મુખ્ય સામગ્રી પર જાઓ
જીવનશૈલી

ભારતના નામે વધુ એક મોટી સિદ્ધિ, રાષ્ટ્રપતિએ લોન્ચ કરી વિશ્વની સૌથી સસ્તી CAR T-Cell થેરાપી

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગુરુવારે એટલે કે 4 એપ્રિલના IIT બોમ્બેમાં કેન્સ

ભારતના નામે વધુ એક મોટી સિદ્ધિ, રાષ્ટ્રપતિએ લોન્ચ કરી વિશ્વની સૌથી સસ્તી CAR T-Cell થેરાપી

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગુરુવારે એટલે કે 4 એપ્રિલના IIT બોમ્બેમાં કેન્સરની સારવાર માટે ભારતની પહેલી ઘરેલૂ CAR T-Cell થેરાપી લોન્ચ કરી. જીન આધારિત આ થેરાપી બ્લડ કેન્સરની સાથે-સાથે કેન્સરના અન્ય પ્રકારની સારવારમાં પણ મદદ કરશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, કેન્સર સામેની જંગમાં આ દેશની સૌથી મોટી ઉપલબ્ધિ છે. તેમણે એવો વિશ્વાસ દર્શાવ્યો છે કે આ થેરાપી કેન્સરના લાખો દર્દીઓને નવું જીવન આપશે. તેમણે એવું પણ કહ્યું કે, આ થેરાપી ‘મેક ઇન ઈન્ડિયા’ ઝુંબેશનું એક ઉદાહરણ છે અને ભારતીય વૈજ્ઞાનિકો તથા ડૉક્ટરોની ક્ષમતા દર્શાવે છે.

રાષ્ટ્રપતિએ લોન્ચિંગ કાર્યક્રમમાં શું કહ્યું?

‘ભારતની પહેલી જીન થેરાપી લોન્ચ કરવી કેન્સર સામેની આપણી જંગમાં એક મોટી સફળતા છે. આ સારવાર વિકસિત દેશોમાં ઉપલબ્ધ છે, પરંતુ આ સારવાર ખૂબ જ મોંઘી છે અને દુનિયાભરના મોટાભાગના દર્દીઓની પહોંચથી બહાર છે. જ્યારે આ સ્વદેશી થેરાપી અન્ય જગ્યાઓ પર ઉપલબ્ધ થેરાપીની સરખામણીમાં 90 ટકા સસ્તી છે. આ દુનિયાની સૌથી સસ્તી CAR T-Cell થેરાપી છે. ઉપરાંત આ મેક ઇન ઈન્ડિયાનું પણ એક ઉદાહરણ છે જે આત્મનિર્ભર ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમને આશા છે કે આ થેરાપીની મદદથી આવનારા સમયમાં કેન્સર સામેની જંગમાં દેશને વધુ મજબૂતી મળશે.’

શું છે CAR T-Cell થેરાપી?

CAR T-Cell થેરાપી એક પ્રકારની કેન્સર ઈમ્યુનોથેરાપી ટ્રીટમેન્ટ છે. આ ટ્રીટમેન્ટમાં દર્દીના ટી-સેલ્સનો ઉપયોગ કરીને તેને લેબોરેટરીમાં આનુવંશિક રીતે બદલવામાં આવે છે. આ ટી-સેલ્સ કેન્સરના કોષો પર હુમલો કરે છે અને તેને નષ્ટ કરવાનું કામ કરે છે. હેલ્થ એક્સપર્ટ મુજબ આ થેરાપી કેન્સરના દર્દીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે.

કેન્સરની મુખ્ય હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે

કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું, ‘મને જણાવવામાં આવ્યું છે કે આ થેરાપી દેશભરની મુખ્ય કેન્સર હોસ્પિટલોમાં ઉપલબ્ધ હશે, જેથી દર્દીઓ અને તેમના પરિવારને નવી આશા મળશે. ઉપરાંત આ સસ્તી ટ્રીટમેન્ટ દુનિયાભરના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. આ આપણાં ‘વસુધૈવ કુટુંબકમ’ના દ્રષ્ટિકોણના અનુરૂપ હશે. કેન્સર સામેની જંગમાં આપણને એકતા અને સંકલ્પની જરૂર છે. અમને આશા છે કે આ પ્રકારની સારવારથી આપણાં લક્ષ્યમાં મદદ મળી શકશે.’

આ સમાચાર શેર કરો