IND vs ENG / છેલ્લી T20Iમાં સૂર્યા અને સંજુના ફોર્મ પર રહેશે બધાની નજર, ટીમમાં વાપસી કરી શકે છે શમી
સિરીઝ જીતી લીધા પછી, ભારત રવિવારે પાંચમી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ઈંગ્લેન્ડનો

સિરીઝ જીતી લીધા પછી, ભારત રવિવારે પાંચમી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ઈંગ્લેન્ડનો સામનો કરશે. જ્યારે ભારત પાંચમી મેચ માટે મેદાનમાં ઉતરશે, ત્યારે બધાની નજર ટોપ ઓર્ડરના બેટ્સમેન સંજુ સેમસન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના પરફોર્મન્સ પર રહેશે.
સંજુ સેમસન અને સૂર્યકુમાર યાદવ સંઘર્ષ કરી રહ્યા છે
ટોપ ત્રણ બેટ્સમેનોમાં, ઓપનર સંજુ સેમસન અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. ફેન્સ છેલ્લી મેચમાં તેમણે ફોર્મમાં પાછા ફરતા જોવા માંગશે. પુણેમાં ચોથી મેચ 15 રનથી જીતીને ભારતે પાંચ મેચની સિરીઝમાં 3-1ની અજેય લીડ મેળવી લીધી છે. જોકે, આ મેચમાં, ઈંગ્લેન્ડે 'કન્કશન સબસ્ટિટ્યુટ' અંગે ભારતના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી.
દુબેના માથામાં વાગ્યો હતો બોલ
ભારતીય ઈનિંગ દરમિયાન ઓલરાઉન્ડર શિવમ દુબેના માથા પર બોલ વાગ્યો હતો અને ભારતે તેના કન્કશન સબસ્ટિટ્યુટ તરીકે ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યો હતો, જેણે 33 રનમાં ત્રણ વિકેટ લીધી હતી અને ઈંગ્લેન્ડની વાપસીની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.
ભારતના નિર્ણયને ICC મેચ રેફરી જવાગલ શ્રીનાથે મંજૂરી આપી હતી, પરંતુ રમનદીપ સિંહ ટીમમાં હોવા છતાં, તેમણે સમાન યોગ્યતા ધરાવતા ખેલાડીને મેદાનમાં કેમ ન ઉતાર્યો તે અંગે ઈંગ્લેન્ડ નારાજ હતું.
બટલરે નારાજગી વ્યક્ત કરી
ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ખુલ્લેઆમ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ તેમના બેટ્સમેન પણ હાર માટે જવાબદાર હતા કારણ કે તેઓ સારી શરૂઆતનો લાભ નહતા લઈ શક્યા. 182 રનનો ટાર્ગેટ ચેઝ કરતા, ઈંગ્લેન્ડનો સ્કોર એક સમયે 1 વિકેટે 65 રન હતો, પરંતુ ત્યારબાદ સતત વિકેટો ગુમાવતા રહ્યા.
તેના બેટ્સમેનો ફરી એકવાર વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઈની સ્પિનને સમજવામાં નિષ્ફળ ગયા. ભારતે સિરીઝ જીતી લીધી હોવા છતાં, સેમસન અને સૂર્યકુમારનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય છે.
સેમસન વિજય હજારે ટ્રોફીમાં નહતો રમ્યો
સેમસન આ સિરીઝ પહેલા વિજય હજારે ટ્રોફીમાં કેરળ માટે નહતો રમ્યો અને તેની રમતમાં મેચ પ્રેક્ટિસનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે. તે માર્ક વુડ અને જોફ્રા આર્ચરના ફાસ્ટ બોલ સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો છે. સેમસન અત્યાર સુધી 4 મેચમાં ફક્ત 35 રન બનાવી શક્યો છે, પરંતુ એવું લાગે છે કે ભારત તેમના ઓપનિંગ કોમ્બિનેશનમાં કોઈ ફેરફાર નહીં કરે.
સૂર્યા હોમ ગ્રાઉન્ડ પર ફ્રોમ પાછું મેળવવા ઈચ્છશે
સૂર્યકુમાર આઠ મહિના પહેલા બાંગ્લાદેશ સામે 75 રન બનાવ્યા બાદથી સારી ઈનિંગ નથી રમ્યો. ભારતીય કેપ્ટન અત્યાર સુધી ઈંગ્લેન્ડ સામેની બે મેચમાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો છે, જ્યારે અન્ય બે મેચમાં તેણે 12 અને 14 રન બનાવ્યા છે. તે હવે પોતાના હોમ ગ્રાઉન્ડ મુંબઈમાં મોટી ઈનિંગ રમીને ફોર્મમાં પરત ફરવા માંગશે.
શમી ટીમમાં પરત ફરી શકે છે
જોકે, રિંકુ સિંહે ચોથી મેચમાં 30 રન બનાવીને પોતાના ફોર્મ અને ફિટનેસ અંગેની ચિંતાઓ દૂર કરી. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ મેચમાં આક્રમક અડધી સદી ફટકારી હતી અને તેઓ બેટ્સમેન ફ્રેન્ડલી વાનખેડે સ્ટેડિયમની પિચ પર પોતાનો જાદુ પાછો ચલાવવાનો પ્રયાસ કરશે.
ઈજામાંથી સ્વસ્થ થયા બાદ વાપસી કરનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ત્રીજી મેચમાં રમાડવામાં આવ્યો હતો, પરંતુ ચોથી મેચમાં તેને આરામ આપવામાં આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટ પાંચમી મેચમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરીને ફરી એકવાર તેની ફિટનેસનું મૂલ્યાંકન કરવા માંગે છે. જ્યાં સુધી ઈંગ્લેન્ડનો સવાલ છે, તેણે હજુ સુધી કોઈપણ વિભાગમાં અપેક્ષા મુજબ પ્રદર્શન નથી કર્યું. હેરી બ્રુકની ફોર્મમાં વાપસી તેમના માટે સકારાત્મક પાસું છે.








