SMAT 2025 / ઈશાન કિશનની કેપ્ટનશિપમાં ઝારખંડે રચ્યો ઈતિહાસ, પહેલીવાર જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

ઝારખંડે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025ની ફાઈનલમાં હરિયાણાને હરાવીને પોતાનું પહેલું SMATનું ટાઈટલ જીત્યું છે. 2010-11માં વિજય હજારે ટ્રોફી જીત્યા પછી આ તેનું બીજું ડોમેસ્ટિક ટાઈટલ છે. ઈશાન કિશનની કેપ્ટનશિપ હેઠળ ઝારખંડે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું.
ટોસ હાર્યા બાદ ઝારખંડને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 262 રન બનાવ્યા. જેના જવાબમાં હરિયાણા 18.3 ઓવરમાં 193 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને ઝારખંડે 69 રનથી મેચ જીતી લીધી.
ઈશાન કિશનની કપ્તાની પારી
પહેલા બેટિંગ કરતા ઝારખંડની શરૂઆત ખરાબ રહી હતી. જ્યારે વિરાટ સિંહ 2 રન બનાવીને પવેલિયન પરત ફર્યો. ત્યારબાદ કેપ્ટન ઈશાન કિશન અને કુમાર કુશાગ્ર એ શાનદાર પ્રદર્શન કર્યું. આ મેચમાં ઈશાન કિશને 49 બોલનો સામનો કરીને 10 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકારીને 101 રન બનાવ્યા હતા. તે SMAT ફાઈનલમાં સદી ફટકારનાર પ્રથમ કેપ્ટન બન્યો હતો.
કુમાર કુશાગ્ર એ પણ 38 બોલમાં 5 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકારીને 81 રન બનાવ્યા હતા. આ બંને સિવાય અનુકુલ રોયે અણનમ 40 અને રોબિન મિન્ઝે અણનમ 31 રન બનાવ્યા હતા. હરિયાણાના ત્રણ બોલર્સે એક-એક વિકેટ લીધી હતી.
બોલર્સે કમાલ કરી
262 રનનો ટાર્ગેટ ચેઝ કરતા હરિયાણાની શરૂઆત જ ખરાબ થઈ હતી. ટુર્નામેન્ટમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન અંકિત કુમાર ખાતું ખોલ્યા વિના પેવેલિયન પાછો ફર્યો. તેના પછી બેટિંગ કરવા આવેલો આશિષ સિવાચ પણ માત્ર ત્રણ બોલનો સામનો કરીને શૂન્ય રને આઉટ થયો.
આ પછી અર્શ રંગા અને યશવર્ધન દલાલે ઈનિંગને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રંગાને સુશાંત મિશ્રાએ 17 રન પર બોલ્ડ કર્યો. પ્રથમ છ ઓવરના અંત સુધીમાં હરિયાણાએ 58 રન બનાવ્યા હતા, પરંતુ ત્રણ મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી.
યશવર્ધન અને સિંધુએ સખત લડત આપી
નિશાંત સિંધુ અને યશવર્ધન દલાલે ચોથી વિકેટ માટે 67 રનની પાર્ટનરશિપ કરી, જેનાથી હરિયાણાનો સ્કોર 100ને પાર ગયો. યશવર્ધને પણ 58 રન બનાવ્યા, જ્યારે નિશાંતે 31 રન બનાવ્યા. હરિયાણાની ઈનિંગને પૂર્ણ થવામાં વધુ સમય ન લાગ્યો. ઝારખંડ માટે સુશાંત મિશ્રા અને બાલ કૃષ્ણાએ 3-3 વિકેટ લીધી, જ્યારે વિકાસ સિંહ અને અનુકુલ રોયે 2-2 વિકેટ લીધી હતી.

