યુવરાજ-રૈના સહિતના આ સેલેબ્સની જપ્ત થઇ શકે છે સંપત્તિ, 1XBet બેટિંગ એપ કેસમાં EDની મોટી કાર્યવાહીની તૈયારી
ઓનલાઇન સટ્ટાબાજી અને ગેમિંગ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ

ઓનલાઇન સટ્ટાબાજી અને ગેમિંગ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં અનેક રમતવીરો અને અભિનેતાઓ સામે કાર્યવાહી થવાની શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં ED તેમની કરોડો રૂપિયાની સંપત્તિ ટાંચમાં લઇ શકે છે. આ કાર્યવાહી મની લોન્ડરિંગ કાયદા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવશે.
ED ક્રિકેટર-સેલેબ્સની જપ્ત કરી શકે છે સંપત્તિ
સૂત્રોના જણાવ્યા અનુસાર ઓનલાઇન સટ્ટાબાજી પ્લેટફોર્મ 1XBetથી જોડાયેલ કેસોની તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંથી કેટલીક વ્યક્તિઓએ તેમને મળેલ જાહેરાતની આવકમાંથી અનેક પ્રકારની સંપત્તિ ખરીદી હતી. જે PMLA કાયદા હેઠળ અપરાધથી અર્જિત આવકની કેટેગરીમાં આવે છે જેમાંથી અનેક સંપત્તિ યુનાઇટેડ અરબ અમિરાત જેવા દેશોમાં છે. હાલમાં સંપત્તિઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.તપાસમાં જાણવા મળ્યું છે કે ફેડરલ તપાસ એજન્સી ટૂંક સમયમાં જ આ વ્યક્તિઓની સ્થિર અને ચાલુ મિલકતો ટાંચમાં લેવા માટે PMLA હેઠળ આદેશ જારી કરશે.
ટાંચના આદેશ પછી તેને PMLA હેઠળ સંબંધિત ઓથોરિટીને કન્ફર્મેશન માટે મોકલવામાં આવશે. મંજૂરી મળવા પર આ સંપત્તિઓને જપ્ત કરવા માટે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રે તાજેતરમાં એક કાયદો લાવીને દેશમાં રિયલ મની ઓનલાઇન ગેમિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
યુવરાજ-રૈના સહિતના ક્રિકેટરની ED કરી ચુક્યુ છે પૂછપરછ
EDએ પોતાની તપાસ હેઠળ છેલ્લા કેટલાક સપ્તાહમાં યુવરાજ સિંહ, સુરેશ રૈના, રોબિન ઉથપ્પા અને શિખર ધવન જેવા ક્રિકેટરો અને સોનુ સુદ, મિમી ચક્રવર્તી (પૂર્વ તૃણમૂલ સાંસદ) અને અંકુશ હાજરા (બાંગ્લા સિનેમા)ની પણ પૂછપરછ કરી હતી. કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝરની પણ પૂછપરછ કરવામાં આવી છે. EDએ તેમના નિવેદન પણ રેકોર્ડ કર્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમાંથી અનેક લોકોએ તપાસ અધિકારીને પોતાના બેન્ક ખાતાઓ અને લેવડદેવડની માહિતી આપી છે અને જણાવ્યું હતું કે કંઇ રીતે તેમણે ઓનલાઇન પ્લેટફોર્મથી પોતાની એન્ડોર્સમેન્ટ ફી પ્રાપ્ત કરી હતી.
આ કેસમાં એજન્સી કેટલાક અન્ય ખેલાડીઓ અને અભિનેતાઓના નિવેદન રેકોર્ડ કરી રહી છે. EDએ 1XBetના ભારત ખાતેના એમ્બેસેડર ઉર્વશી રોતેલાને પણ સમન્સ પાઠવ્યા છે.
1XBetએ ભારતમાં કરોડો રૂપિયા કમાયા
ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મે ભારતમાં ઘણા રૂપિયા કમાયા હતા. મળતી માહિતી અનુસાર એપ પર 22 કરોડ કરતા વધારે યૂઝર હતા. કેન્દ્ર સરકારે બેટિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મુક્યો હતો. ED તપાસ કરી રહી છે કે આ એપના પ્રમોટર કઇ રીતે વિદેશમાં બેસીને ભારતમાં આ નેટવર્ક ચલાવતા હતા. ફેયરપ્લે નામની બેટિંગ એપ મામલે EDએ દુબઇમાં કેટલીક સંપત્તિઓ જપ્ત કરી છે.
ફેયરપ્લે ગેરકાયદેસર ક્રિકેટ મેચને બ્રૉડકાસ્ટ પણ કરતું હતું. વાયકોમ18 મીડિયા પ્રાઇવેટ લિમિટેડે પણ તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને કહ્યું હતું કે ગેરકાયદેસર રીતે મેચના બ્રૉડકાસ્ટને કારણે તેને 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.








