રેફરી એન્ડી પાયક્રોફ્ટની માફી બાદ જુઠ્ઠાણું ફેલાવતા પાકિસ્તાનની ICC એ ખોલી પોલ, આપ્યું આ નિવેદન

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ફરી એકવાર પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. હકીકતમાં, એશિયા કપમાં પાકિસ્તાન અને UAE વચ્ચેના નાટક પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ મેચ શરૂ થતાં જ જુઠ્ઠાણું ફેલાવ્યું. પાકિસ્તાને દાવો કર્યો હતો કે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે માફી માંગી હતી, અને પાકિસ્તાન મેચ રમવા માટે સંમત થયું હતું. ICC એ પણ સ્પષ્ટ કર્યું હતું કે રેફરીએ માફી માંગી હતી, પરંતુ તેમની માફી હાથ મિલાવવાના વિવાદ માટે નહોતી.
ICC એ સ્પષ્ટપણે કહ્યું હતું કે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે માફી માંગી હતી, પરંતુ ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન બંને ટીમો વચ્ચે થયેલા હાથ મિલાવવાના વિવાદમાં તેમની ભૂલ માટે નહીં. નોંધનીય છે કે ICC એ અગાઉ PCB ની ફરિયાદ બાદ રેફરી એન્ડી પાયક્રોફ્ટને ક્લીન ચીટ આપી હતી. પરિણામે, ICC એ સ્પષ્ટ કર્યું હતું કે હાથ મિલાવવાના વિવાદ માટે રેફરી દ્વારા માફી માંગવાનો કોઈ પ્રશ્ન જ નથી.
મેચ પહેલા પાકિસ્તાને શું કર્યું?
UAE સામેની મેચના માત્ર એક કલાક પહેલા, પાકિસ્તાને જાહેરાત કરી કે તે મેચમાં ભાગ લેશે નહીં. પાકિસ્તાની ટીમ હોટેલમાંથી મેદાન માટે પણ નીકળી ન હતી. ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓને તેમના રૂમમાં પાછા ફરવાનો આદેશ આપ્યો. પાકિસ્તાને બે શરતો મૂકી, જેમાં કહ્યું કે જો મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ માફી માંગે અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવને દંડ ફટકારવામાં આવે તો જ તેઓ મેચ રમશે. જોકે, ICC એ બંને માંગણીઓ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
પોતાની ફજેતી થતી જોઈ પાકિસ્તાન બોર્ડે ફરીથી કહ્યું કે તેઓ મેચ રમવા માટે સંમત થયા છે, અને મેચ રાત્રે 9 વાગ્યે શરૂ થઈ. જો પાકિસ્તાન આ મેચ ન રમ્યું હોત, તો તે એશિયા કપ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હોત. જે બાદ યુએઈ બે પોઈન્ટ સાથેસુપર ફોર માટે ક્વોલિફાય થઈ ગઈ હોત.

