રેસલર બજરંગ પૂનિયાને મોટો ઝટકો, NADAએ સસ્પેન્ડ કર્યો
ભારતીય પહેલવાન બજરંગ પૂનિયાને મોટો ઝટકો લાગ્યો છે. પૂનિયાને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)એ અસ્થાઇ રીતે સસ્પેન્ડ કર્યો છે.

ભારતીય પહેલવાન બજરંગ પૂનિયાને મોટો ઝટકો લાગ્યો છે. પૂનિયાને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)એ અસ્થાઇ રીતે સસ્પેન્ડ કર્યો છે. પૂનિયાએ માર્ચમાં સોનીપતમાં આયોજિત નેશનલ ટ્રાયલ્સ દરમિયાન ડોપ સેમ્પલ આપ્યો નહતો, જેને કારણે તેના પર આ કાર્યવાહી કરવામાં આવી છે. બજરંગ પૂનિયાએ સોનીપતમાં આયોજિત ટ્રાયલ્સ દરમિયાન પોતાના યૂરિનનો સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો હતો.
મહત્ત્વપૂર્ણ છે કે 10 માર્ચે NADAએ બજરંગ પૂનિયાને પોતાનો સેમ્પલ આપવા કહેવામાં આવ્યું હતું પરંતુ રેસલરે આપ્યો નહતો. NADAએ વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (WADA)ને તેના વિશે જાણ કરી છે. તે બાદ WADAએ NADAને સૂચન આપ્યુ કે તે બજરંગ પૂનિયાને નોટિસ જાહેર કરીને જવાબ માંગે કે તેને ટેસ્ટ આપવાનો ઇનકાર કેમ કર્યો. એવામાં NADAએ 23 એપ્રિલે બજરંગ પૂનિયાને નોટિસ જાહેર કરી 7 મે સુધી જવાબ આપવા કહ્યું છે. જ્યારે બજરંગ પૂનિયા NADAને જવાબ આપશે ત્યારે જઇને સુનાવણીની તારીખ નક્કી કરાશે.
ટ્રાયલ્સમાં બજરંગ પૂનિયા હારી ગયો હતો
બજરંગ પૂનિયાને પેરિસ ઓલિમ્પિક ક્વોલિફાયર્સ માટે આયોજિત નેશનલ સિલેક્શન ટ્રાયલ્સમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટોક્યો ઓલિમ્પિક (2020)માં બ્રૉન્ઝ મેડાલિસ્ટ બજરંગ પૂનિયાને પહેલવાન રોહિત કુમારે 65 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ સેમિ ફાઇનલમાં હરાવ્યો હતો.
બજરંગ પૂનિયા ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પ્રદર્શન કરવા અને ધરણા પર બેઠનારા પહેલવાનોમાં સામેલ હતો. બજરંગ પૂનિયાએ તાજેતરમાં યૂનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ને પત્ર લખીને WFI વિરૂદ્ધ એક્શન લેવાની ભલામણ કરી હતી. જોકે, તેના કેટલાક દિવસ બાદ જ UWWએ WFI પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો હતો.
બજરંગ પૂનિયાએ બર્મિઘહામ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.








