Champions Trophy: વિજેતા ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ, BCCIએ અધધ.. કરોડોના ઈનામની જાહેરાત
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ કર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ભારતીય ટીમ પર પૈસાનો વરસાદ કર્યો છે. બોર્ડે ટીમ ઈન્ડિયા માટે 58 કરોડ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. આ નાણાકીય લાભ ખેલાડીઓ, કોચિંગ અને સપોર્ટ સ્ટાફ તેમજ અજિત અગરકરના નેતૃત્વ હેઠળની પુરુષ પસંદગી સમિતિના સભ્યોને આપવામાં આવશે. બોર્ડે તેના નિવેદનમાં એવોર્ડની વિગતો આપી નથી.
ભારતનો સતત બીજો ICC ટુર્નામેન્ટ ખિતાબ
BCCI પ્રમુખ રોજર બિન્નીએ જણાવ્યું હતું કે, "સતત આઈસીસી ટાઇટલ જીતવા એ ખાસ વાત છે અને આ એવોર્ડ વૈશ્વિક સ્તરે ટીમ ઈન્ડિયાના સમર્પણ અને શ્રેષ્ઠતા દર્શાવે છે." ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ટાઇટલ જીત્યું. આ ભારતનો સતત બીજો ICC ટુર્નામેન્ટ ખિતાબ હતો. આ અગાઉ ટીમ ઈન્ડિયાએ 2024માં T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
ફાઇનલ મેચમાં શું થયું?
ફાઇનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, ન્યુઝીલેન્ડે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા. જવાબમાં ભારતે 49 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કર્યું. રોહિતે કેપ્ટનશીપની ઇનિંગ્સ રમતા 76 રન બનાવ્યા. આ ભારતની સાતમી ICC ટ્રોફી હતી. અગાઉ ટીમ ઈન્ડિયા 1983 અને 2011 વન ડે વર્લ્ડ કપ, 2007 અને 2024 T20 વર્લ્ડ કપ અને 2002, 2013 અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ભારત આખી ટુર્નામેન્ટમાં અપરાજિત રહ્યું. તેણે સતત પાંચ મેચ જીતી હતી. ગ્રુપ સ્ટેજમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ, ભારતીય ટીમે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને અને ફાઈનલમાં ન્યુઝીલેન્ડને ફરીથી હરાવ્યું હતું.
ચેમ્પિયન ટ્રોફી રમનારી ટીમોને ICCએ નવાજી
ચેમ્પિયન બન્યા પછી, વિજેતા ભારતીય ટીમ પર ઈનામી રકમના રૂપમાં પૈસાનો વરસાદ થયો. ભારતીય ટીમને ૨.૪ મિલિયન યુએસ ડોલર એટલે કે આશરે ૧૯.૫ કરોડ રૂપિયા મળ્યા. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ચેમ્પિયન્સ ટ્રોફીની ઇનામી રકમમાં ગયા વખતની સરખામણીમાં 53 ટકાનો વધારો કર્યો હતો. આ ટુર્નામેન્ટની કુલ ઈનામી રકમ વધીને 6.9 મિલિયન ડોલર (લગભગ 60 કરોડ રૂપિયા) થઈ ગઈ. વિજેતા ઉપરાંત, રનર-અપ ન્યુઝીલેન્ડ ટીમને $1.12 મિલિયન (લગભગ રૂ. 9.72 કરોડ) મળ્યા, જ્યારે સેમિફાઇનલમાં બહાર થયેલી બંને ટીમો, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને $56,000 (રૂ. 4.86 કરોડ) મળ્યા.






