મોહમ્મદ શમીની ક્રિકેટના મેદાનમાં વાપસી, બોર્ડર- ગાવસ્કર ટ્રોફી પહેલા સારા સમાચાર
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમનો ઝડપી બોલર મોહમ્મદ શમી ફિટ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. ટીમનો ઝડપી બોલર મોહમ્મદ શમી ફિટ થઈ ગયો છે અને મેદાનમાં વાપસી કરવા માટે તૈયાર છે. વન ડે વર્લ્ડ કપ 2023 બાદથી ભારતીય ટીમમાંથી બહાર રહેલા ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી લગભગ એક વર્ષથી ક્રિકેટથી દૂર છે.
આ પણ વાંચોઃ ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સને લઈને થયો હોબાળો, નારાજ પૂર્વ ભારતીય ક્રિકેટરની BCCIને સલાહ
મોહમ્મદ શમીએ તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 19 નવેમ્બર, 2023ના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વન ડે વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. શમીએ વર્લ્ડ કપ પછી સર્જરી કરાવી હતી અને ત્યારથી તે રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો હતો. મોહમ્મદ શમી બુધવારથી મધ્યપ્રદેશ સામેની રણજી ટ્રોફી એલિટ ગ્રુપ સી મેચમાં ઈન્દોરના મેદાન પર પોતાનું કૌવત બતાવતો જોવા મળશે.
બંગાળ ક્રિકેટ એસોસિએશને એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું કે, "ભારતીય ક્રિકેટ અને બંગાળ રણજી ટ્રોફી માટે આ સારી વાત છે કે મોહમ્મદ શમી પુનરાગમન કરવા જઈ રહ્યો છે. તે બુધવારથી ઈન્દોરમાં શરૂ થઈ રહેલી યજમાન મધ્યપ્રદેશ સામેની રણજી મેચમાં રમશે. મોહમ્મદ શમી રણજી ટ્રોફી ગ્રુપ સી મેચમાંથી ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. તે બંગાળ અને મધ્યપ્રદેશ વચ્ચેની મેચમાં રમતા જોવા મળશે. આ મેચ બુધવારથી ઈન્દોરમાં શરૂ થશે. તે મધ્યપ્રદેશ સામે બંગાળ બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરશે.
બંગાળની ટીમ હાલમાં ચાર મેચ બાદ 8 પોઈન્ટ મેળવીને તેના ગ્રુપમાં પાંચમા સ્થાને છે. શમી પાસે તેની ફિટનેસ સાબિત કરવાની તક છે અને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે હજુ પણ તેની ટીમમાં પસંદગી થઈ શકે છે. જો તે સતત બે રણજી મેચ રમીને અને લાંબા સ્પેલ બોલિંગ કરીને તેની ફિટનેસ અને વર્કલોડને મેનેજ કરી શકે છે, તો તે ઓસ્ટ્રેલિયામાં પણ છેલ્લી ત્રણ મેચ રમી શકે છે.






