IND vs NZ / ફાઈનલ પહેલા વધ્યું ન્યુઝીલેન્ડનું ટેન્શન, ટીમના હેડ કોચે આપ્યું આ ખેલાડીની ફિટનેસ અંગે અપડેટ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં દુબઈના મેદાન પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. આ મેચ પહેલા ક

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં દુબઈના મેદાન પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. આ મેચ પહેલા કિવી ટીમનું ટેન્શન થોડું વધી ગયું છે કારણ કે તેમનો ફાસ્ટ બોલર મેટ હેનરી આ મહત્ત્વપૂર્ણ મેચમાંથી બહાર થઈ શકે છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામેની સેમીફાઈનલ મેચમાં, મેટ હેનરીને ફિલ્ડિંગ કરતી વખતે ખભામાં ઈજા થઈ હતી. તેણે પછી મેચમાં બોલિંગ કરી હતી પરંતુ તે સ્પષ્ટપણે ખભાના દુખાવાથી સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. હવે ન્યુઝીલેન્ડ ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટેડે ફાઈનલ મેચમાં તેના રમવા અંગે નિવેદન આપ્યું છે.
હેનરીના ફાઈનલમાં રમવા અંગે હજુ પણ શંકા છે
સેમીફાઈનલ મેચ પછી મેટ હેનરીની ફિટનેસ અંગેના પ્રશ્નના જવાબમાં ન્યુઝીલેન્ડના કેપ્ટન મિચેલ સેન્ટનરે કહ્યું કે, 'મેટ હેનરી ફાઈનલ સુધીમાં તે સંપૂર્ણપણે ફિટ થઈ જશે.' હવે કિવી ટીમના હેડ કોચ ગેરી સ્ટેડ દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ, ફાઈનલ મેચમાં તેના રમવા અંગે હજુ સુધી કંઈ નક્કી થયું નથી. સ્ટેડે ચોક્કસપણે કહ્યું હતું કે, 'અમે ટાઈટલ મેચમાં હેનરીને રમાડવાનો પ્રયાસ કરીશું પરંતુ હાલમાં અમારી પરિસ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. ખભાની ઈજાને કારણે તેને હજુ પણ દુખાવો છે. અમને આશા છે કે તે ફાઈનલ મેચ પહેલા સંપૂર્ણપણે ફિટ થઈ જશે.'
ભારત સામેની ગ્રુપ મેચમાં 5 વિકેટ લીધી હતી
મેટ હેનરીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજની મેચમાં ભારત સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે 8 ઓવરમાં 42 રન આપીને 5 વિકેટ લીધી હતી. હેનરી હાલમાં ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ટોપ પર છે, તેણે 4 મેચમાં 16.70ની એવરેજથી 10 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં, જો મેટ હેનરી ફાઈનલ મેચમાંથી બહાર થઈ જાય છે, તો તે ન્યુઝીલેન્ડની ટીમ માટે મોટો ઝટકો હશે.






