છેલ્લા 2 દિવસથી ટનલમાં જિંદગી અને મોત વચ્ચે ફસાયા શ્રમિકો, મંત્રીએ કહ્યું "બચવાની કોઇ શક્યતા નથી"
તેલંગાણાના નાગરકુરનૂલ જિલ્લામાં શ્રીસેલમ ટનલ કેનાલ પ્રોજેક્ટનો બાંધકામ હેઠળનો હિસ્સો ધસી પડત

તેલંગાણાના નાગરકુરનૂલ જિલ્લામાં શ્રીસેલમ ટનલ કેનાલ પ્રોજેક્ટનો બાંધકામ હેઠળનો હિસ્સો ધસી પડતાં આઠ શ્રમિક છેલ્લા 48 કલાકથી ફસાયા છે. ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે NDRFની ટીમ મહેનત કરી રહી છે. પરંતુ હજુ સુધી સફળતા હાથ લાગી નથી. શ્રમિકો 14 કિમી અંદર ફસાયેલા છે.
ટનલના અંતિમ 200 મીટરના હિસ્સામાં પાણી અને કાદવના કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે. બચાવ ટુકડી અંદર સુધી જવા અસક્ષમ બની છે. પાણી અને કાદવના કારણે ભારે મશીનરી પણ ઉતારી શકાઈ નથી. કાદવમાંથી પસાર થવા માટે રબર ટ્યૂબ અને લાકડીનો સહારો લઈ રહ્યા છે.
શ્રમિકોની બચવાની સંભાવના નહીં
શ્રમિકોને બચાવવાની સંભાવના અંગે મંત્રીએ જણાવ્યું હતું કે, અમે કંઈ કરી શકીએ તેમ નથી. અમને આશા છે કે, અમે ફસાયેલા શ્રમિકોને બચાવી લઈશું. પરંતુ ઘટના અત્યંત ગંભીર હોવાથી બચવાની સંભાવના વિશે અમે ભવિષ્યવાણી કરી શકીએ નહીં. પ્રદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા વીડિયોમાં બચાવ કર્મીઓ અડધો પગ ડૂબી જાય તેવા કાદવ, વળેલા લોખંડના સળિયા તેમજ સિમેન્ટના કાટમાળમાંથી પસાર થઈ રહ્યા છે.
ઘટના સમયે 70 લોકો ટનલમાં હતાં
મંત્રી ઉત્તમ કુમાર રેડ્ડીએ જણાવ્યું હતું કે, શનિવાર સવારે જ્યારે ટનલનો હિસ્સો ધસી પડ્યો ત્યારે 70 લોકો કામ કરી રહ્યા હતાં. જેમાંથી મોટાભાગના લોકો બહાર નીકળવા સફળ રહ્યા હતા.ટનલમાં ફસાયેલા આઠ શ્રમિકોમાં ઉત્તરપ્રદેશના મનોજ કુમાર અને શ્રીનિવાસ, જમ્મુ-કાશ્મીરના સન્ની સિંહ, પંજાબના ગુરૂપ્રીત સિંહ અને ઝારખંડના સંદીપ સાહૂ, જગતા જેસ, સંતોષ સાહુ અને અનુજ સાહુ છે.
NDRFની ચાર ટીમો કાર્યરત
બચાવ અભિયાન પર નજર રાખતાં નાગરકુરનૂલના જિલ્લાધિકારી બી. સંતોષે જણાવ્યું કે, એનડીઆરએફની ચાર ટીમો બચાવ કામગીરીમાં લાગી છે. જેમાં એક હૈદરાબાદમાંથી, ત્રણ વિજયવાડાથી છે. કુલ 138 સભ્યોની ટીમ ઉપરાંત સેનાના 24 કર્મી, એસડીઆરએફના કર્મચારી, એસસીસીએલના 23 સભ્યો પણ બચાવ અભિયાનમાં જોડાયેલા છે. એનડીઆરએફના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એક ટીમ કાલે રાત્રે ટનલની અંદર ગઈ હતી. અંદર ખૂબ જ કાદવ-કીચડ છે. અને ટનલમાં ખોદકામ કરતી મશીન (ટીબીએમ) પણ બંધ પડી ગઈ છે.








