'અમે સાથે છીએ, આવનારા 15-20 વર્ષ સુધી...', મહેન્દ્ર સિંહ ધોનીએ CSKને લઈને આપ્યું મોટું નિવેદન

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગયા મહિને (7 જુલાઈ) જન્મદિવસ ઉજવ્યો હતો. ધોની 44 વર્ષની ઉંમરે પણ IPL (ઈન્ડિયન પ્રીમિયર લિંગ) માં ચેન્નઈની ટીમ માટે રમી રહ્યો છે. IPLમાં CSK માટે પાંચ વાર ટાઈટલ જીતનારા ધોની આવતી સિઝન માટે રમશે કે નહીં તેને લઈને અસમંજસ છે. ધોનીએ કહ્યું કે, તે હંમેશા CSK સાથે રહેશે.
ધોનીએ શું કહ્યું?
એક ઈવેન્ટમાં પાંચ વાર ટાઈટલ જીતનાર CSKની ટીમના મહત્ત્વના ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું, "હું અને CSK, અમે સાથે છીએ. આવનારા 15-20 વર્ષ સુધી પણ અમે સાથે રહીશું. એવું ના વિચારતા કે હું 15-20 વર્ષ ક્રિકેટ રમીશ."
'હંમેશા પીળી જર્સીમાં રહીશ'
મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, "હું હંમેશાં કહેતો આવ્યો છું કે મારી પાસે નિર્ણય લેવા માટે ખૂબ સમય છે, પરંતુ જો તમે CSKની ટીમ માટે પૂછી રહ્યા છો તો કહીશ કે હું હંમેશા પીળી જર્સીમાં જ રહીશ, ભલે હું રમું કે ન રમું તે અલગ વાત છે. CSK એ મને એક સારો ક્રિકેટર બનવામાં ખૂબ મદદ કરી છે." તેણે કહ્યું, "છેલ્લી સિઝન અમારી માટે સારી નહતી, પરંતુ મને આશા છે કે IPL 2026માં અમે સારો દેખાવ કરીશું." નોંધનીય છે કે IPL 2025માં CSKએ માત્ર 14 માંથી ફક્ત 4 મેચ જ જીતી હતી.

