રાજસ્થાન રોયલ્સ છોડવાના સમાચાર વચ્ચે સંજુ સેમસને તોડ્યું મૌન, RR અને રાહુલ દ્રવિડ વિશે કહી આ વાત

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં સંજુ સેમસનના રાજસ્થાન રોયલ્સ (RR) સાથેના ભવિષ્ય વિશે જાણવા માટે લોકો ઉત્સુક છે. જ્યારથી સેમસનના ફ્રેન્ચાઈઝીથી અલગ થવાના સમાચાર આવ્યા છે. ત્યારથી આ મુદ્દો ફેન્સમાં ચર્ચાનો વિષય બની ગયો છે. જોકે, સંજુ સેમસને હવે પોતાનું મૌન તોડ્યું છે.
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેરળના આ વિકેટકીપર-બેટ્સમેને RRથી અલગ થવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) તેને સામેલ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. દરમિયાન, બધી અફવાઓ અને અટકળો વચ્ચે, સેમસને રોયલ્સ સાથેના તેના સંબંધો પર પોતાનું મૌન તોડ્યું છે.
RRમાં જોડાયા પછી જીવન બદલાઈ ગયું
રવિચંદ્રન અશ્વિનના યુટ્યુબ પોડકાસ્ટ 'કુટ્ટી સ્ટોરીઝ' પર વાતચીત દરમિયાન, કેરળના આ ક્રિકેટરે જણાવ્યું કે રાજસ્થાન રોયલ્સ સાથેના તેના જોડાણે તેનું જીવન કેવી રીતે બદલી નાખ્યું. સેમસને કહ્યું કે, રાજસ્થાન રોયલ્સે તેને એક પ્લેટફોર્મ આપ્યું જ્યાં તે વિશ્વ સમક્ષ પોતાની પ્રતિભા દર્શાવી શકે.
'RR મારા માટે દુનિયા કરતાં વધારે છે'
સંજુ સેમસનએ કહ્યું, "RR મારા માટે દુનિયા કરતાં વધારે છે. કેરળના એક ગામડાનો એક નાનો બાળક પોતાની પ્રતિભા બતાવવા માંગતો હતો. અને પછી રાહુલ સર અને મનોજ બડાલે સરે મને એક પ્લેટફોર્મ આપ્યું. જેથી હું ઊઠી શકું અને દુનિયાને બતાવી શકું કે હું શું બન્યો છું."
'મારા માટે તે ખરેખર મહત્ત્વનું છે'
સેમસને આગળ કહ્યું, "તે સમયે, તેમને મારા પર સંપૂર્ણ વિશ્વાસ હતો. RR સાથેની મારી સફર ખરેખર શાનદાર રહી છે અને હું આવી ફ્રેન્ચાઈઝીનો ભાગ બનવા બદલ ખૂબ જ આભારી છું. તે ખરેખર મારા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે."
2013માં રાજસ્થાનમાં જોડાયો
તમને જણાવી દઈએ કે સંજુ સેમસન 2013થી 2015 સુધી રાજસ્થાનમાં રમ્યો હતો. પછી તે દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) માં બે વર્ષ રમ્યો હતો. પછી 2018માં તે રાજસ્થાન પાછો ફર્યો. તેની કેપ્ટનશીપ હેઠળ, ટીમ 2022માં ફાઈનલમાં પહોંચી હતી. 2008 પછી આ પહેલીવાર હતું જ્યારે રાજસ્થાનની ટીમ ફાઈનલમાં પહોંચી હતી.

