એક જ અઠવાડિયામાં બીજી વખત ચેમ્પિયન બન્યું ભારત, સચિન તેંડુલકરની ટીમે ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું
ટીમ ઈન્ડિયા 9 માર્ચે ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જીતી હતી. હવે તેના એક જ અઠવાડિયા બ

ટીમ ઈન્ડિયા 9 માર્ચે ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જીતી હતી. હવે તેના એક જ અઠવાડિયા બાદ એટલે કે 16 માર્ચે ભારત ફરી એકવાર ચેમ્પિયન બન્યું છે. અ વખતે સચિન તેંડુલકરની આગેવાની હેઠળની ઈન્ડિયા માસ્ટર્સ ટીમે ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) 2025નો ખિતાબ જીત્યો છે. ગઈકાલે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ઈન્ડિયા માસ્ટર્સે બ્રાયન લારાની ટીમ વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સને 6 વિકેટથી હરાવ્યું હતું.
આ મેચમાં ઓપનર અંબાતી રાયડુએ શાનદાર અડધી સદી ફટકારીને ઈન્ડિયા માસ્ટર્સની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પ્રથમ બેટિંગ કરતા, વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સ ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી લેન્ડલ સિમોન્સે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. જ્યારે ડ્વેન સ્મિથે 45 રનની ઈનિંગ રમી. ભારત માટે વિનય કુમારે બોલિંગમાં અજાયબીઓ કરી. તેણે 3 વિકેટ પોતાના નામે કરી હતી. અંબાતી રાયડુએ 50 બોલમાં 74 રનની ઈનિંગ રમી હતી.
સચિનની કેપ્ટનશિપમાં ઈન્ડિયા માસ્ટર્સ ટીમ ચેમ્પિયન બની
વેસ્ટ ઈન્ડિઝ દ્વારા આપવામાં આવેલા 149 રનનો ટાર્ગેટ ચેઝ કરતા, ઈન્ડિયા માસ્ટર્સની ઓપનિંગ જોડીએ ધમાકેદાર શરૂઆત કરી. સચિન તેંડુલકર અને અંબાતી રાયડુની ઓપનિંગ જોડીએ મળીને પ્રથમ વિકેટ માટે 67 રન જોડ્યા હતા. સચિન 25 રન બનાવીને 8મી ઓવરમાં આઉટ થયો હતો. આ દરમિયાન, અંબાતી રાયડુ એક છેડે મક્કમ રહ્યો અને પોતાની અડધી સદી પૂર્ણ કરવામાં સફળ રહ્યો હતો. થોડા સમય પછી, ગુરકીરત સિંહ માન પણ 14 રન બનાવીને આઉટ થયો હતો. ગુરકીરત આઉટ થયા પછી, યુવરાજ સિંહ મેદાનમાં પ્રવેશ્યો. રાયડુ અને યુવરાજે 14 ઓવરમાં ટીમનો સ્કોર 124 રન સુધી પહોંચાડ્યો, પરંતુ તે પછીની ઓવરમાં રાયડુ મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે કેચ આઉટ થઈ ગયો. યુસુફ પઠાણ પણ 3 બોલ રમ્યા પછી શૂન્ય રને પવેલિયન પાછો ફર્યો. અહીંથી મેચ થોડી રોમાંચક બની ગઈ પણ યુવરાજે એક છેડો પકડી રાખ્યો અને સ્ટુઅર્ટ બિન્ની સાથે મળીને 18મી ઓવરમાં ટીમને વિજય અપાવ્યો.
નોંધનીય છે કે ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) નું આયોજન પ્રથમ વખત કરવામાં આવ્યું હતું, જેમાં ઈન્ડિયા માસ્ટર્સ, ઈંગ્લેન્ડ માસ્ટર્સ, ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ, સાઉથ આફ્રિકા માસ્ટર્સ, શ્રીલંકા માસ્ટર્સ અને વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સે ભાગ લીધો હતો. ઈન્ડિયા માસ્ટર્સનું નેતૃત્વ સચિન તેંડુલકર કરી રહ્યો હતો. સચિનની કેપ્ટનશિપ હેઠળ, ઈન્ડિયા માસ્ટર્સે પહેલી જ સિઝનમાં ટાઈટલ જીતીને ઇતિહાસ રચ્યો છે.
સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
ઈન્ડિયા માસ્ટર્સ ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025ના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહ્યું હતું. સચિનની ટીમે કુલ 5 મેચ રમી હતી, જેમાંથી તેણે ચાર જીતી હતી અને ફક્ત એક જ હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, તેણે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા માસ્ટર્સને હરાવીને ફાઈનલમાં ટિકિટ મેળવી હતી. હવે ટાઈટલ મેચમાં, ઈન્ડિયા માસ્ટર્સે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને IMLની પ્રથમ એડિશનનો ખિતાબ જીત્યો છે.








