WPL 2026 / ગ્રેસ હેરિસ અને સ્મૃતિ મંધાનાની તોફાની ઈનિંગ્સ સામે UPનું સરેન્ડર, RCBએ 9 વિકેટથી જીતી મેચ

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ સોમવારે વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ના પોતાની બીજી મેચમાં બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ગ્રેસ હેરિસ અને સ્મૃતિ મંધાનાની તોફાની ઈનિંગ્સને કારણે UP વોરિયર્સને 9 વિકેટથી હરાવ્યું હતું. દીપ્તિ શર્મા અને ડિએન્ડ્રા ડોટિનની લડાયક ઈનિંગ્સના કારણે UPએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને કુલ 143 રન બનાવ્યા હતા. RCBએ 12.1 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
દીપ્તિએ 35 બોલમાં 45 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. ડોટિને 37 બોલમાં અણનમ 40 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. બંનેએ 93 રનની પાર્ટનરશિપ કરી, જેનાથી UPને સન્માનજનક સ્કોર બનાવવામાં મદદ મળી.
હેરિસનું તોફાન
ટાર્ગેટ ચેઝ કરવો એટલો સરળ નહતો, જેટલો હેરિસ અને મંધાનાએ બનાવી દીધો. આ જોડીએ પાવરપ્લેમાં જ 78 રન ઉમેર્યા અને હેરિસે 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. 84 રન પર હેરિસને એક જીવનદાન પણ મળ્યું હતું. 12મી ઓવરના બીજા બોલ પર લોંગ-ઓન પર હરલીન દેઓલે તેનો કેચ છોડી દીધો. જોકે, શિખા પાંડેએ તે જ ઓવરના ચોથા બોલ પર મેગ લેનિંગના હાથે તેને કેચ આઉટ કરાવી. હેરિસે 40 બોલમાં 85 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે, પરંતુ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. RCBની પહેલી વિકેટ પડી ત્યારે તેના 137 રન બની ગયા હતા. 13મી ઓવરના પહેલા બોલ પર દીપ્તિ શર્માએ બાયનો ચોગ્ગો આપ્યો, જેનાથી RCBની ટીમ મેચ જીતી ગઈ.
મંધાના પોતાની અડધી સદી પૂર્ણ ન કરી શકી. તે 32 બોલમાં 47 રન બનાવીને અણનમ રહી, આ ઈનિંગમાં તેણે 9 ચોગ્ગા ફટકાર્યા હતા. રિચા ઘોષ ૨ બોલમાં 4 રન બનાવીને અણનમ રહી, જેમાં તેણે એક ચોગ્ગો ફટકાર્યો હતો.
પાટિલ અને ડી ક્લર્કે યુપીને ઝટકો આપ્યો
આ પહેલા યુપી સારી શરૂઆત નહતું કરી શક્યું. તેની બેટ્સમેન ઝડપથી સ્કોર ન કરી શકી. પાવરપ્લેમાં ટીમે એક વિકેટ ગુમાવીને માત્ર 36 રન જ બનાવ્યા હતા. આ પછી શ્રેયંકા પાટિલ અને ડી ક્લાર્કે એક જ ઓવરમાં 2-2 વિકેટ લઈને UPને બેકફૂટ પર ધકેલ્યું. ટીમની પહેલી વિકેટ પાંચમી ઓવરના બીજા બોલ પર હરલીન દેઓલના રૂપમાં પડી, જેણે ફક્ત 11 રન બનાવ્યા હતા. ત્યારબાદ ડી ક્લર્કે આઠમી ઓવરના પહેલા બોલ પર લેનિંગને આઉટ કરી, જે ફક્ત 14 રન બનાવી શકી હતી. ત્યારબાદ ક્લર્કે તે જ ઓવરના છેલ્લા બોલ પર ફોબી લિચફિલ્ડને પણ આઉટ કરી, જે ફક્ત 20 રન બનાવી શકી હતી.
આ પછી નવમી ઓવર ફેંકવા આવેલી શ્રેયંકા પાટિલે પહેલા બોલ પર કિરણ નવગિરે અને બીજા બોલ પર શ્વેતા સેહરાવતને આઉટ કરીને UPની હાલત ખરાબ કરી દીધી અને તેનો સ્કોર 5 વિકેટે 50 રન કરી દીધો. ત્યાંથી દીપ્તિ અને ડોટિને મોટી પાર્ટનરશિપ કરી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. આ જીત સાથે RCB WPL 2026ના પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. RCB અત્યાર સુધી રમેલી બંને મેચ જીતી છે. તે 4 પોઈન્ટ અને +1.964ની નેટ રન રેટ સાથે પહેલા નંબર પર છે. જ્યારે UP બંને મેચ હારીને પોઈન્ટ્સ ટેબલ પર છેલ્લા સ્થાને છે.

