મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

રણજી ટ્રોફી 2025ના ચેમ્પિયન વિદર્ભ પર થયો પૈસાનો વરસાદ, ફાઈનલ હારનારી કેરળની ટીમને પણ મળ્યું ઈનામ

અક્ષય વાડકરના નેતૃત્વમાં વિદર્ભે રણજી ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે. કેરળ સામે રમાયેલી ફાઈનલ મેચ ડ્રો થયા

રણજી ટ્રોફી 2025ના ચેમ્પિયન વિદર્ભ પર થયો પૈસાનો વરસાદ, ફાઈનલ હારનારી કેરળની ટીમને પણ મળ્યું ઈનામ

અક્ષય વાડકરના નેતૃત્વમાં વિદર્ભે રણજી ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો છે. કેરળ સામે રમાયેલી ફાઈનલ મેચ ડ્રો થયા બાદ, વિદર્ભને પ્રથમ ઈનિંગની લીડના આધારે ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. બેટ્સમેન દાનિશ માલેવારને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. તેણે પહેલી ઈનિંગમાં 153 રન અને બીજી ઈનિંગમાં 73 રન બનાવ્યા હતા. કરુણ નાયરે પણ પહેલી ઈનિંગમાં 86 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી અને બીજી ઈનિંગમાં સદી (135) ફટકારી હતી. આ વિદર્ભનો ત્રીજો રણજી ટ્રોફી ખિતાબ છે.

રણજી ટ્રોફી 2025ની ફાઈનલમાં, કેરળે ટોસ જીતીને વિદર્ભને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. વિદર્ભે દાનિશ માલેવર (153) અને કરુણ નાયર (86) ની શાનદાર ઈનિંગ્સની મદદથી 379 રન બનાવ્યા હતા. કેરળે પહેલી ઈનિંગમાં 342 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં, વિદર્ભને 37 રનની લીડ મળી હતી.

રણજી ટ્રોફીના નિયમો મુજબ, જો ટાઈટલ મેચ ડ્રો થાય છે, તો પ્રથમ ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે. આ રીતે વિદર્ભે તેનો ત્રીજો રણજી ટ્રોફી ખિતાબ જીત્યો.

રણજી ટ્રોફી 2025 પ્રાઈઝ મની

ચેમ્પિયન વિદર્ભ ટીમ પર પૈસાનો વરસાદ થયો. BCCI રણજી ટ્રોફી ચેમ્પિયન ટીમને પ્રાઈઝ મની તરીકે 5 કરોડ રૂપિયા આપે છે. રનર-અપ ટીમ (કેરળ) ને BCCI દ્વારા પ્રાઈઝ મની તરીકે 3 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

BCCIના પૂર્વ સેક્રેટરી અને વર્તમાન ICC ચેરમેન જય શાહે ગયા વર્ષે ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઈનામની રકમમાં વધારો કર્યો હતો. રણજી ટ્રોફી 2025ની સેમીફાઈનલમાંથી બહાર થયેલી બંને ટીમોને ઈનામ તરીકે 1 કરોડ રૂપિયા મળ્યા.

હર્ષ દુબે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો

વિદર્ભ ટીમના બોલર હર્ષ દુબેએ ફાઈનલ મેચની પહેલી ઈનિંગમાં 3 વિકેટ લીધી હતી. તેણે ટૂર્નામેન્ટમાં રમાયેલી 10 મેચમાં કુલ 69 વિકેટ લીધી હતી. રણજી ટ્રોફી 2025ના પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે હર્ષ દુબેને પસંદ કરવામાં આવ્યો હતો. વિદર્ભનો બેટ્સમેન યશ રાઠોડ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેણે 10 મેચમાં 960 રન બનાવ્યા હતા. કરુણ નાયર વિશે વાત કરીએ તો, તેણે પણ તેની બેટિંગથી બધાને ખૂબ પ્રભાવિત કર્યા હતા. નાયરે 9 મેચની 16 ઈનિંગ્સમાં 863 રન બનાવ્યા હતા.

આ સમાચાર શેર કરો