હોળાષ્ટકમાં શુભ કાર્યો કરવા કેમ વર્જિત છે? જાણો હોળી પ્રગટાવવા પાછળના વિવિધ કારણો
જ્યોતિષ શાસ્ત્રમાં હોળાષ્ટકના સમયને અશુભ ગણવામાં આવ્યો છે. કેમ કે ફાગણ સુદ આઠમના દિવસે વિષ

જ્યોતિષ શાસ્ત્રમાં હોળાષ્ટકના સમયને અશુભ ગણવામાં આવ્યો છે. કેમ કે ફાગણ સુદ આઠમના દિવસે વિષ્ણુ ભક્ત પ્રહલાદને તેના પિતા અસુરરાજ હિરણ્યકશ્યપ દ્વારા વિષ્ણુ ભક્તિ કરવાથી તેને કેદ કરીને અસહ્ય પીડા આપી હોવાનું ધાર્મિક કથન હોવાનું વિદ્વાનો જણાવતા હોય છે. આ દિવસો દરમિયાન ભક્ત પ્રહલાદને અનેક પ્રકારની યાતના આપવામાં આવી હતી.
આ કારણે હોળી પ્રાગટ્ય મનાવવામાં આવે છે
હોળી પ્રાગટ્ય વિશે માહિતી આપતાં જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી લાઠીયાએ જણાવ્યું કે, અસુરરાજ હિરણ્યકશ્યપની બહેન હોલિકાને વરદાનમા વસ્ત્ર મળ્યું હતું, જેને ઓઢવાથી તેને અભેદ્ય સુરક્ષા કવચ પ્રદાન કરે છે, જે આગ, અસ્ત્ર, શત્રુ, આફત સામે રક્ષણ આપે છે. આ વરદાનનો લાભ અસુરરાજ હિરણ્યકશ્યપે લીધો. તેણે જોયું કે, અસહ્ય ત્રાસ આપવા છતાં પ્રહલાદ વિષ્ણુ ભક્તિ છોડી નથી રહ્યો, તેથી તેની હત્યા કરવાનો નિર્ણય લીધો. જેમાં લાકડાના ઢગલાં પર હોલિકા વરદાનરૂપી વસ્ત્ર ઓઢી અને પ્રહલાદને ખોળામાં બેસાડી સળગાવવા બેસી ગઈ. પરંતુ હોળીની જવાળામાં પવનના વેગથી હોલિકાનુ વરદાનરૂપી વસ્ત્ર ઉડી ગયું, અને હોલિકા ભસ્મ થઈ અને પ્રહલાદનો બચાવ થયો, જેના કારણે હોળી પ્રાગટ્ય મનાવવામાં આવે છે.
અસુરરાજ હિરણ્યકશ્યપની બહેન હોલિકાના દહનથી નકારાત્મક વૃત્તિ નાશ થઈ. જેના કારણે માનવી પોતાનામાં રહેલા અવગુણ, અહમ, અનાદરવૃત્તિ, ઈર્ષા, વેર, વગેરે જેવી નકારાત્મક વૃત્તિનો જીવનમાંથી નાશ થાય અને જીવન કલેશ મુક્ત થાય છે, તે હેતુથી હોળીની જ્વાળામાં આ વૃતિના નાશ હેતુ હોળી પ્રાગટ્ય કરાય છે.
હોળી પ્રાગટ્ય જીવનમાંથી નકારાત્મક દૂર કરવાનો એક હેતુ
હોળી પ્રગટાવવા માટે ફાગણ સુદ પૂનમની સાંજે ભદ્રા રહિત કરણમાં પ્રદોષકાળમાં પ્રગટાવવામાં આવે તેવું શાસ્ત્રોકત મત છે. હોળી પ્રાગટ્ય જીવનમાંથી નકારાત્મક દૂર કરવાનો એક હેતુ છે. સામાન્ય રીતે હોળીનું પૂજન કંકુ, ચોખા કોઈ પ્રસાદીરૂપી વસ્તુ હોળી જ્વાળામાં પૂજન અર્થે મુકાય છે અને જલધારા વડે પ્રદાક્ષિણા કરવામાં આવે છે. હોળી પ્રાગટ્ય ભદ્રા રહિત કરણમાં કરાય. ભદ્રા એટલે વિષ્ટિ, જે સામાન્ય રીતે પૂનમે આવે છે, સુદ અને વદમાં તે અલગ તિથિએ આવે છે.
હોળીની જ્વાળા પરથી નક્કી થાય છે આગામી વર્ષનું ભવિષ્ય
હોળીની જ્વાળા કઇ દિશા તરફ જાય છે કે ઉપર આકાશ તરફ જાય છે, તે મુજબ તેના ફળ મળતાં હોય છે, જેમકે પૂર્વ, દક્ષિણ,પશ્ચિમ, ઉત્તર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય વગેરે પરથી શુભાશુભ બાબતે વર્ષ પૂરતું જણાતું હોય છે. જેમાં ગરમી, વરસાદ, દુકાળ, પૂર, રોગચાળો, મોંઘવારી, દુર્ઘટના, શુભાશુભ બનાવો વગેરે બાબતે જોવાય છે.
હોળાષ્ટક ક્યારે થશે સમાપ્ત?
આ વર્ષે હોળાષ્ટક 7 માર્ચ શુક્રવારથી શરૂ થયા છે, જે 13 માર્ચે હોલિકા દહન સાથે સમાપ્ત થશે. હોળાષ્ટક હોળીના એક દિવસ પહેલા પૂર્ણ થાય છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ ન lpથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.








