Asia Cup 2025 / વ્યર્થ ગઈ પથુમ નિસાન્કાની સદી, રોમાંચક મેચની સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને હરાવ્યું

એશિયા કપ 2025માં પહેલા જે નહતું બન્યું તે શુક્રવારે એક વાર નહીં પરંતુ બે વાર બન્યું. આ રોમાંચક મેચમાં પહેલા બેટિંગ કરતા, ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા, જે ટુર્નામેન્ટનો સૌથી વધુ સ્કોર હતો. થોડા સમય પછી, શ્રીલંકાએ ભારતના રેકોર્ડની બરાબરી કરી, 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 202 રન પણ બનાવ્યા હતા.
મેચ ટાઇ થઈ, જેના કારણે સુપર ઓવર થઈ, જે ભારતે જીતી લીધી. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરી અને ફક્ત બે રન બનાવ્યા હતા. ભારતે સરળતાથી આ રન બનાવીને મેચ પોતાના નામે કરીએ. સુપર ઓવરના પહેલા જ બોલ પર ભારતે ત્રણ રન બનાવી લીધા.
સુપર ઓવરનો રોમાંચ
સુપર ઓવર પણ ખૂબ જ રોમાંચક હતી. પહેલા જ બોલ પર, અર્શદીપે કુસલ પરેરાને આઉટ કર્યો. ત્રીજા બોલ પર દાસુન શનાકા રન આઉટ થયો, પરંતુ અહીં એક ટ્વિસ્ટ હતો, કારણ કે શનાકા રન આઉટ નહતો થયો. અર્શદીપ સિંહે કેચ માટે અપીલ કરી હતી, અને અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. શનાકાએ તરત જ રિવ્યૂ લીધો, તેથી રનઆઉટનો નિર્ણય ન સ્વીકારવામાં આવ્યો. તેને લઈને ઘણી મૂંઝવણ હતી, જેની ફરિયાદ કેપ્ટન સૂર્યકુમારે અમ્પાયરને કરી હતી. જોકે આનાથી શ્રીલંકાને કોઈ ફાયદો ન થયો, કારણ કે શનાકા ચોથા બોલ પર કેચ આઉટ થયો.
જો ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ ખરાબ ન હોત, તો ભારત સુપર ઓવર પહેલા જ મેચ જીતી ગયું હોત. અંતિમ ઓવરમાં ભારતીય ફિલ્ડર્સ દ્વારા કરવામાં આવેલા ત્રણ ફમ્બલ્સના કારણે મેચ સુપર ઓવરમાં ગઈ.
આ બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી
શ્રીલંકાએ આ મેચમાં શાનદાર લડાઈ લડી અને તેને રોમાંચક બનાવી દીધી. તેના માટે પથુમ નિસાન્કાએ સદી ફટકારી. તેણે 58 બોલનો સામનો કરીને 107 રનની ઈનિંગ રમી. તેણે પોતાની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. કુશલ પરેરાએ 32 બોલમાં 58 રન બનાવ્યા. આ બેટ્સમેને પોતાની ઈનિંગમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો.
ભારત તરફથી અભિષેક શર્મા ફરી એકવાર ચમક્યો. તેણે સતત ત્રીજી મેચમાં અડધી સદી ફટકારી. લેફટી બેટ્સમેને 31 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. તિલક વર્માએ અંતે અણનમ 49 રન બનાવ્યા હતા.
શ્રીલંકાના તોફાન
હાર્દિક પંડ્યાએ પહેલી ઓવરમાં શ્રીલંકાને ઝટકો આપ્યો હતો. શુભમન ગિલે સ્લિપમાં પંડ્યાની બોલિંગમાં કુસલ મેન્ડિસનો કેચ ઝડપ્યો, જે કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો. અહીંથી, ભારતની મુશ્કેલીઓ વધવા લાગી કારણ કે પથુમ નિસાન્કા અને કુસલ પરેરાએ જોરદાર બેટિંગ કરી. તેમણે સદીની પાર્ટનરશિપ કરી, બંને બેટ્સમેન અડધી સદી સુધી પહોંચ્યા. પાર્ટનરશિપ 127 રન સુધી પહોંચી ગઈ હતી. ત્યારબાદ, વરુણે સંજુ સેમસનની મદદથી 13મી ઓવરના બીજા બોલ પર પરેરાને સ્ટમ્પ આઉટ કર્યો.
અહીંથી, શ્રીલંકાને 46 બોલમાં 69 રનની જરૂર હતી. બધી આશા હવે નિસાન્કા પર ટકી રહી હતી, જે જોરદાર બેટિંગ કરી રહ્યો હતો. અસલંકાએ તેને ટેકો આપ્યો. કુલદીપે 16મી ઓવરના પહેલા બોલ પર અસલંકાને ગિલ દ્વારા કેચ કરાવીને ભારતને બીજી સફળતા અપાવી. તે ફક્ત પાંચ રન બનાવી શક્યો હતો. 17મી ઓવરના ત્રીજા બોલ પર અર્શદીપ સિંહે કમિન્ડુ મેન્ડિસને આઉટ કરીને ભારતની વાપસીની આશા વધારી દીધી. કમિન્ડુ ફક્ત ત્રણ રન જ બનાવી શક્યો હતો.
નિસાન્કાની સદી
નિસાન્કાએ હજુ પણ ક્રીઝ પર હતો. તેણે 17મી ઓવરના છેલ્લા બોલ પર છગ્ગો ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી. આ એશિયા કપની આ પહેલી સદી છે. રાઈટી બેટ્સમેને સદી સુધી પહોંચવા માટે 52 બોલનો સામનો કર્યો, જેમાં 6 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા. શ્રીલંકાને છેલ્લી ત્રણ ઓવરમાં 33 રનની જરૂર હતી. શ્રીલંકાએ 18મી ઓવરમાં 10 રન બનાવ્યા, જેના કારણે બે ઓવરમાં 23 રનની જરૂર હતી. અર્શદીપે 19મી ઓવરની જવાબદારી સંભાળી. તેણે પહેલા પાંચ બોલમાં માત્ર સાત રન આપ્યા. છેલ્લા બોલ પર ચોગ્ગો લાગ્ય હતો. શ્રીલંકાને છેલ્લી ઓવરમાં જીત માટે 12 રનની જરૂર હતી.
છેલ્લી ઓવર ફેંકવા આવેલા રાણાએ પહેલા જ બોલ પર નિસાન્કાને આઉટ કરીને ભારતની આશા જીવંત રાખી. શોર્ટ ફાઈન લેગ પર વરુણે શાનદાર કેચ પકડ્યો. લિયાંગે બીજા બોલ પર બે રન લીધા. ત્રીજા બોલ પર એક રન આવ્યો અને દાસુન શનાકા સ્ટ્રાઇક પર આવ્યો. આ ભારત માટે સમસ્યા હતી. આગલા બોલ પર, શિવમ દુબેની ભૂલને કારણે શનાકાએ બે રન લીધા. પાંચમા બોલ પર, શનાકાએ થર્ડ મેન પર ચોગ્ગો ફટકાર્યો. છેલ્લા બોલ પર ત્રણ રનની જરૂર હતી. શ્રીલંકાએ છેલ્લા બોલ પર 2 રન બનાવ્યા.
ગિલ નિષ્ફળ
આ મેચમાં, અભિષેક અને ગિલની જોડી ટીમને મજબૂત શરૂઆત ન આપી શકી. મહિષ તીક્ષણાએ બીજી ઓવરના ત્રીજા બોલ પર પોતાની જ બોલિંગમાં ગિલને કેચ આઉટ કર્યો, જેનાથી ભારતને ઝટકો લાગ્યો. વાઈસ કેપ્ટન ફક્ત 4 રન જ બનાવી શક્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફરીથી નિષ્ફળ ગયો, તે 13 બોલમાં માત્ર 12 રન બનાવી શક્યો. બીજી તરફ અભિષેક વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો હતો અને શ્રીલંકાના બોલર્સને પરેશાન કરી રહ્યો હતો. તેને બીજા છેડેથી સપોર્ટ નહતો મળી રહ્યો. જોકે સંજુ સેમસનના આગમનથી થોડી રાહત મળી કારણ કે તે પણ ઝડપથી સ્કોર કરી રહ્યો હતો.
અભિષેકની બેટિંગ પરથી એવું લાગતું હતું કે તે આજે સદી પૂરી કરશે, પરંતુ એવું બન્યું નહીં. પાછલી બે મેચની જેમ, અભિષેકે આ તક પણ ગુમાવી દીધી. નવમી ઓવરના ચોથા બોલ પર તેની વિકેટ પડી ગઈ. કમિન્ડુ મેન્ડિસે અસલંકાના બોલ પર તેનો કેચ પકડ્યો.
સંજુ અને તિલકની શાનદાર બોલિંગ
અહીંથી, સંજુ અને તિલક ફરી શાનદાર બેટિંગ કરી. સંજુ ફોર્મમાં દેખાતો હતો. તેણે સ્ટમ્પની સામે કેટલાક શાનદાર શોટ રમ્યા. જોકે, તે પોતાની અડધી સદી સુધી ન પહોંચી શક્યો. દાસુન શનાકાએ તેની ઈનિંગનો અંત લાવ્યો. સંજુ 23 બોલમાં 1 ચોગ્ગો અને 3 છગ્ગા ફટકારીને પવેલિયન પાછો ફર્યો. હાર્દિક પંડ્યાએ ફક્ત 2 રન બનાવ્યા.
છેલ્લે અક્ષર પટેલે તિલકને સપોર્ટ આપ્યો. બંનેએ છેલ્લી ચાર ઓવરમાં 40 રન ઉમેર્યા. અક્ષર 15 બોલમાં 21 રન બનાવી અણનમ રહ્યો, તેણે એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો.

