...જ્યારે ફ્લિન્ટોફને જવાબ આપવા શર્ટ ઉતારીને કર્યું સેલિબ્રેશન, આવી રહી 52 વર્ષીય ‘દાદા’ની ક્રિકેટ જર્ની
ભારતીય ટીમના સ્ટાર દિગ્ગજ ખેલાડી સૌરવ ગાંગુલી આજે (8 જુલાઈ) પોતાનો 52મો જન્મદિવસ

ભારતીય ટીમના સ્ટાર દિગ્ગજ ખેલાડી સૌરવ ગાંગુલી આજે (8 જુલાઈ) પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આપણે બધા તેમને ‘દાદા’ તરીકે ઓળખીએ છીએ. પણ સૌરવ ગાંગુલીને 'પ્રિન્સ ઓફ કોલકાતા', 'લોર્ડ ઓફ ધ ઓફ સાઇડ', 'બેંગાલ ટાઇગર' જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. તેણે પોતાના ક્રિકેટ ઈતિહાસમાં ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે. તેણે તેની પહેલી બે ટેસ્ટ મેચમાં બે વિકેટ પણ લીધી છે. તેણે પોતાની કેપ્ટનશિપમાં ઘણી મેચો જીતી છે. દેશ ઉપરાંત વિદેશમાં પણ તેણે આ સિદ્ધિ મેળવી છે. વીરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ, યુવરાજ સિંહ જેવા સ્ટાર ક્રિકેટરોની કારકિર્દી ઘડવામાં ‘દાદા’ એ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એમએસ ધોનીએ પણ ગાંગુલીની કપ્તાની હેઠળ ભારત માટે ડેબ્યુ કર્યું હતું.
ગાંગુલીએ ફ્લિન્ટોફને આપ્યો જોરદાર જવાબ
સૌરવ ગાંગુલી દ્વારા કરવામાં આવેલા કારનામા વિશે આપણે બધાએ પપ્પા અને દાદા પાસેથી સાંભળ્યું છે. તે ક્ષણ કોણ ભૂલી શકે છે જ્યારે ગાંગુલીએ ઈંગ્લિશ ક્રિકેટર એન્ડ્રુ ફ્લિન્ટોફને શર્ટ હલાવીને જવાબ આપ્યો હતો. વાસ્તવમાં, 13 જુલાઈ, 2002ના રોજ, ઈંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર મોહમ્મદ કૈફ અને યુવરાજ સિંહની જાદુઈ ઈનિંગ્સના આધારે ભારતે ફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને હરાવી નેટવેસ્ટ સીરિઝ પર કબજો કર્યો હતો. આ પછી ગાંગુલીએ પોતાનું ટી-શર્ટ ઉતારીને લોર્ડ્સની બાલ્કનીમાં એવી રીતે લહેરાવ્યું કે આ ઘટના ઈતિહાસના પાનામાં નોંધાઈ ગઈ. તે જ વર્ષે ફેબ્રુઆરીમાં (3 ફેબ્રુઆરી 2002), મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત સામેની જીત બાદ ફ્લિન્ટોફે પોતાનો શર્ટ ઉતાર્યો અને મેદાન પર દોડ્યો. આવી સ્થિતિમાં 'દાદા'એ તેને યોગ્ય જવાબ આપ્યો, જે ફ્લિન્ટોફ ક્યારેય ભૂલી શકશે નહીં. જે બાદ ગાંગુલીએ પોતાના કૃત્ય બદલ પસ્તાવો વ્યક્ત કર્યો હતો. ગાંગુલીએ 2018માં પ્રકાશિત પોતાના પુસ્તક (એ સેન્ચ્યુરી ઈઝ નોટ ઈનફ)માં લખ્યું છે કે, 'ફાઈનલ મેચમાં જીતને લઈને ટીમ ખૂબ જ ઉત્સાહિત હતી અને ઝહીર ખાને વિનિંગ શૉટ મારતા જ હું મારી જાતને રોકી શક્યો નહીં.' શર્ટ ઉતારીને ઉજવણી કરવી યોગ્ય નથી. વિજયની ઉજવણી કરવાની બીજી ઘણી રીતો હતી.
કાંગારૂઓનો અહંકાર તોડ્યો
સૌરવ ગાંગુલી મેદાન પર મોડા આવવા માટે જાણીતો હતો. વર્ષ 2001માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં ગાંગુલીએ સ્ટીવ વોને 'સ્ટાર ઇન ધ ડે' બનાવ્યો હતો. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં આયોજિત ઐતિહાસિક ટેસ્ટ મેચના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ વો ટોસ માટે સમયસર પહોંચ્યા, પરંતુ ગાંગુલીની રાહ જોવાતી રહી. દાદા થોડા મોડા પહોંચ્યા કારણ કે, તેમનું બ્લેઝર ખોવાઈ ગયું હતું, જેને શોધવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. જ્યારે ગાંગુલી ટોસ માટે મોડા પહોંચ્યા ત્યારે સ્ટીવ વો ખૂબ ગુસ્સે થયો હતો. ફોલોઓન રમવા છતાં ભારતીય ટીમે તે ટેસ્ટ મેચ જીતી હતી. યાદગાર જીત સાથે ભારતે ઓસ્ટ્રેલિયન ટીમની જીતનો દોર રોકી દીધો હતો. તે મેચ પહેલા ઓસ્ટ્રેલિયાએ સતત 16 ટેસ્ટ મેચ જીતી હતી.
આવી રહી છે ગાંગુલીની ક્રિકેટ કારકિર્દી
ઉલ્લેખનીય છે કે, ગાંગુલી લેફ્ટ હેન્ડ બેટિંગ અને રાઇટ હેન્ડ બોલિંગ કરતો હતો. સૌરવ ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટ અને 311 વનડે રમી છે. ગાંગુલીએ ટેસ્ટ મેચોમાં 42.17ની એવરેજથી 7,212 રન બનાવ્યા, જેમાં 16 સદી અને 35 અડધી સદી સામેલ છે. જ્યારે ODIમાં ગાંગુલીના નામે 41.02ની એવરેજથી 11,363 રન છે. ગાંગુલીએ વનડેમાં 22 સદી અને 72 અડધી સદી ફટકારી છે. બોલિંગની વાત કરીએ તો ગાંગુલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 132 વિકેટ ઝડપી છે. જો જોવામાં આવે તો સૌરવ ગાંગુલીએ 49 ટેસ્ટ અને 147 ODI મેચમાં ભારતની કેપ્ટનશિપ કરી હતી. ગાંગુલીની કેપ્ટનશિપમાં જ ટીમ ઈન્ડિયા 2003માં વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. તે જ સમયે, ભારતીય ટીમ 2002 ચેમ્પિયન્સ ટ્રોફીમાં સંયુક્ત વિજેતા રહી હતી. ગાંગુલી 2019-22 દરમિયાન BCCIના પ્રમુખ પણ હતા.






