VIDEO: સાવધાન! એમેઝોન અને TikTok પર વેચાતા દાગીનામાં કેન્સર નોતરતી ઝેરી ધાતુ હોવાનો ખુલાસો
એમેઝોન અને ટીકટોક શોપ પર વેચાતી સસ્તા ભાવની "ચાંદીની" જ્વેલરીમાં ક

એમેઝોન અને ટીકટોક શોપ પર વેચાતી સસ્તા ભાવની "ચાંદીની" જ્વેલરીમાં કેડમિયમનું ખતરનાક પ્રમાણ મળી આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો એક તપાસમાં થયો છે. કેડમિયમ એક ઝેરી ભારે ધાતુ છે, જે કેન્સર, કિડનીને નુકસાન અને હાડકાના રોગો સાથે જોડાયેલી છે. એક ખાનગી ન્યૂઝપેપરે બંને ઓનલાઇન માર્કેટપ્લેસ પરથી આ દાગીના ખરીદ્યા હતા અને કીમતી ધાતુઓની શુદ્ધતા ચકાસતી 'બર્મિંગહામ એસે ઓફિસ' ખાતે તેનું સ્વતંત્ર રીતે ટેસ્ટિંગ કરાવ્યું હતું. આ ટેસ્ટિંગના પરિણામો ખૂબ જ ચિંતાજનક આવ્યા છે.
એમેઝોન પર "925 સ્ટર્લિંગ સિલ્વર" તરીકે જાહેરાત કરવામાં આવેલી 2.99 પાઉન્ડ (રૂ. 386.93) ની એક વીંટીમાં 92.3% કેડમિયમ હોવાનું બહાર આવ્યું હતું, જે યુકેની કાનૂની મર્યાદા કરતાં 9,000 ગણું વધુ છે. કાનૂની રીતે "925 સિલ્વર" લેબલ આપવા માટે, વસ્તુમાં ઓછામાં ઓછી 92.5% શુદ્ધ ચાંદી હોવી જરૂરી છે.
'GuiSaLa' નામના વિક્રેતા દ્વારા "તિબેટીયન સિલ્વર" અને "999 સિલ્વર" તરીકે વેચવામાં આવતા ચાર્મ્સના સેટમાં કાનૂની મર્યાદા કરતાં લગભગ 5,000 ગણું વધુ કેડમિયમ હતું. તેવી જ રીતે, 'TiantechKong' ની "મેટલ એલોય" ઈયરરિંગ્સ પણ સુરક્ષિત મર્યાદા કરતાં ખૂબ વધારે ઝેરી હતી. યુકેના નિયમનકારોએ આ પહેલાં પણ એમેઝોન દ્વારા વેચાતા 'Dervivea' જ્વેલરીને મહત્તમ મંજૂર મર્યાદા કરતાં ઘણું વધારે કેડમિયમ ધરાવવા બદલ લાલ નિશાન (ફ્લેગ) લગાવ્યું હતું.
આવો જ એક મુદ્દો ટીકટોક શોપ પર પણ જોવા મળ્યો હતો. 'Perform Pearls' નામના સેલર તરફથી 925 સિલ્વર તરીકે પ્રમોટ કરાયેલા બ્રેસલેટના ચાર્મ્સમાં 33% કેડમિયમ મળી આવ્યું હતું, જે યુકેની 0.01% ની કાનૂની મર્યાદા કરતાં આશરે 3,300 ગણું વધુ છે.
કેડમિયમ શા માટે ખતરનાક છે?
કેડમિયમ એ ચાંદી જેવી સફેદ ધાતુ છે જેનો ઉપયોગ મુખ્યત્વે રિચાર્જ કરી શકાય તેવી બેટરીઓ અને ઔદ્યોગિક કોટિંગમાં થાય છે. તે સમય જતાં માનવ શરીરમાં એકઠું થાય છે, જે શરીરના આંતરિક અંગો અને હાડકાંને ગંભીર નુકસાન પહોંચાડે છે. લાંબા ગાળાની ઝેરી અસરના સંદર્ભમાં કેડમિયમને પારા કરતાં પણ વધુ જોખમી માનવામાં આવે છે. તેને માનવમાં કેન્સર નોતરતા પદાર્થ (carcinogen) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.
રિપોર્ટમાં કિંગ્સ કોલેજ લંડનના મોલેક્યુલર ઈકોટોક્સિકોલોજીના પ્રોફેસર ક્રિસ્ટર હોગસ્ટ્રાન્ડના ટાંકેલા નિવેદન અનુસાર, "આ ઝેરી અસર પેદા કરતી સૌથી શક્તિશાળી ધાતુઓમાંની એક છે... તમારે કેડમિયમના કોઈપણ સંપર્કને ન્યૂનતમ બનાવવો જોઈએ. આપણે અત્યારે પારાથી બચીએ છીએ, પારો ખરેખર ખરાબ છે, પરંતુ કેડમિયમ તેનાથી પણ વધુ ખરાબ છે."
તેમણે વધુમાં ઉમેર્યું, "દાગીના સાથે મુખ્ય ચિંતા એ નથી કે દરેક પહેરનારને સિસ્ટેમિક કેડમિયમ ટોક્સિસિટી (આખા શરીરમાં ઝેર) થઈ જશે, પરંતુ બાબત એ છે કે એક ઝેરી ધાતુ હાજર છે. જો આ વસ્તુ મોંમાં મૂકવામાં આવે અથવા ગળી જવામાં આવે—ખાસ કરીને બાળક દ્વારા—અથવા જો તે ક્ષતિગ્રસ્ત કે વિંધાયેલી ત્વચા પર પહેરવામાં આવે તો આ જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે."
જો કોઈ ગ્રાહક આ જ્વેલરીને અડકે અને ત્યારબાદ ખોરાક કે પોતાના મોંને સ્પર્શ કરે તો દૈનિક ધોરણે પણ તેના શરીર પર વિપરીત અસર થઈ શકે છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જ્વેલરી ઇન્ડસ્ટ્રીના કન્સલ્ટન્ટ જેન બોન્ડે એમેઝોન પરથી ખોટી રીતે "925 સિલ્વર" તરીકે માર્ક કરેલી 2.99 પાઉન્ડની વીંટી ઓર્ડર કરી હતી. રાસાયણિક પૃથક્કરણમાં આ વસ્તુ 92.3% કેડમિયમ હોવાનું બહાર આવ્યા પછી, એમેઝોને એક નિવેદન બહાર પાડ્યું હતું.
"અમે ગ્રાહકોની સુરક્ષાને ગંભીરતાથી લઈએ છીએ, અને અમે સુશ્રી બોન્ડ સાથે તેમના અનુભવ અંગે સંપર્ક કરી રહ્યા છીએ," કંપનીએ જણાવ્યું હતું. "એમેઝોન પર ઓફર કરવામાં આવતા તમામ ઉત્પાદનો લાગુ કાયદા, નિયમો અને એમેઝોનની નીતિઓનું પાલન કરે તે જરૂરી છે... આંતરિક તપાસ કર્યા પછી અમે આ વસ્તુઓને હટાવવાની પ્રક્રિયામાં છીએ."
દરમિયાન, ટીકટોક શોપે પુષ્ટિ કરી છે કે તેણે નિયમ ભંગ કરનાર સેલર પર પ્રતિબંધ મૂકી દીધો છે અને આ ઝેરી બ્રેસલેટ ખરીદનારા તમામ ગ્રાહકોને પ્રોડક્ટ પરત ખેંચવાની (રીકોલ) નોટિસ જાહેર કરી છે.








