હાર્દિક પંડ્યાને મળવા 1000 કિમી પગપાળા ચાલીને મુંબઈ પહોંચ્યો ફેન, ખેલાડીએ આપ્યું મોટું પ્રોમિસ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાના જીવનમાં ભારે ગરીબી અને મુશ્કેલીઓનો સામનો કરીને ભારતીય ટીમમાં મોટું સ્થાન મેળવ્યું છે. ભલે તે હાલમાં ફિટનેસના કારણે ટીમમાંથી બહાર હોય, પરંતુ ફેન્સ વચ્ચે તેનો ક્રેઝ અને દબદબો સતત વધી રહ્યો છે. તેની આ જ લોકપ્રિયતાનું એક અદ્ભુત ઉદાહરણ હાલમાં સામે આવ્યું છે, જ્યાં તેનો એક ડાયહાર્ડ ફેન તેને મળવા માટે છેક લખનૌથી મુંબઈ સુધી 1000 કિલોમીટર પગપાળા ચાલીને પહોંચ્યો હતો.
1000 કિમી પગપાળા ચાલીને મળવા પહોંચ્યો ફેન, હાર્દિકે કરાવી ટિકિટ
લખનૌથી આવેલા આ ફેનને જ્યારે હાર્દિક પંડ્યા મળ્યો ત્યારે તે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. હાર્દિકે તેની સાથે વાતચીત કરી અને તેને પાછા જવા માટે ટિકિટ પણ બુક કરાવી આપી. આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં હાર્દિકે ફેનને પૂછ્યું કે, 'તમારે બીજું શું જોઈએ છે?' ત્યારે તે શખ્સે જવાબ આપ્યો કે, 'મારી પાસે રહેવા માટે ઘર નથી અને હું રસ્તા પર રહું છું.' આ સાંભળીને હાર્દિકે ખૂબ જ સારો પ્રતિસાદ આપતા કહ્યું કે, 'ઠીક છે, હું તને ઘર અપાવવામાં મદદ કરીશ.' હાર્દિકના આ ઉદાર સ્વભાવ અને માનવતાની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે.
સુનીલ ગાવસ્કરનું મોટું નિવેદન: 'હાર્દિક પંડ્યાની જગ્યા કોઈ ન લઈ શકે'
બીજી બાજુ, ટીમમાં હાર્દિકની ગેરહાજરીને કારણે તેમના વિકલ્પની શોધ પણ તેજ થઈ ગઈ છે. તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝમાં નમન ધીરને હાર્દિકના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ અંગે સુનીલ ગાવસ્કરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, 'આપણે ક્યારેક હાર્દિક પંડ્યા જેવો જ પરફેક્ટ વિકલ્પ શોધવાની ઘેલછામાં વાસ્તવિકતા ભૂલીને વધુ પડતું વિચારી લેતા હોઈએ છીએ, પરંતુ હાર્દિકની જગ્યા કોઈ ન લઈ શકે. જો તેમના જેવો ખેલાડી ન મળે, તો કોઈ એવા ખેલાડીને પસંદ કરો જે થોડું અલગ કામ કરી શકે.' ગાવસ્કરના મતે નમન ધીર પોતાની ઓવર સારી રીતે ફેંકીને અને બેટિંગ કરીને એ જ ભૂમિકા ભજવી રહ્યો છે.






