મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

BCCI Awardsમાં આ ખેલાડીઓને લાગી લોટરી, જાણો કોને મળ્યો કયો એવોર્ડ

BCCI એ એક ખાસ સમારોહમાં વર્ષ 2023-24 માટે પુરસ્કારો આપ્યા. દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરને શનિવારે 'કર્નલ સીકે ​​નાયડુ લા

BCCI Awardsમાં આ ખેલાડીઓને લાગી લોટરી, જાણો કોને મળ્યો કયો એવોર્ડ

BCCI એ એક ખાસ સમારોહમાં વર્ષ 2023-24 માટે પુરસ્કારો આપ્યા. દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરને શનિવારે 'કર્નલ સીકે ​​નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે વર્તમાન ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 2023-24ના બેસ્ટ મેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટર માટે પોલી ઉમરીગર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. તેંડુલકરે કહ્યું કે, "ભારત માટે ખુલ્લા દિલે અને અમર્યાદિત સીમાઓ સાથે બેટિંગ કરવાની તક આપવા બદલ BCCI અને દરેક ક્રિકેટ પ્રેમીનો આભાર."

સચિન તેંડુલકરને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો

ભારત માટે 664 ઈન્ટરનેશનલ મેચ રમનાર સચિન તેંડુલકરના નામે રમતના ઈતિહાસમાં ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. તેંડુલકરે ટ્વિટ કર્યું, "કર્નલ સીકે ​​નાયડુ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત કરીને હું ખૂબ જ સન્માનિત અનુભવુંછું. મારી 24 વર્ષની ક્રિકેટ સફર ક્યારેય મારી પોતાની નથી રહી, તે દરેક કોચના માર્ગદર્શન, દરેક સાથીના વિશ્વાસ, દરેક ફેનના અતૂટ સમર્થન અને મારા પરિવારના વિશ્વાસ, પ્રેમ અને બલિદાનનું પરિણામ છે."

બુમરાહને પોલી ઉમરીગર એવોર્ડ મળ્યો

'ICC ટેસ્ટ અને ઓવરઓલ ક્રિકેટર ઓફ ધ યર' તરીકે પસંદ કરાયેલ જસપ્રીત બુમરાહ ગયા વર્ષે ભારતનો બેસ્ટ બોલર હતો, તેણે ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે ભારતની ઘરઆંગણે જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 31 વર્ષીય બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 'પ્લેયર ઓફ ધ સિરીઝ' પણ રહ્યો હતો, તેણે પાંચ ટેસ્ટ મેચમાં 32 વિકેટ લીધી હતી. આ કારણોસર, તેને 2023-24ના બેસ્ટ મેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટર માટે પોલી ઉમરીગર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

મંધાનાને બેસ્ટ વિમેન્સ ઈન્ટરનેશનલ ક્રિકેટરનો એવોર્ડ મળ્યો

અનુભવી બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ વિમેન્સ કેટેગરીમાં 2023-24નો બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટરનો એવોર્ડ જીત્યો. 'ICC મહિલા ODI ક્રિકેટર ઓફ ધ યર' રહી ચૂકેલી મંધાનાએ 2024 કેલેન્ડર વર્ષમાં 13 મેચમાં 57.46ની સરેરાશથી 747 રન બનાવ્યા જેમાં ચાર સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.

અશ્વિનને પણ મળ્યું ખાસ સન્માન

ડિસેમ્બરમાં ભારતના બીજા બેસ્ટ બોલર અને ટેસ્ટ ક્રિકેટમાં 537 વિકેટ સાથે વિશ્વના આઠમા બેસ્ટ બોલર તરીકે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનને ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો. તેણે કહ્યું કે, "જ્યારે હું IPL માટે ટ્રેનિંગ લેવા માટે મેદાન પર ગયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી આંગળીઓ હજુ પણ બોલિંગ કરવા માટે લલચાઈ રહી છે. આખી કારકિર્દી મારા માટે એક મોટી સિદ્ધિ રહી છે."

આ ખેલાડીઓએ તેમના ડેબ્યુ માટે એવોર્ડ જીત્યા

નવા ખેલાડીઓમાં, મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાને ફેબ્રુઆરી 2024માં રાજકોટ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામેની ઝડપી અડધી સદી ફટકારવા બદલ બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યુનો એવોર્ડ જીત્યો. વિમેન્સમાં, આશા શોભનાને બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યુ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેણે જૂન 2024માં બેંગલુરુમાં સાઉથ આફ્રિકા સામેની પોતાની પહેલી વનડેમાં 21 રન આપીને ચાર વિકેટ લીધી અને ભારતને 143 રનથી જીત અપાવવામાં મદદ કરી.

અનુભવી ઓફસ્પિનર ​​દીપ્તિ શર્માને 13 મેચમાં 24 વિકેટ લેવા બદલ વનડેમાં સૌથી વધુ વિકેટ લેવા માટે મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

તનુષ કોટિયને મુંબઈ માટે પોતાની તાકાત બતાવી

2023-24 સીઝનમાં મુંબઈ માટે તનુષ કોટિયનના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે તેને ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પહેલીવાર ભારત 'એ' ટીમમાં સ્થાન મળ્યું અને ત્યારબાદ તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી બે ટેસ્ટ માટે સિનિયર ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું. કોટિયનને 2023-24 સિઝનમાં ઘરેલુ ક્રિકેટમાં બેસ્ટ પરફોર્મન્સ માટે BCCI ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અક્ષય ટોટ્રેને ઘરેલુ ક્રિકેટમાં બેસ્ટ અમ્પાયરનો એવોર્ડ મળ્યો. જ્યારે શશાંક સિંહને સ્થાનિક ક્રિકેટની મર્યાદિત ઓવરની સ્પર્ધા માટે લાલા અમરનાથ એવોર્ડ મળ્યો.

મુંબઈને મળ્યો ખાસ એવોર્ડ

મુંબઈ ક્રિકેટ એસોસિએશનને BCCI ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં બેસ્ટ પરફોર્મન્સની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ગઈ સિઝનમાં રેકોર્ડ 42મો રણજી ટાઈટલ જીત્યા બાદ મુંબઈએ 27 વર્ષ પછી ઈરાની ટ્રોફી જીતી. આ કારણોસર, મુંબઈની ટીમને BCCI ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ ટ્રોફી માટે પસંદ કરવામાં આવી હતી.

માધવરાવ સિંધિયા એવોર્ડ તનય ત્યાગરાજન, આર. સાઈ કિશોર, અગ્નિ ચોપરા અને રિકી ભુઈએ જીત્યો હતો. એમ ચિદમ્બરમ ટ્રોફી (અંડર-23) નિઝેકો રુપેરો, પી વિધુદ, હેમ છેત્રી અને અનિશ કેવીએ જીતી હતી.

અંડર-19 કેટેગરીમાં, કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેવા બદલ વિષ્ણુ ભારદ્વાજ અને કૂચ બિહાર ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવવા બદલ કાવ્ય તોઈતિયાને એમ. ચિદમ્બરમ ટ્રોફી એવોર્ડ મળ્યો.

જગમોહન દાલમિયા એવોર્ડ ઈશ્વરી અવાસરે, પ્રિયા મિશ્રા, એચ. જેગનાથન (અંડર-16), એ. રાયચંદાની (અંડર-16) એ જીત્યો.

આ સમાચાર શેર કરો