અમદાવાદના રૂપેશ મકવાણાનો પોલીસ ભરતીમાં જતા 90થી વધુ યુવાનોને ફ્રી ટ્રેનિંગ આપવાનો અનોખો સેવાયજ્ઞ
અમદાવાદનો એક યુવાન જેનું પોલીસમાં સિલેક્

અમદાવાદનો એક યુવાન જેનું પોલીસમાં સિલેક્ટ થવાનું સ્વપ્ન હતું, એ સ્વપ્ન સાકાર કરવા પોલીસની ભરતી માટે ખુબ તનતોડ મહેનત કરી પણ અંતમાં પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ઉંચાઇ ઓછી હોવાને કારણે એ યુવાન રિજેક્ટ થયો એટલે કે નાપાસ થયો. આ યુવાને અહીં હાર ન માની પણ એ સમયે એક દૃઢ સંકલ્પ કરી લીધો કે હું પોતે ભલે પોલીસની ભરતીમાં સિલેક્ટ ન થઇ શક્યો પણ મારા જેવા અનેક યુવાનોને નિ:શુલ્ક ટ્રેનિંગ આપીને તેઓને જરૂરથી પાસ કરાવીશ.
તાજેતરમાં વર્ષ 2024-25ની પોલીસની ભરતીમાં ભાગ લઇ રહેલા 90થી વધારે યુવાનોને નિઃશુલ્ક પોલીસ ભરતીમાં શારીરિક કસોટીની ટ્રેનિંગ આપી હતી, જેમાંથી 70થી વધારે યુવાનો પોલીસ ભરતીની આ શારીરિક કસોટીમાં પાસ થયા છે. આ નિ:શુલ્ક ટ્રેનિંગ આપનાર અમદાવાદના રૂપેશ મકવાણા છે, જેને ૬૦૦૦ કિમીની દોડ માત્ર ૮૮ દિવસમાં પૂર્ણ કરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
એટલે કે કહેવાય છે કે, વિશ્વ અત્યંત સાહસિક લોકોથી ભરપૂર છે, જે લોકો પાક્કો ઈરાદો રાખે છે તે ક્યારેય નિષ્ફળ કે પાછા પડતા નથી અને આ સાહસિકો જે કાર્ય માટે નિકળે તેમનાં ઈરાદાઓ સંકલ્પથી પૂર્ણ કરે છે. પોલીસ, આર્મી, ડિફેન્સ જેવા સંરક્ષણ ક્ષેત્રમાં તેમજ સ્પોર્ટમાં કરિયર બનાવવા માંગતા હોય તેવા યુવાનોને અમદાવાદના સાહસવીર યુવકે નિઃશુલ્ક ટ્રેનિંગ આપવાનો ‘સુપર 30’ ફિલ્મથી જાણીતા થયેલા આનંદ કુમારની જેમ સેવાયજ્ઞ શરૂ કર્યો છે. તાજેતરમાં વર્ષ 2024-25ની પોલીસની ભરતીમાં ભાગ લઇ રહેલા 90થી વધારે યુવાનોને નિઃશુલ્ક પોલીસ ભરતીમાં શારીરિક કસોટીની ટ્રેનિંગ આપી હતી, જેમાંથી 70થી વધારે યુવાનો પોલીસ ભરતીની આ શારીરિક કસોટીમાં પાસ થયા છે.
આ તમામ યુવાનો મધ્યમ વર્ગના છે, જેમાં અમુકના પિતા રીક્ષા ચલાવે છે, અમુક પિતા શાકભાજી વહેંચે છે તો ઘણા યુવાનો પિતા હયાત નથી. હાલમાં શારીરિક કસોટીમાં પાસ થયેલા આ તમામ વિદ્યાર્થીઓને રૂપેશ મકવાણે લેખિત પરીક્ષા માટે પણ મદદ કરી રહ્યા છે. છેલ્લા 7 વર્ષમાં 300થી વધુ યુવાનોને નિ:શુલ્ક તાલીમ આપીને સ્પોર્ટ્સ અને સંરક્ષણ ક્ષેત્રમાં રોજગારી માટે તૈયાર કર્યા છે. આ સાથે-સાથે 500થી યુવાનોને વ્યસનમુક્ત પણ બનાવ્યા છે.
રૂપેશ મકવાણાની પોતાની જર્ની વિશે વાત કરતા કહે છે કે, આજે હું જે કંઇ પણ છું એ ખેલમહાકુંભને કારણે છું ખેલમહાકુંભનો પ્રારંભ ન થયો હોત તો હું મારું ટેલેન્ટ ન દેખાડી શક્યો હોત અને ન હું એથલિટ કોચ બની શક્યો હોત. આજે જે યુવાનો પોલીસ, આર્મી, ડિફેન્સ જેવા સંરક્ષણ ક્ષેત્રમાં તેમજ સ્પોર્ટમાં કરિયર બનાવવા માંગતા હોય તેઓને છેલ્લા 7 વર્ષથી નિ:શુલ્ક ટ્રેનિંગ આપું છું. સવારે સંરક્ષણ ક્ષેત્રમાં જવા ઇચ્છુક યુવાઓને તેમજ સાંજે સ્પોર્ટમાં કરિયર બનાવવા માંગતા હોય એવા યુવાઓને ટ્રેનિંગ આપું છે. બપોરના સમયમાં સ્લમ વિસ્તારમાં જઇને બાળકોને શિક્ષણ આપું છું. મારું માનવું છે કે, સ્પોર્ટ એક એવું માધ્યમ છે જેનાથી આપણાં એક ડિસિપ્લિન આવે છે અને હારને કેવી રીતે જીતમાં બદલવી એ પણ સ્પોર્ટ્સ આપણને શીખવાડે છે.
યુવાનોને તાલીમ આપવાનો વિચાર કેવી રીતે આવ્યો એ અંગે વાત કરતા રૂપેશે કહ્યું કે, વર્ષ ૨૦૧૫માં મેં પોલીસમાં ભરતીનો પ્રયત્ન કર્યો હતો પણ હાઇટ ઓછી હોવાને કારણે હું નિષ્ફળ રહ્યો હતો. ત્યારબાદ મેં મારા જેવા યુવાનોને નિ:શુલ્ક ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું. મને આજે ગર્વ એ વાતનો પણ છે કે મારી નિષ્ફળતાએ આજે ૮૦૦થી વધુ યુવાનોની જિંદગી બદલી છે અને એ જ મારી મોટી સફળતા છે. અત્યાર સુધીમાં મેં 300થી વધુ યુવાનોને સ્પોર્ટ્સ અને સંરક્ષણ ક્ષેત્રમાં તાલીમ આપીને તૈયાર કર્યા છે. આ યુવાનોમાંથી ૬૦ જેટલા ઇન્ડિયન આર્મિમાં, ૫૮ જેટલા ગુજરાત પોલીસમાં, ૨ નેવી, ૨ એરફોર્સમાં તેમજ અન્ય બીજા ક્ષેત્રોમાં સેવા આપી રહ્યા છે.
આ અંગે વધુ વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, સૌપ્રથમ તો હું ટ્રેનિંગ આપવા યુવાનો અને બાળકોને શોંધવા ગલ્લે-ગલ્લે ઊભો રહેતો હતો અને જે બાળકો-યુવાનો વ્યસન કરતા દેખાય તેમને મળીને સમજાવતો કે આપણા દેશ અને પરિવાર માટે આપણું જીવન ખૂબ મહત્વનું છે. જો તમે દિલથી વ્યસન છોડવા માંગતા હોવ તો મારી સાથે જોડાવો અને ત્યારબાદ આવી રીતે યુવાનો મારી સાથે ટ્રેનિંગમાં જોડાતા ગયા. આમ, મેં અત્યાર સુધી 500થી વધુ યુવાનોને વ્યસનમુક્ત પણ બનાવ્યા છે.
મારા પરિવારની વાત કરું તો મારા ઘરમાં માતા-પિતા અને એક ભાઇ છે. પિતા દરજીનું કામ કરે છે અને માતા હાઉસવાઇફ છે, જ્યારે ભાઇ એક વેબ ડેવલોપર છે. આજે મારી પાસે જે કંઇ પણ છે એ હું બાળકો અને યુવાનો પાછળ સેવામાં ખર્ચ કરી દઉં છું. ગરીબ વિસ્તારના બાળકોને ભણાવું છે અને જરૂરિયાતનું વસ્તુઓ અને સુવિધાઓ પૂરી પાડું છું. મારી પાસેથી ટ્રેનિંગ લઇને જે યુવાનો આર્મી અને પોલીસમાં તેમજ અલગ અલગ ક્ષેત્રમાં જોડાયા છે એ બધા મને નાની-મોટી મદદ કરી રહ્યા છે. આ લોકો તરફથી મળતી મદદથી આજે મને પ્રોત્સાહન મળી રહ્યું છે.
આજે હું જે કંઇ પણ છું એ ખેલમહાકુંભને કારણે છું
રૂપેશ મકવાણાએ કહ્યું કે, આજે હું જે કંઇ પણ છું એ ખેલમહાકુંભને કારણે છું. વર્ષ ૨૦૧૦માં જ્યારે ખેલમહાકુંભની શરૂઆત થઇ ત્યારથી મેં દોડવાની શરૂઆત કરી હતી. પ્રથમ વખત ખેલમહાકુંભમાં હું દોડ્યો ત્યારે વોર્ડમાં પ્રથમ નંબરે આવ્યો, ત્યારબાદ ઝોન, ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટમાં પણ હું પ્રથમ નંબરે આવ્યો. ત્યારે મને ખબર પડી કે મારામાં આટલું બંધુ ટેલેન્ટ છે. જો ખેલમહાકુંભ ન આવ્યું હોત તો હું મારું ટેલેન્ટ ન દેખાડી શક્યો હોત. ખેલમહાકુંભને કારણે જ મને મારી અંદરની શક્તિને ઓળખવાનો અવસર મળ્યો અને આ ખેલમહાકુંભ થકી જ હું ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યો છું.
ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવા માટે દોડ ૯૯ દિવસમાં પૂરી કરવાની હતી, પણ આ દોડ ૮૮ દિવસ ૧ કલાક અને ૨૮ મિનિટમાં પૂરી કરી
દેશના યુવાનો નશામુક્ત થાય, સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ વધે અને તણાવમુક્ત રહે એ ઉદ્દેશ્ય સાથે 'યુવા બચાઓ દેશ બચાઓ' અને 'સેવ ધ અર્થ' મિશન અંતર્ગત રૂપેશ મકવાણાએ ૨૦ મે ૨૦૨૩ના રોજ દિલ્હી ખાતે ૬ હજાર કિમીની દોડ પૂરી કરી હતી. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૩થી આ દોડની શરૂઆત દિલ્હીના ઇન્ડિયા ગેટથી કરી હતી. ૧૩ રાજ્યમાં દોડીને માત્ર ૮૮ દિવસમાં ૬ હજાર કિમીની દોડ પૂરી કરી છે. આ દોડમાં ૧૩ રાજ્યો જેમ કે, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડું, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્વિમ બંગાળ, ઝારખંડ, બિહાર, યૂપી અને દિલ્હીનો સમાવેશ થાય છે. ગ્રિનીશ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ નોંધાવા માટે આ દોડ ૯૯ દિવસમાં પૂરી કરવાની હતી, પણ મેં આ દોડ ૮૮ દિવસ ૧ કલાક અને ૨૮ મિનિટમાં આ દોડ પૂરી કરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ રેકોર્ડ દરમિયાન મને કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા તેમજ કેન્દ્રિય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણનો પણ સપોર્ટ પ્રાપ્ત થયો હતો.








