ઈનિંગથી ખુશ
ટાર્ગેટ ચેઝ કરતી વખતે ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી, પરંતુ વિકેટો પડવા લાગ્યા પછી મેચ રોમાંચક બની ગઈ. ભારતે 167 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે, નમન ધીરે બાજી સંભાળી અને આક્રમક બેટિંગ કરીને ટીમને જીતની નજીક પહોંચાડી. તેણે માત્ર 15 બોલમાં અણનમ 42 રન બનાવ્યા. તેની ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થતો હતો.
મેચ પછી, શ્રેયસ અય્યરે નમનની બેટિંગની પ્રશંસા કરી. તેણે કહ્યું કે દબાણમાં નમન જે સંયમ સાથે બેટિંગ કરે છે તે જોવા જેવું હતું. કેપ્ટને એમ પણ કહ્યું કે નમન ટીમ માટે ઘણી રીતે ઉપયોગી થઈ શકે છે. તે ડાબા અને જમણા હાથના બેટ્સમેન બંને સામે બોલિંગ કરવામાં સક્ષમ છે. જો જરૂર પડે તો, તે બે કે ત્રણ ઓવર પણ ફેંકી શકે છે, જે મેચનો માર્ગ બદલવામાં મદદ કરી શકે છે.









