Asia Cup 2025 / ફાઈનલ પહેલા અભિષેક અને હાર્દિકની ઈજાએ વધાર્યું ભારતનું ટેન્શન, જાણો કોચે શું કહ્યું
એશિયા કપ 2025માં સુપર-4 મેચ હવે પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લી મેચ ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રમા

એશિયા કપ 2025માં સુપર-4 મેચ હવે પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લી મેચ ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ સુપર ઓવરમાં જીતી હતી. હવે એશિયા કપ 2025ની ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે રમાશે. જોકે, હાર્દિક પંડ્યા અને અભિષેક શર્માને થયેલી ઈજાએ ફાઈનલ મેચ પહેલા ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી દીધું છે. શ્રીલંકા સામેની મેચ બાદ, ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ, મોર્ને મોર્કેલે આ બંને ખેલાડીઓની ઈજા અંગે અપડેટ આપ્યું હતું.
અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યા મેદાન છોડીને ગયા
આ મેચમાં અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યા હેમસ્ટ્રિંગ ઈજાથી સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયા માટે પહેલી ઓવરમાં બોલિંગ કરી અને પહેલી જ ઓવરમાં કુસલ મેન્ડિસને આઉટ કર્યો. જોકે, હાર્દિક આ ઓવર પછી મેદાન છોડીને ગયો અને ફરી મેદાનમાં નહતો જોવા મળ્યો. ત્યારબાદ અભિષેક શર્મા 10મી ઓવર પછી મેદાન છોડીને ગયો. મેચના અંતમાં તિલક વર્મા પણ લંગડાતો જોવા મળ્યો હતો, ત્યારબાદ જીતેશ શર્મા, રિંકુ સિંહ અને શિવમ દુબે ફિલ્ડિંગ કરતા જોવા મળ્યા હતા.
મેચ પછી મોર્ને મોર્કલે શું કહ્યું?
શ્રીલંકા સામેની જીત બાદ પ્રેસ કોન્ફરન્સમાં, ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે હાર્દિક પંડ્યા અને અભિષેક શર્માની ઈજાઓ અંગે અપડેટ આપ્યું હતું. મોર્કેલે જણાવ્યું હતું કે મેચ દરમિયાન બંને ખેલાડીઓને ક્રેમ્પ્સનો સામનો કરવો પડ્યો હતો. અભિષેક અત્યારે સ્વસ્થ છે. જ્યારે હાર્દિકની તપાસ કરવામાં આવશે, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.
શ્રીલંકા સામે સુપર ઓવરમાં જીત
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે સુપર ઓવરમાં જીત મેળવી. એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયાની આ સતત છઠ્ઠી જીત હતી. શ્રીલંકા સુપર ઓવરમાં ફક્ત 2 રન બનાવી શક્યું હતું, જ્યારે ટીમ ઈન્ડિયાએ પહેલી જ બોલ પર 3 રન બનાવીને મેચ સરળતાથી જીતી લીધી હતી.






