ફરી એકવાર મેદાન પર જોવા મળશે શિખર ધવનનો જલવો, હવે આ પાડોશી દેશમાં રમશે ક્રિકેટ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર શિખર ધવને નિવૃત્તિ લઈ લીધી છે. તેણે આ વર્ષે ક્રિકેટને અલવિદા કહી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર શિખર ધવને નિવૃત્તિ લઈ લીધી છે. તેણે આ વર્ષે ક્રિકેટને અલવિદા કહી દીધું. જોકે, તે હજુ પણ નિવૃત્ત ખેલાડીઓની T20 લીગમાં રમતા જોવા મળે છે. તાજેતરમાં તેણે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ એટલે કે LLC 2024માં ભાગ લીધો હતો. જેની ફાઈનલ શ્રીનગરમાં રમાઈ હતી. આ ટૂર્નામેન્ટ બાદ શિખર ધવન ફરી એકવાર T20 લીગમાં રમવા માટે ઉત્સુક છે. રસપ્રદ વાત એ છે કે આ વખતે તે એવી લીગનો ભાગ બનવા જઈ રહ્યો છે જેનું આયોજન ભારતના પાડોશી દેશમાં કરવામાં આવશે. હવે તમે વિચારી રહ્યા હશો કે અમે લંકા પ્રીમિયર લીગ અથવા બાંગ્લાદેશ પ્રીમિયર લીગની વાત કરી રહ્યા છીએ. જો તમે આવું વિચારી રહ્યા છો તો તમારું અનુમાન ખોટું છે.
આ પણ વાંચો: IPL 2025: મેગા ઓક્શન પહેલા ગુજરાતની ટીમે ખેલ્યો મોટો દાવ, પાર્થિવ પટેલને સોંપી મોટી જવાબદારી
શિખર ધવન શ્રીલંકા કે બાંગ્લાદેશની નહીં પણ નેપાળની લીગમાં રમતો જોવા મળશે. તેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. નેપાળ પ્રીમિયર લીગ (NPL) ની ફ્રેન્ચાઈઝી કર્નાલી યાક્સે આગામી એડિશન માટે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવનને ટીમમાં જોડ્યો છે. 38 વર્ષીય ધવન કર્નાલી માટે ચોથો વિદેશી ખેલાડી હશે. આ પહેલા ફ્રેન્ચાઈઝીએ વેસ્ટ ઈન્ડિઝના ચેડવિક વાલ્ટન, પાકિસ્તાનના હુસૈન તલત અને હોંગકોંગના બાબર હયાતને પણ પોતાની ટીમમાં સામેલ કર્યા છે.
કર્નાલી યાક્સે વીડિયો બહાર પાડ્યો
કર્નાલી યાક્સે ઈન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં શિખર ધવન નેપાળ પ્રીમિયર લીગમાં જોડાવાની જાહેરાત કરતો જોવા મળે છે. ધવને કહ્યું કે, તે નેપાળ પ્રીમિયર લીગમાં રમવા આવી રહ્યો છે. તે કર્નાલી યાક્સ માટે રમશે અને તે નેપાળના લોકોને મળવા માટે ઉત્સુક છે. શિખર ધવન ઉપરાંત જિમ્મી નીશમ, માર્ટિન ગુપ્ટિલ, ઉન્મુક્ત ચંદ અને બેન કટિંગ પણ નેપાળ પ્રીમિયર લીગની આગામી એડિશનમાં રમતા જોવા મળશે.
આ વર્ષે ઓગસ્ટમાં ઈન્ટરનેશનલ અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ધવને તેની છેલ્લી સ્પર્ધાત્મક મેચ એપ્રિલમાં રમી હતી. તે IPL 2024માં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે છેલ્લે 2021માં ભારત માટે T20I મેચ રમી હતી. આ પછી ખરાબ ફોર્મના કારણે તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.






