કન્ફર્મ થઈ ગઈ રવિચંદ્રન અશ્વિનની વાપસી! IPL છોડ્યા બાદ હવે ઓસ્ટ્રેલિયાની આ ટીમ માટે રમશે સ્પિનર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPLમાંથી નિવૃત્તિ લેનાર રવિચંદ્રન અશ્વિન હવે નવી ટીમ માટે રમવા માટે તૈયાર છે. અશ્વિન હવે ઓસ્ટ્રેલિયાની ધરતી પર પોતાના સ્પિનથી તબાહી મચાવશે. આ ભૂતપૂર્વ ભારતીય ઓફ-સ્પિનર બિગ બેશ લીગ (BBL) ની ટીમ સિડની થંડરમાં જોડાયો છે.
અશ્વિન બિગ બેશ લીગમાં પેટ કમિન્સ અને ડેવિડ વોર્નર સાથે રમતો જોવા મળશે. અશ્વિને ઓસ્ટ્રેલિયામાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની વચ્ચે અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. આ પછી તેણે IPL 2025 બાદ આ લીગમાંથી પણ નિવૃત્તિ લઈ લીધી હતી. ત્યારે એવી અટકળો ચાલી રહી હતી કે તે ટૂંક સમયમાં અન્ય T20 લીગમાં કરતો જોવા મળશે.
અશ્વિન નવી ટીમ માટે રમશે
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર રવિચંદ્રન અશ્વિન હવે BBLમાં પોતાની છાપ છોડતો જોવા મળશે. અશ્વિન સિડની થંડર ટીમમાં જોડાયો છે. BBL એ અશ્વિનના ટીમમાં જોડાવાના સમાચાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યા છે. ઓફ-સ્પિનર હવે આગામી બે સીઝન માટે ડેવિડ વોર્નર અને પેટ કમિન્સ સાથે રમતો જોવા મળશે. અશ્વિનને ટી20 ક્રિકેટમાં નોંધપાત્ર અનુભવ છે.
અશ્વિને પોતાની કારકિર્દીમાં 333 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 317 વિકેટ લીધી છે. આ ફોર્મેટમાં તેનો ઈકોનોમી રેટ ફક્ત 7 છે. તેણે 4 વખત મેચમાં 4 વિકેટ લીધી છે. બોલિંગ ઉપરાંત, અશ્વિન બેટથી પણ યોગદાન આપી શકે છે. તેણે T20માં 1233 રન બનાવ્યા છે.
ગઈ સિઝનમાં ફાઈનલમાં પહોંચી હતી ટીમ
BBL 2024માં સિડની થંડરનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. ડેવિડ વોર્નરની કેપ્ટનશિપ હેઠળ ટીમ ફાઈનલમાં પહોંચી હતી. જોકે, ટાઈટલ જીતવાનું તેનું સ્વપ્ન અધૂરું રહી ગયું હતું. ફાઈનલ મેચમાં, હોબાર્ટ હરિકેન્સે શાનદાર પ્રદર્શન કરીને 7 વિકેટથી મેચ જીતી લીધી હતી.
સિડનીએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા. જોકે, ટીમના બોલરો 183નો ડિફેન્ડ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. કેપ્ટન ડેવિડ વોર્નર સમગ્ર સિઝન દરમિયાન શાનદાર ફોર્મમાં રહ્યો હતો, તેણે 12 મેચમાં 405 રન બનાવ્યા હતા.

