Asia Cup 2025 / પાકિસ્તાને UAEને હરાવીને સુપર-4માં કર્યો પ્રવેશ, હવે આ દિવસે ટીમ ઈન્ડિયા સામે ટકરાશે

બુધવારે એશિયા કપ 2025ની 10મી મેચમાં પાકિસ્તાનનો UAE સામે મુકાબલો થયો હતો. ટુર્નામેન્ટનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેનારા પાકિસ્તાનની ટીમ મેદાન પર મોડી પહોંચી હતી, જેના કારણે એક કલાકનો વિલંબ થયો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલ પાકિસ્તાન UAEના બોલરો સામે લાચાર દેખાયું હતું.
જોકે, શાહીન આફ્રિદીએ અંતિમ ઓવરમાં ત્રણ બાઉન્ડ્રી ફટકારીને પાકિસ્તાનનો સ્કોર 140 પાર પહોંચાડ્યો. પાકિસ્તાને 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. જવાબમાં, UAE 17.4 ઓવરમાં 105 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પાકિસ્તાને મેચ 41 રનથી જીતી લીધી અને સુપર-4માં પ્રવેશ મેળવ્યો. પાકિસ્તાન હવે 21 સપ્ટેમ્બરે ફરી ભારત સામે ટકરાશે.
સિમરનજીત સિંહે શાનદાર બોલિંગ કરી
ટોસ હારીને બેટિંગ કરવા આવેલ પાકિસ્તાન સંઘર્ષ કરી રહ્યું હતું અને UAEના બોલરો સામે મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ ગયું. ભારતીય મૂળના બોલર સિમરનજીત સિંહ, જેણે બાળપણમાં શુભમન ગિલને બોલિંગ કરી હતી, તેણે પાકિસ્તાની બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા. ટીમના અડધા બેટ્સમેન 90 રન સુધી પહોંચતા પહેલા પવેલિયનમાં પાછા ફર્યા હતા.
સેમ અયૂબ ફરી ખાતું પણ ન ખોલી શક્યો
સેમ અયૂબ ફરી એકવાર પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગયો, જ્યારે સાહિબઝાદા ફરહાન 5 રન બનાવીને આઉટ થયો. આવી પરિસ્થિતિઓમાં, ફખર ઝમાને ટીમની બેટિંગ સાંભળી, 36 બોલમાં 50 રન ફટકાર્યા, જેમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, તેના આઉટ થયા પછી, નિયમિત અંતરાલે વિકેટો પડતી ગઈ, જેના કારણે પાકિસ્તાન મોટો સ્કોર ન કરી શક્યું.
લોઅર ઓર્ડરમાં, શાહીન શાહ આફ્રિદીએ બેટથી આશાઓ જગાવી. નવમા નંબર પર બેટિંગ કરતા, તેણે 14 બોલમાં અણનમ 29 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા, અને છેલ્લી ઓવરમાં 20 રન ઉમેર્યા, જેનાથી પાકિસ્તાનને સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી.
UAEના બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું. સિમરનજીત સિંહે 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ લીધી, જ્યારે જુનૈદ સિદ્દીકીએ ઘાતક બોલિંગ કરી, 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 4 વિકેટ લીધી. તેના શાનદાર સ્પેલથી પાકિસ્તાનની ટીમ દબાણમાં આવી ગઈ હતી.
UAEની શરૂઆત નબળી રહી
147 રનનો પીછો કરતા UAEની શરૂઆત પણ નબળી રહી. ટીમે પાવરપ્લેમાં 38 રન બનાવીને 3 વિકેટ ગુમાવી દીધી હતી. અલીશાન શરાફુએ 12, કેપ્ટન મોહમ્મદ વસીમે 14 અને મોહમ્મદ ઝોહૈબે 4 રન બનાવ્યા. ત્યારબાદ વિકેટકીપર રાહુલ ચોપરાએ ધ્રુવ પરાશર સાથે ઈનિંગને સ્થિર કરી. બંનેએ ચોથી વિકેટ માટે 48 રનની પાર્ટનરશિપ કરી. 14મી ઓવરના છેલ્લા બોલ પર હારિસ રઉફે આ પાર્ટનરશિપ તોડી. તેણે ધ્રુવની વિકેટ લીધી. ધ્રુવે 23 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 20 રનની ધીમી ઈનિંગ રમી. આ પછી, વિકેટો ઝડપથી પડવા લાગી.
આસિફ ખાન અણનમ રહ્યો. રાહુલ ચોપરાએ 35 રન બનાવ્યા. હર્ષિત કૌશિક શૂન્ય રને પેવેલિયન પાછો ફર્યો. સિમરજીત સિંહ 1 રનના સ્કોર પર રન આઉટ થયો. હૈદર અલીએ 6 રન અને મોહમ્મદ રોહિદ ખાને 2 રન બનાવ્યા હતા. શાહીન શાહ આફ્રિદી, અબરાર અહેમદ અને હારિસ રઉફે 2-2 વિકેટ લીધી. સેમ અયૂબ અને સલમાન આગાએ 1-1 વિકેટ લીધી હતી.

