IND vs NZ / કોહલી, રોહિત કે ગિલમાંથી કોઈ એક બેવડી સદી ફટકારશે, ODI સિરીઝ માટે અશ્વિનની મોટી ભવિષ્યવાણી

ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓફ-સ્પિનર રવિચંદ્રન અશ્વિને ન્યુઝીલેન્ડ સામેની ODI સિરીઝ અંગે ખૂબ જ રસપ્રદ આગાહી કરી છે. અશ્વિન માને છે કે ભારતીય ટીમ હાલમાં એટલી મજબૂત સ્થિતિમાં છે કે ટીમના ટોપ ત્રણ બેટ્સમેન (રોહિત શર્મા, શુભમન ગિલ કે વિરાટ કોહલી) માંથી કોઈ એક આ સિરીઝ દરમિયાન બેવડી સદી ફટકારી શકે છે.
તેની યુટ્યુબ ચેનલ પર વાત કરતા અશ્વિને કહ્યું, "ભારતીય ટીમ 22 દિવસના લાંબા ગાળા પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહી છે. મને લાગે છે કે ભારતીય બેટ્સમેનમાંથી કોઈ એક બેવડી સદી ફટકારવા જઈ રહ્યો છે અને એવી પ્રબળ શક્યતા છે કે તે ટોપ ત્રણ બેટ્સમેનોમાંથી એક હશે." અશ્વિને કહ્યું કે, ભારતીય પિચો અને ન્યુઝીલેન્ડના વર્તમાન બોલિંગ એટેકને ધ્યાનમાં રાખીને આ કારનામું શક્ય છે.
અશ્વિને ન્યુઝીલેન્ડ ટીમની રણનીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, કિવીઓએ તેમની સૌથી મજબૂત ટીમ ભારતમાં નથી મોકલી. તેના મતે, ન્યુઝીલેન્ડ આ પ્રવાસને ફક્ત "Experience Tour" તરીકે જોઈ રહ્યું છે. કિવી ટીમ આગામી T20 વર્લ્ડ કપ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને મુખ્ય ખેલાડીઓને આરામ આપીને તેની બેન્ચ સ્ટ્રેન્થનું પરીક્ષણ કરી રહી છે. અશ્વિને તો એમ પણ કહ્યું, "જો ન્યુઝીલેન્ડ આ સિરીઝમાં એક પણ મેચ જીતે છે, તો તે તેના માટે સિરીઝ જીતવા સમાન હશે."
અશ્વિનના વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે ભારતની ટીમ ઘરેલુ મેદાન પર ખૂબ જ શક્તિશાળી દેખાઈ રહી છે. તેના મતે જ્યાં સુધી ન્યુઝીલેન્ડ અસાધારણ બોલિંગ ન કરે અને ભારતને 300થી નીચેના સ્કોર સુધી મર્યાદિત ન કરે, ત્યાં સુધી આ સિરીઝમાં નજીકની સ્પર્ધાની આશા ઓછી છે. હવે ફેન્સ એ જોવા માંગે છે કે શું અશ્વિનની આગાહીઓ સાચી પડે છે અને શું રોહિત, કોહલી કે ગિલમાંથી કોઈ એક ઈતિહાસ રચે છે.
વિરાટ કોહલી અને રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી ઉત્તમ ફોર્મમાં છે. કોહલીએ તેની છેલ્લી 4 ઈનિંગ્સમાં સતત 50 પ્લસ રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે. રોહિત શર્મા પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. જ્યારે શુભમન ગિલ ઈજા પછી ODI ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે.

