VIDEO: MI vs CSK / આજે IPLની બે સૌથી સફળ ટીમોનો મુકાબલો, વાનખેડેમાં રમાશે મુંબઈ-ચેન્નાઈની મેચ
ભૂતપૂર્વ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK), જેમણે અત્યાર સુધી અપેક્ષા મુજબ પ્રદર્શન નથી કર્યું, તે આજે (23 એપ્રિલ) IPLમાં ટકરાશે ત્યારે તેમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને મહેન્દ્ર સિંહ ધોનીની સંભવિત વાપસી પર નજર રાખશે.
રોહિત (હેમસ્ટ્રિંગ) અને મહેન્દ્ર સિંહ ધોની સ્વસ્થ થવાના માર્ગે છે, પરંતુ તે જોવાનું બાકી છે કે શું બંને આ મહત્ત્વપૂર્ણ મેચ માટે વાનખેડે સ્ટેડિયમમાં મેદાનમાં ઉતરશે કે નહીં.
રોહિતે મંગળવારે વૈકલ્પિક પ્રેક્ટિસ સેશનમાં ભાગ નહતો લીધો, પરંતુ ધોની, જેણે વર્તમાન ટુર્નામેન્ટમાં એક પણ મેચ નથી રમી, તેણે પ્રેક્ટિસ કરી હતી. આનાથી ઈમ્પેક્ટ પ્લેયર તરીકે તેની વાપસીની શક્યતા વધી જાય છે. આ બે અનુભવી ખેલાડીઓની વાપસી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે બંને ટીમો, જેમણે પાંચ-પાંચ ટાઈટલ જીત્યા છે, તે અસંખ્ય સમસ્યાઓનો સામનો કરી રહી છે.
નવી રણનીતિ ઘડવી પડશે
અન્ય દરેક ટીમની જેમ, CSK એ ફોર્મ અને યોગ્ય સંયોજનની શોધમાં ટુર્નામેન્ટ શરૂ કરી હતી. જોકે, જ્યારે તે પોતાની લયમાં આવવા લાગી ત્યારે યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રે હેમસ્ટ્રિંગ સ્ટ્રેનને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો, જે CSK માટે મોટો ઝટકો હતો. આના કારણે CSKને તેની બેટિંગ માટે ફરીથી રણનીતિ બનાવવાની ફરજ પડી છે. ગુજરાતના વિકેટકીપર-બેટ્સમેન ઉર્વિલ પટેલને મ્હાત્રેની જગ્યાએ ટીમમાં સામેલ કરી શકાય છે.
સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની હાર બાદ, CSK તેના બધા બેટ્સમેન પાસેથી મજબૂત પ્રદર્શનની આશા રાખશે. તેના મિડલ ઓર્ડરના બેટ્સમેન પાછલી મેચમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા હતા. સરફરાઝ ખાને અત્યાર સુધી 147 રન બનાવ્યા છે પરંતુ હજુ સુધી તેની સારી શરૂઆતને મોટા સ્કોરમાં રૂપાંતરિત નથી કરી શક્યો, ખાસ કરીને જ્યારે કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે માત્ર 82 રન બનાવીને નિરાશાજનક પ્રદર્શન કર્યું છે.
તેવી જ રીતે, સંજુ સેમસન (192 રન) પર ઘણું નિર્ભર રહેશે. તેણે આ જ મેદાન પર T20 વર્લ્ડ કપ સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. CSK સતત બે મેચોના હારના સિલસિલાને તોડવા માટે ઉત્સુક રહેશે. તે મુંબઈ સામેના તેના તાજેતરના રેકોર્ડમાંથી પ્રેરણા લેવાનો પ્રયાસ કરશે. તેણે બંને ટીમો વચ્ચેની છેલ્લી પાંચ મેચમાંથી ચાર જીતી છે. બંને ટીમો હાલમાં ચાર-ચાર પોઈન્ટ ધરાવે છે. મુંબઈ CSKથી આગળ છે કારણ કે તેની નેટ રન રેટ સારી છે.
હજુ પણ રસ્તો સરળ નથી
તિલક વર્માના અમદાવાદમાં શાનદાર પ્રદર્શનથી મુંબઈ ઈન્ડિયન્સનો ચાર મેચનો હારનો સિલસિલો તોડવામાં મદદ મળી, પરંતુ આગળનો રસ્તો તેના માટે મુશ્કેલ છે. મુંબઈ માટે સૌથી મોટી ચિંતા ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ફ્રેન્ચાઈઝીના કેપ્ટન હાર્દિક પંડ્યાનું ફોર્મ છે. સૂર્યકુમારે અત્યાર સુધી ફક્ત એક જ અડધી સદી ફટકારી છે, જ્યારે હાર્દિક ઈનિંગ્સને મજબૂત બનાવવામાં અથવા જરૂર પડે ત્યારે વિસ્ફોટક બેટિંગ કરવામાં નિષ્ફળ ગયો છે.
ટીમે નમન ધીર પર વિશ્વાસ મૂક્યો છે અને તે અત્યાર સુધી તેના પર ખરો ઉતર્યો છે. જસપ્રીત બુમરાહને આખરે છેલ્લી મેચમાં વિકેટ મળી, જ્યારે અશ્વની કુમારની ચાર વિકેટે ટીમની ચિંતાઓ હળવી કરી, કારણ કે ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર અને હાર્દિકમાંથી કોઈપણ શરૂઆતમાં સતત સફળતા નહતું મેળવી શક્યું. ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર વિલ જેક્સ મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં જોડાયો છે અને તેની વાપસી ટીમને મજબૂત બનાવશે.
IPL 2026 માટે બંને ટીમો
મુંબઈ ઈન્ડિયન્સ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રયાન રિકેલ્ટન (વિકેટકીપર), રોબિન મિન્ઝ (વિકેટકીપર), રોહિત શર્મા, દાનિશ માલેવાર, શેરફેન રધરફોર્ડ, સૂર્યકુમાર યાદવ, રાજ બાવા, કાર્બિન બોશ, વિલ જેક્સ, મયંક રાવત, નમન ધીર, મિચેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર, તિલક વર્મા, અશ્વની કુમાર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, દીપક ચહર, એએમ ગઝનફર, ક્રિશ ભગત, મયંક માર્કંડે, મોહમ્મદ ઇઝહાર, રઘુ શર્મા.
ચેન્નાઈ સુપર કિંગ્સઃ ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), એમએસ ધોની (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), કાર્તિક શર્મા (વિકેટકીપર), ડેવાલ્ડ બ્રેવિસ, સરફરાઝ ખાન, અમન ખાન, શિવમ દુબે, જેક ફોક્સ, રામકૃષ્ણ ઘોષ, અંશુલ કંબોજ, જેમી ઓવરટોન, મેથ્યુ શોર્ટ, પ્રશાંત વીર, રાહુલ ચહર, શ્રેયસ ગોપાલ, ગુરજપનીત સિંહ, મેટ હેનરી, અકેલ હુસેન, સ્પેન્સર જોન્સન, મુકેશ ચૌધરી, નૂર અહેમદ.

