IPLમાં પંજાબ કિંગ્સના માલિકો વચ્ચે કઈ બાબતે થઈ લડાઈ? પ્રીતિ ઝિન્ટાએ પાર્ટનર ઉપર કર્યો કેસ
ઈન્ડિયન પ્રીમિયર લીગની પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઈઝીની આંતરિક બાબતોમાં બધું બરાબર નથી. જો કે આ અંગ

ઈન્ડિયન પ્રીમિયર લીગની પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઈઝીની આંતરિક બાબતોમાં બધું બરાબર નથી. જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ ટીમના માલિકો વચ્ચે મતભેદો થયા હોવાનું બહાર આવ્યું છે. ફ્રેન્ચાઈઝીમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે ચાર સહ-માલિકોમાંથી એક પ્રીતિ ઝિન્ટાએ અન્ય પ્રમોટર સામે પ્રતિબંધ મૂકવાના આદેશની માંગણી સાથે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.
થોડા દિવસ પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન અને પંજાબ કિંગ્સના સહ-માલિક નેસ વાડિયા વચ્ચે બોલાચાલીના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. હવે પંજાબ કિંગ્સની ફ્રેન્ચાઈઝીમાં મતભેદનો મામલો સામે આવ્યો છે. ફ્રેન્ચાઈઝીનો આ મામલો હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે.
પ્રીતિ ઝિન્ટા હવે ફિલ્મોમાં ખૂબ ઓછી જોવા મળે છે. પણ તેમ છતાં IPL ટીમમાં ભાગીદારીના કારણે સમાચારોમાં નિયમિત રીતે રહે છે. પ્રીતિ ઝિન્ટા ફરીથી એકવાર પંજાબ કિંગ્સના કારણે સમાચારોમાં આવી છે. કારણ કે તે પોતાની જ ટીમના એક સહમાલિકના એક નિર્ણય વિરુદ્ધ ચંડીગઢ હાઇકોર્ટ સુધી પહોંચી ગઈ છે.
કોર્ટમાં દાખલ કરેલી અપીલમાં તેણે સહ-માલિક મોહિત બર્મનને તેના શેરનો એક ભાગ અન્ય કોઈ પક્ષને વેચતા અટકાવવાની માંગ કરી છે. જાણીતી બોલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ KPH ડ્રીમ ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઈઝીમાં 23 ટકા શેર હસ્તગત કર્યા છે.
દેખીતી રીતે કોઈપણ IPL ટીમના એક માલિક નથી હોતા. એક કરતાં વધારે માલિકો અને એક કંપનીની જેમ તેનું પણ એક બોર્ડ હોય છે. આ બોર્ડના નિયમોનું પાલન પણ તમામ માલિકોએ કરવાનું હોય છે. IPL ટીમ પંજાબ કિંગ્સમાં બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા 23 ટકા ભાગીદારી ધરાવે છે. આ સિવાય નેસ વાડિયા પણ 23 ટકા ભાગીદારી ધરાવે છે. ફ્રેન્ચાઇઝીમાં મોહિત બર્મન 48% જેટલો મોટો હિસ્સો ધરાવે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર મોહિત બર્મને પોતાના શેર્સમાંથી 11.5% શેર્સ વેચવા કાઢ્યા છે અને પ્રીતિ ઝિન્ટાએ આ બાબત સામે વાંધો ઉઠાવ્યો છે. કારણ કે નિયમાનુસાર કોઈ થર્ડ પાર્ટીને હિસ્સેદારી વેચતાં પહેલા માલિકે સહ માલિકોને એ ખરીદવાની તક આપવી પડતી હોય છે. જો તમામ સહ માલિકો ખરીદીમાં અનિચ્છા દર્શાવે તો જ કોઈ અન્ય પાર્ટીને હિસ્સો વેચી શકાય છે. આ મામલે પ્રીતિ ઝિન્ટાએ ચંડીગઢ હાઇકોર્ટમાં અપીલ કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે.
પ્રીતિના પક્ષની અરજી
પ્રીતિના પક્ષનું એવું કહેવાનું થાય છે કે, 'બર્મન અંદાજે 48 ટકા જેટલી ભાગીદારી શેરહોલ્ડિંગ્સમાં ધરાવે છે. તે બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં પણ સામેલ છે.' તેણીએ આર્બિટ્રેશન ઍન્ડ કૉન્સિલીશન ઍક્ટ - 1996ના સેક્શન 9 પ્રમાણે વચગાળાના પગલાં લઈ બન્ને પક્ષો વચ્ચેના મતભેદ દૂર કરવા માટેની અરજી ચંડીગઢ હાઇકોર્ટમાં કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
જણાવી દઈએ કે 2022માં IPLમાં બે નવી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારથી ફ્રેન્ચાઇઝીનું વેલ્યુએશન ઘણું વધી ગયું છે. સફળ ફ્રેન્ચાઇઝીની કિંમત રૂ. 5300થી રૂ. 5800 કરોડની વચ્ચે હોઇ શકે છે. જો આ રીતે જોઈએ તો 11.5 ટકા હિસ્સો અંદાજિત 540થી 600 કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. આવી સ્થિતિમાં આ મોટા હિસ્સા માટે ફ્રેન્ચાઈઝી વચ્ચે જોરદાર લડાઈ જોવા મળી રહી છે.








