RCB vs CSK / 'ધોનીના છગ્ગાને કારણે અમે મેચ જીતી ગયા', આવું શા માટે બોલ્યો દિનેશ કાર્તિક
IPLની 17મી સિઝનમાં શનિવારે ચેન્નઈ સુપર કિંગ્સની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હાર થઈ હતી. આ હાર

IPLની 17મી સિઝનમાં શનિવારે ચેન્નઈ સુપર કિંગ્સની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હાર થઈ હતી. આ હાર સાથે જ ચેન્નઈની સફર અહીં જ પૂરી થઈ ગઈ હતી. RCBની જીત બાદ ટીમના ખેલાડી દિનેશ કાર્તિકે ધોનીના છગ્ગાને લઈને નિવેદન આપ્યું હતું, જેની હાલ ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. કાર્તિકે કહ્યું હતું કે 'સારુ થયું ધોનીએ છગ્ગો માર્યો, તેના લીધે જ અમે મેચ જીતી ગયા.' ચાલો જાણીએ દિનેશ કાર્તિકે આવું શા માટે કહ્યું.
બેંગલુરુનો 27 રનથી વિજય થયો
મેચમાં RCBએ CSKને જીતવા માટે 219 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જોકે ચેન્નઈને પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરવા માટે માત્ર 201 રન બનાવવાના હતા, પરંતુ ટીમ 191 રન જ બનાવી શકી અને ટાર્ગેટ ચેઝ ન કરી શકી. આ સાથે જ ચેન્નઈને 27 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નઈ અને બેંગલુરુની મેચ રોમાંચક રહી હતી અને છેલ્લી ઓવર સુધી મેચ ગઈ હતી. ધોનીએ ટીમને જીતાડવા પ્રયત્ન કર્યો પણ તે ટીમને જીતાડી ન શક્યો.
RCBની ટીમ બોલ બદલવાની માંગ કરી રહી હતી
RCBના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી મેચમાં ઘણા સમયથી અમ્પાયરોને બોલ બદલવાની માંગ કરી રહ્યા હતા. નોંધનીય છે કે મેચની શરૂઆત દરમિયાન આવેલા વરસાદને કારણે જ્યારે પણ બોલ બાઉન્ડ્રીની બહાર જતો હતો ત્યારે બોલ ભીનો થઈ જતો હતો. આવી સ્થિતિમાં બોલરોને બોલને પકડવામાં મુશ્કેલી પડી રહી હતી. બોલ ભીનો હોવાને કારણે લોકી ફર્ગ્યુસને પણ બે બીમર માર્યા હતા.
આ રીતે બેંગલુરુની ટીમને ફાયદો થયો
ધોનીએ યશ દયાલના પ્રથમ બોલ પર ગગનચૂંબી છગ્ગો (110M) ફટકાર્યો કે બોલ જ ખોવાઈ ગયો હતો, જેના કારણે બોલને બદલાવવો પડ્યો હતો. આનાથી RCBની ટીમને ફાયદો થયો હતો. આ પછી યશ દયાલે પછીના પાંચ બોલ ધીમી ગતિથી ફેંક્યા હતા. ભીનો બોલ ન હોવાથી બોલ પકડવામાં કોઈ મુશ્કેલી પડી રહી ન હતી. જેથી RCBને ફાયદો થયો હતો. RCBના વિકેટ કીપર બેટર દિનેશ કાર્તિકે પણ સ્વીકાર્યું હતું કે 'ધોનીના છગ્ગાએ ગેમ જ ચેન્જ કરી નાખી હતી. કાર્તિકે RCB ડ્રેસિંગ રૂમમાં કહ્યું કે, 'આજે સૌથી સારી બાબત એ હતી કે ધોનીએ બોલને મેદાનની બહાર પહોંચાડી દીધો હતો, પછી અમને (ટીમને) નવો બોલ મળ્યો જેનાથી બોલિંગ કરવાનું સરળ બન્યું હતું.'






