મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2024: ત્રણ ટીમો વચ્ચે ટોપ-2 માટે રસપ્રદ ટક્કર, ચોથી ટીમનો થશે નિર્ણય 18 તારીખે

ગુરુવારે હૈદરાબાદમાં રમાનાર સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ

IPL 2024: ત્રણ ટીમો વચ્ચે ટોપ-2 માટે રસપ્રદ ટક્કર, ચોથી ટીમનો થશે નિર્ણય 18 તારીખે

ગુરુવારે હૈદરાબાદમાં રમાનાર સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. મેચ રદ્દ થવાને કારણે SRHને એક પોઈન્ટ મળ્યો છે, જેના કારણે ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. હૈદરાબાદ હવે IPL 2024ના પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે.

SRHના હવે 13 મેચમાં 15 પોઈન્ટ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. જો હૈદરાબાદ તેની આગામી મેચ પણ જીતી લે છે તો તેના પછી ટોપ-2માં જવાની તક રહેશે. દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સનો નેટ રન-રેટ ખૂબ ઓછો હોવાથી, તેમના માટે પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય છે.

3 ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ 


IPL 2024માં, કોલકાતા નાઈટ રાઈડર્સ પ્લેઓફમાં જનારી પ્રથમ ટીમ બની. KKRના હાલમાં 13 મેચમાં 9 જીત બાદ 19 પોઈન્ટ છે. જો તેઓ આગામી મેચ જીતે છે તો તેમને 21 પોઈન્ટ મળશે, હવે કોલકાતાને પ્રથમ સ્થાનેથી કોઈ હટાવી શકશે નહીં. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ પાસે 8 જીત બાદ 16 પોઈન્ટ છે અને  લીગ તબક્કામાં હજુ એક મેચ બાકી છે. હવે સનરાઈઝર્સ હૈદરાબાદ 15 પોઈન્ટ સાથે ક્વોલિફાઈ થનારી ત્રીજી ટીમ બની ગઈ છે.

મુંબઈ, પંજાબ અને ગુજરાતની ટીમ બહાર

 KKR, RR અને SRH પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. બીજી તરફ 3 ટીમો માટે પ્લેઓફનો રસ્તો સંપૂર્ણપણે બંધ થયો છે. મુંબઈ ઈન્ડિયન્સ બહાર થનારી પ્રથમ ટીમ બની, જેની પાસે હાલમાં 8 પોઈન્ટ છે અને જો તે છેલ્લી મેચ જીતે તો તેના માત્ર 10 પોઈન્ટ હોઈ શકે છે. તે પછી પંજાબ કિંગ્સનું પત્તું કપાઈ ગયું, જે હાલમાં 10 પોઈન્ટ સાથે ટેબલમાં નવમા સ્થાને છે. KKR સામેની છેલ્લી મેચ રદ્દ થવાને કારણે ગુજરાત ટાઇટન્સની પ્લેઓફની આશા પણ ખતમ થઈ ગઈ હતી.

આ સિવાય લખનઉ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ બહાર થવાના આરે છે. જો SRH લીગ તબક્કામાં તેની બંને મેચ હારી ગયું હોત, તો DC અને LSGની ટોપ-4માં પહોંચવાની આશા વધી શકી હોત. પરંતુ હવે SRH પાસે 15 પોઈન્ટ છે, તેથી દિલ્હી અને લખનૌ માટે 15 પોઈન્ટ સુધી પહોંચવું શક્ય નથી. હવે દિલ્હી અને લખનૌ માટે તક ત્યારે જ બની શકે છે જો RCB CSK સામે વિશાળ અને અવિશ્વસનીય માર્જિનથી જીત મેળવે.

ચોથી ટીમનો નિર્ણય 18 મેના રોજ થશે


ત્રણ ટીમો પ્લેઓફમાં પહોંચ્યા પછી, બધાની નજર 18 મેના રોજ યોજાનારી CSK vs RCB મેચ પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે હજુ એક મેચ બાકી છે અને તેના 14 પોઈન્ટ છે, જ્યારે ટીમનો નેટ રન-રેટ +0.528 છે. બીજી બાજુ જો બેંગલુરુ ક્વોલિફાય કરવા માંગે છે, તો કોઈપણ હિસાબે મોટા માર્જીનથી CSKને હરાવવી પડશે.

RCB સામે પણ મોટા પડકાર છે, સ્કોરનો પીછો કરતી વખતે વિરાટ કોહલીની ટીમે 18.1 અથવા તેનાથી ઓછી ઓવરમાં લક્ષ્ય હાંસલ પ્રાપ્ત કરવું પડશે. જો ચેન્નાઈ છેલ્લી મેચ જીતશે તો તે સીધી પ્લેઓફમાં પહોંચી જશે.

ટોપ-2 માટેની ટક્કર પણ રસપ્રદ બની 


KKRને નંબર વન પરથી હટાવવાનું હવે અશક્ય છે. પરંતુ બીજું સ્થાન મેળવવા માટે SRH અને RR વચ્ચેની ટક્કર રસપ્રદ બની છે. જો રાજસ્થાન આગામી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારી જાય તો હૈદરાબાદ તેની છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સને હરાવવા સક્ષમ છે. આ સ્થિતિમાં, SRH 17 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી જશે. 

ટેબલમાં ટોપ-2માં સ્થાન મેળવનારી ટીમને ફાઇનલમાં પહોંચવાની 2 તકો મળે છે. આ સ્થિતિમાં રાજસ્થાન અને હૈદરાબાદ પોતાની આગામી મેચ કોઈપણ ભોગે જીતવા ઈચ્છશે. આ સિવાય ત્રીજા અને ચોથા ક્રમે રહેલી ટીમોએ એલિમિનેટરના પડકારને પાર કરવો પડશે અને પછી ફાઇનલમાં પહોંચવા માટે ક્વોલિફાયરમાંથી પસાર થવું પડશે.

આ સમાચાર શેર કરો