'તેણે ઈંગ્લેન્ડમાં નંબર 1 બોલર જેવું પ્રદર્શન નથી કર્યું', ટેસ્ટ સિરીઝ પછી અનુભવી ખેલાડીએ બુમરાહ પર સાધ્યું નિશાન

તાજેતરમાં સમાપ્ત થયેલી ભારત અને ઈંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝમાં, ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ફક્ત 3 ટેસ્ટ મેચ રમ્યો હતો. જોકે, ભારતીય ટીમ આમાંથી એક પણ મેચ જીતી નહતી શકી. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝ 2-2થી ડ્રો રહી હતી.
હવે પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે કહ્યું છે કે જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડમાં સિરીઝ દરમિયાન નંબર 1 બોલરના ધોરણો પર ખરા નહતો ઉતર્યો. બુમરાહએ સિરીઝમાં 26ની એવરેજ અને 3.04ની ઇકોનોમી સાથે 14 વિકેટ લીધી હતી.
100થી વધુ રન આપ્યા
બુમરાહે ત્રણ ટેસ્ટ મેચમાં 119.4 ઓવર બોલિંગ કરી હતી. માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ખાતે ચોથી ટેસ્ટમાં તે તેના શ્રેષ્ઠ ફોર્મમાં નહતો દેખાયો. તેણે કારકિર્દીમાં પહેલીવાર 100થી વધુ રન આપ્યા હતા. સિરીઝ પછી, પઠાણે કહ્યું કે, ભલે તેનું નામ ઓનર્સ બોર્ડમાં નોંધાયેલું હોય, પણ તે નંબર 1 બોલરની અપેક્ષાઓ પર ખરો નહતો ઉતર્યો.
5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી
પઠાણે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, "સાચું કહું તો, તે જ્યારે પણ રમ્યો, ત્યારે તેણે સારું પ્રદર્શન કર્યું. તેણે પાંચ વિકેટ લીધી અને લોર્ડ્સના ઓનર્સ બોર્ડમાં તેનું નામ નોંધાવ્યું. પરંતુ જ્યારે તમે નંબર 1 બોલર હોવ છો, ત્યારે તમારી પાસેથી તે લેવલના પ્રદર્શન કરવાની અપેક્ષા રાખવામાં આવે છે, અને મને લાગ્યું કે તે તેના પર ખરો નથી ઉતર્યો."
તેણે એમ પણ કહ્યું કે સિરીઝમાં ઘણા પ્રસંગો એવા હતા જ્યારે બુમરાહ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી શકતો હતો, પરંતુ તેણે તેમ ન કર્યું. પઠાણે કહ્યું, "એવા પણ પ્રસંગો હતા, જેમ કે જ્યારે છઠ્ઠી ઓવર જરૂરી હતી. મેં કોમેન્ટ્રી દરમિયાન પણ આ વિશે વાત કરી હતી. જો રૂટને બુમરાહ દ્વારા 11 વખત આઉટ કરવામાં આવ્યો હતો અને તે લોર્ડ્સ ટેસ્ટમાં, બુમરાહએ પાંચ ઓવર ફેંકી હતી. ફક્ત એક ઓવર વધુ તાકાત લગાવી શકાય તેમ હતું. મને લાગ્યું કે તેણે થોડી ધીરજ બતાવી. કેટલીક પસંદગીયુક્ત બોલિંગ પણ કરી, જેનો હું હંમેશા વિરોધ કરું છું."

