Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : ICC Women's World Cup 2025 Final match preview

Women's World Cup 2025 Final / આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મહામુકાબલો, જીતનાર ટીમ રચશે ઈતિહાસ

Timeછેલ્લું અપડેટ : 02 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Women's World Cup 2025 Final / આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મહામુકાબલો, જીતનાર ટીમ રચશે ઈતિહાસ
સોર્સ : GSTV

ફેન્સની આતુરતાનો અંત આવ્યો છે. ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમ છેલ્લા આઠ વર્ષથી જે દિવસની રાહ જોઈ રહી હતી તે દિવસ આવી ગયો છે. ટીમ 52 વર્ષથી જે ટ્રોફીની રાહ જોઈ રહી તે હવે નજર સમક્ષ છે. સાડા 14 વર્ષ બાદ ફરી એકવાર 2 તારીખ હંમેશા માટે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં નોંધવાની નજીક. 8 વર્ષ પહેલા જે ભારતીય ટીમના હાથમાંથી છટકી ગયું હતું, તેને મેળવવાની બીજી તક મળી છે. ICC વિમેન્સ વર્લ્ડ કપ 2025 ટ્રોફી પર ભારતનું નામ કોતરવાનો સમય આવી ગયો છે. જ્યારે ખેલાડીઓ રવિવાર, 2 નવેમ્બરના રોજ હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપ હેઠળ મેદાનમાં ઉતરશે, ત્યારે તેમની સાથે માત્ર 150 કરોડ ભારતીયો જ નહીં, પરંતુ વિદેશમાં રહેતા ભારતીયોની પ્રાર્થના પણ હશે.

App Store

ડીવાય પાટિલ સ્ટેડિયમ ફરી એકવાર ઈતિહાસનું સાક્ષી બનશે

નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમે IPL ફાઈનલથી લઈને પહેલી વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ફાઈનલ સુધી બધું જ જોયું છે. ખાસ કરીને WPL ફાઈનલ ખાસ હતી કારણ કે તેણે ભારતીય વિમેન્સ ક્રિકેટને નવી દિશા દેખાડી હતી. આ જ મેદાન પર હરમનપ્રીત કૌરે માર્ચ 2023માં પ્રથમ WPL ટ્રોફી જીતી હતી. હવે, એ જ ડીવાય પાટિલ સ્ટેડિયમ ભારતીય વિમેન્સ ક્રિકેટમાં વધુ એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા માટે તૈયાર છે, અને ફરી એકવાર, હરમનપ્રીત કૌર બ્લુ જર્સી પહેરીને ટ્રોફી ઉપાડવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

રવિવારે, છેલ્લા 25 વર્ષમાં મહિલા ક્રિકેટમાં સૌથી મહત્ત્વપૂર્ણ ફાઈનલ પાટિલ સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાનો સામનો કરશે. બંને ટીમો પ્રથમ વખત વર્લ્ડ કપ ટ્રોફી ઉપાડવા માટે દરેક પ્રયાસ કરશે. ટીમ ઈન્ડિયા પોતાની ત્રીજી વર્લ્ડ કપ ફાઈનલમાં 2005 અને 2017ની ફાઈનલમાં હારની નિરાશાને ખુશીમાં ફેરવવાનો પ્રયાસ કરશે, જ્યારે સાઉથ આફ્રિકા પોતાની પહેલી ફાઈનલ રમી રહ્યું છે, તે છેલ્લા બેથી ત્રણ વર્ષની નિરાશાને દૂર કરવા અને ODI કે T20માં પોતાના દેશનો પહેલો વર્લ્ડ કપ જીતવાનો પ્રયાસ કરશે.

ટીમ ઈન્ડિયા સામે ઈતિહાસ બદલવાનો પડકાર

2 નવેમ્બર બંને દેશોમાં વિમેન્સ ક્રિકેટ માટે ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. પરંતુ તે કોઈપણ ટીમ માટે સરળ નહીં રહે. આ વર્લ્ડ કપમાં બંને ટીમોનો પ્રવાસ મુશ્કેલ રહ્યો છે, તેમને લીગ સ્ટેજમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો છે. સાઉથ આફ્રિકા બંને ટીમો સામે અનુક્રમે માત્ર 69 અને 98 રનથી હાર્યું હતું, જ્યારે ટીમ ઈન્ડિયા પણ તેમની સામે જીત નોંધાવવામાં નિષ્ફળ રહી. સંયોગવશ, બંને ટીમોએ પોતપોતાની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યા હતા.

પરંતુ સાઉથ આફ્રિકાએ ફક્ત બે મેચ હારી હતી, જ્યારે ટીમ ઈન્ડિયા ત્રણ હારી હતી, અને આ ત્રીજી હાર સૌથી મોટો તફાવત સાબિત થઈ. કારણ એ કે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા સામે હારી હતી. તે મેચમાં, ટીમ ઈન્ડિયાએ 80 રનમાં સાઉથ આફ્રિકાની 5 વિકેટ પાડી દીધી હતી, છતાં તે 251 રનને ડિફેન્ડ નહતી કરી શકી. જોકે, ટીમ ઈન્ડિયાનું સાઉથ આફ્રિકા સામે વર્લ્ડ કપમાં પ્રદર્શન છેલ્લા કેટલાક વર્ષોમાં આવું જ રહ્યું છે. ટીમ ઈન્ડિયા એ છેલ્લા 20 વર્ષમાં વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાને નથી હરાવ્યું. છેલ્લી જીત 2005માં મળી હતી, ત્યારે ભારત ફાઈનલ રમ્યું હતું.

આ ખેલાડીઓ પર રહેશે નજર

આવી સ્થિતિમાં, ઈતિહાસ ભારત સામે છે, પરંતુ જે રીતે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી અને પછી સેમીફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ રેકોર્ડ બનાવતા 339 રન ચે કર્યા, તેણે હરમનપ્રીત કૌર અને તેની ટીમના ખેલાડીઓને આત્મવિશ્વાસ અને ઉત્સાહથી ભરી દીધા હશે. સૌથી અગત્યનું, આ મેચમાં હરમનપ્રીત અને જેમિમા રોડ્રિગ્સ પણ ફોર્મમાં પાછા ફર્યા હતા. આનો અર્થ એ થયો કે પહેલાથી જ ફોર્મમાં રહેલી સ્મૃતિ મંધાના (389 રન) સાથે વધુ બે બેટ્સમેન વિસ્ફોટક સાબિત થઈ શકે છે. દરમિયાન, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ અને શ્રી ચરણી બોલિંગમાં સાઉથ આફ્રિકા માટે ખતરો ઉભો કરી શકે છે.

સાઉથ આફ્રિકાની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયા માટે તેની કેપ્ટન લૌરા વોલ્વાર્ટ કરતાં મોટો ખતરો કદાચ જ કોઈ હોઈ શકે. ટુર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી વધુ 470 રન બનાવી ચુકેલી વોલ્વાર્ટનું બેટ સેમીફાઈનલની જેમ ચાલ્યું, તો તે ભારત માટે આપત્તિજનક બનશે. વધુમાં, તેને ટીમની સ્ટાર ઓલરાઉન્ડર, મેરિઝાન કેપથી સાવચેત રહેવું પડશે, જેણે પહેલાથી જ બેટ અને બોલ બંનેથી નોંધપાત્ર પ્રદર્શન બતાવ્યું છે. સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે તેના ઝડપી 42 રન અને 5 વિકેટ જેવા પ્રદર્શન મોટા વર્લ્ડ કપ મેચોમાં ઓછા જોવા મળે છે.

આ તારીખ ઐતિહાસિક સાબિત થશે!

ટીમ ઈન્ડિયા પાસે 2 તારીખને ફરીથી ઈતિહાસમાં ખાસ દિવસ બનાવવાની તક છે. સાડા ​​14 વર્ષ પહેલા 2011માં 2 એપ્રિલના રોજ ટીમ ઈન્ડિયાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેન્સ ODI વર્લ્ડ કપ જીત્યો હતો, જે નવી મુંબઈથી થોડા જ અંતરે હતો. એમએસ ધોનીની કેપ્ટનશિપ હેઠળ, ટીમ ઈન્ડિયાએ 28 વર્ષની લાંબી રાહનો અંત લાવી સમગ્ર દેશને ખુશીઓથી ભરી દીધો હતો. હવે, હરમનપ્રીત અને તેની ટીમ પાસે પણ એ જ તક છે, અને જો તેઓ આમ કરશે, તો માત્ર નવી મુંબઈ જ નહીં, પરંતુ આખો દેશ આખી રાત રસ્તાઓ પર ઉજવણી કરશે.