T20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનનાર ટીમ પર થશે પૈસાનો વરસાદ, જાણો કોને મળશે કેટલા રૂપિયા
T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત પહેલા, ઇન્ટરનેશનલ ક્રિક

T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત પહેલા, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આ ટૂર્નામેન્ટ માટે કુલ 11.25 મિલિયન યુએસ ડોલરની ઇનામી રકમની જાહેરાત કરી હતી. આ રકમ ભારતીય ચલણમાં અંદાજે રૂ. 93.5 કરોડ જેટલી છે. ઉલ્લેખનીય છે કે, 2022માં આયોજિત વર્લ્ડ કપની સરખામણીમાં ઈનામની રકમ લગભગ બમણી થઈ ગઈ છે કારણ કે, બે વર્ષ પહેલા રાખવામાં આવેલી ઈનામની રકમ લગભગ 46.6 કરોડ રૂપિયા હતી. જેમાંથી લગભગ 13.3 કરોડ રૂપિયા વિજેતા ટીમ ઈંગ્લેન્ડને ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા. તો ચાલો જાણીએ 2024 T20 વર્લ્ડ કપમાં વિજેતા ટીમને કેટલા પૈસા મળવાના છે.
વિજેતાને મળશે લગભગ 20 કરોડ રૂપિયા
T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારત અને સાઉથ આફ્રિકા સામસામે ટકરાશે અને તેમાંથી જે પણ વિજેતા બનશે તેને ભારતીય ચલણમાં લગભગ 20.4 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે. બીજી તરફ, રનર્સ અપને આમાંથી અડધા એટલે કે 10.6 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ વર્લ્ડ કપમાં સૌથી બોટમમાં સ્થાન મેળવનારી ટીમોને પણ પૈસા આપવામાં આવશે. તેમજ સેમિફાઇનલમાં હારનારી ટીમોને 6.5 કરોડ રૂપિયા મળવાના છે.
અન્ય ટીમો પણ થશે માલામાલ
4 સેમિફાઈનલ ટીમો ઉપરાંત સુપર-8 સ્ટેજથી આગળ ન વધી શકી તે 4 ટીમો માટે પણ ઘણા પૈસા ફાળવવામાં આવ્યા છે. સુપર-8થી આગળ વધતી દરેક ટીમને અંદાજે રૂ. 3.19 કરોડ મળશે. ઈનામી રકમનો લાભ માત્ર આ ટીમોને જ નહીં પરંતુ ગ્રૂપ સ્ટેજમાં બહાર થઈ ગયેલી 12 ટીમોને પણ મળશે. ગ્રૂપ સ્ટેજમાં તેના ગ્રૂપમાં ત્રીજા ક્રમે આવનાર દરેક ટીમને 2.5 કરોડ રૂપિયા મળશે. જે ટીમો પોઈન્ટના આધારે 13માથી 20મા ક્રમે હતી. તે દરેક ટીમને 1.87 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવશે.
દરેક મેચ જીતવા માટે રૂ. 26 લાખ
ICCએ ઈનામની રકમમાં એક જોગવાઈ પણ ઉમેરી છે કે, T20 વર્લ્ડ કપ 2024માં મેચ જીતવા પર 26 લાખ રૂપિયા અલગથી આપવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ટીમ ટૂર્નામેન્ટમાં માત્ર એક જ જીત નોંધાવવામાં સફળ રહી છે, તો તેને અલગથી 26 લાખ રૂપિયા મળશે. 2 મેચ જીતનાર ટીમને 52 લાખ રૂપિયાની અલગથી રકમ આપવામાં આવશે.






