મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs BAN / બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ચેન્નાઈ પહોંચી ભારતીય ટીમ, જાણો ક્યાં જોઈ શકશો લાઈવ મેચ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થવા જઈ ર

IND vs BAN / બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ચેન્નાઈ પહોંચી ભારતીય ટીમ, જાણો ક્યાં જોઈ શકશો લાઈવ મેચ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થવા જઈ રહી છે. બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે રાત્રે ચેન્નાઈ એરપોર્ટ પહોંચી હતી. જ્યાં સ્ટાર ખેલાડી જસપ્રિત બુમરાહ, રિષભ પંત અને કેએલ રાહુલ એરપોર્ટ પર ટીમની બસમાં ચઢતા જોવા મળ્યા હતા.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની સિરીઝમાં પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં શરૂ થશે. જ્યારે બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં શરૂ થશે. ગૌતમ ગંભીર હેડ કોચ તરીકે પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતવા માટે આતુર હશે.

ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ મેચ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની 2 ટેસ્ટની સિરીઝની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરના રોજ ભારતીય સમય મુજબ 9:30થી શરૂ થશે. ફેન્સ આ મેચ સ્પોર્ટ્સ 18 પર લાઈવ જોઈએ શકશે. આ સાથે મેચનું લાઈમ સ્ટ્રીમીંગ જીઓ સિનેમા પર પણ થશે.

અકસ્માત બાદ પંત પરત ફર્યો હતો

રોહિત શર્મા ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ કરશે. જ્યારે ફાસ્ટ બોલર આકાશ દીપ અને યશ દયાલનો પ્રથમ વખત ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, તો વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત ડિસેમ્બર 2022માં તેના અકસ્માત બાદ પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરશે.

ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી પણ આ વર્ષે જાન્યુઆરીમાં સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન ભારત તરફથી રમ્યા બાદ પ્રથમ વખત ટેસ્ટ ફોર્મેટમાં પરત ફરશે. પુત્ર અકાયના જન્મને કારણે તે ઈંગ્લેન્ડ સામેની ભારતની હોમ ટેસ્ટ સિરીઝ ચૂકી ગયો હતો. ત્યારથી, તેણે T20 વર્લ્ડ કપ અને શ્રીલંકા પ્રવાસમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે અને તે તેના શાનદાર ફોર્મને પાછું મેળવવા માટે ઉત્સુક રહેશે.

વિરાટનું પ્રદર્શન

ભારતના વિજયી T20 વર્લ્ડ કપ દરમિયાન, વિરાટે ટૂર્નામેન્ટમાં આઠ મેચમાં 18.87ની એવરેજથી 151 રન બનાવ્યા હતા. શ્રીલંકા સામેની ODI શ્રેણીમાં ભારતની 2-0ની આશ્ચર્યજનક હાર દરમિયાન વિરાટ પણ બાકીના બેટ્સમેનોની જેમ સ્પિનરો સામે લાચાર દેખાતો હતો. ત્રણ વનડેમાં વિરાટ 19.33ની એવરેજથી માત્ર 58 રન જ બનાવી શક્યો હતો.

કેએલ રાહુલ પણ ટેસ્ટમાં પરત ફર્યો

ઈજાના કારણે ઈંગ્લેન્ડની મોટાભાગની ટેસ્ટ સિરીઝ ગુમાવ્યા બાદ કેએલ રાહુલ પણ ટેસ્ટમાં પાછો ફર્યો છે. રાહુલની સાથે, જસપ્રીત બુમરાહ પણ T20 વર્લ્ડ કપ ફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે મેચ વિનિંગ સ્પેલ બાદ પ્રથમ વખત ભારતીય ટીમમાં પાછો ફર્યો છે.

ટીમ ચેન્નાઈ પહોંચી

ભારતીય ક્રિકેટ ટીમ બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ પહેલા ગુરુવારે રાત્રે ચેન્નાઈ એરપોર્ટ પહોંચી હતી. રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને કુલદીપ યાદવની સ્પિન ચોકડી ટીમને બેટ અને બોલ બંને દ્વારા મદદ કરશે. બુમરાહ, મોહમ્મદ સિરાજ અને યશ દયાલ ભારતની ફાસ્ટ બોલિંગ લાઈન અપમાં સામેલ છે.

બાંગ્લાદેશની ટીમ

બાંગ્લાદેશ માટે, અનકેપ્ડ બેટ્સમેન ઝેકર અલીને ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર શોરફુલ ઈસ્લામની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શોરફુલને પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં પીઠમાં ઈજા થઈ હતી તેથી તે ભારત સામેની ટેસ્ટ મેચ નહીં રમી શકે.

શોરફુલની ગેરહાજરીમાં તસ્કીન અહેમદ, નાહીદ રાણા, હસન મહમૂદ અને ખાલિદ અહેમદ ભારત સામેની બે મેચની ટેસ્ટ સિરીઝમાં બાંગ્લાદેશના ફાસ્ટ બોલિંગ એટેકનું નેતૃત્વ કરશે. ભારત સામેની બે મેચની સિરીઝમાં નઝમુલ હુસૈન શાંતો ટીમનું નેતૃત્વ કરશે.

પાકિસ્તાન સામે જીત મેળવી હતી

બાંગ્લાદેશ પાકિસ્તાનમાં તેમની તાજેતરની ઐતિહાસિક ટેસ્ટ સફળતાને આગળ ધપાવવાનું વિચારશે. તાજેતરમાં બાંગ્લાદેશે પ્રથમ વખત ટેસ્ટ ક્રિકેટમાં પાકિસ્તાન સામે જીત મેળવી હતી. શાંતોની આગેવાની હેઠળની ટીમે પાકિસ્તાન સામે 2-0થી જીત નોંધાવી હતી.

રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ બાંગ્લાદેશ સામેની આ સિરીઝ પછી 16 ઓક્ટોબરથી ન્યુઝીલેન્ડ સામે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝ રમશે. આ સિરીઝ માટે ન્યુઝીલેન્ડની ટીમ ભારત પ્રવાસ કરશે. 22 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયામાં બહુપ્રતીક્ષિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટેની સિરીઝ શરૂ થશે.

બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ માટેની ટીમો

ભારતીય ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ.

બાંગ્લાદેશની ટીમ - નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મહમુદુલ હસન જોય, ઝાકિર હસન, શાદમાન ઈસ્લામ, મોમિનુલ હક, મુશ્ફીકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન કુમેર દાસ, મેહદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, નઈમ હસન, નાહીદ રાણા, હસન મહમૂદ, તસ્કીન અહેમદ, સૈયદ ખાલિદ અહેમદ, ઝેકર અલી અનિક.

આ સમાચાર શેર કરો