ઓ બાપ રે... ટ્રેનની બોગીમાં મળ્યા મહિલાના કપાયેલા હાથ - પગ, સ્ટેશન પર મચ્યો હડકંપ
ઉત્તરાખંડના ઋષિકેશ પહોંચેલી ઉજ્જૈન એક્સપ્રેસમાં એક મહિલાના કપાયેલા હાથ પગ મળી આવતાં ખળભળાટ મચી ગયો. ર

ઉત્તરાખંડના ઋષિકેશ પહોંચેલી ઉજ્જૈન એક્સપ્રેસમાં એક મહિલાના કપાયેલા હાથ પગ મળી આવતાં ખળભળાટ મચી ગયો. રેલવે અધિકારીઓને ટ્રેનની બોગીમાં એક મહિલાના કપાયેલા હાથ અને પગ હોવાની માહિતી મળતાં તરત જ ટ્રેનની બોગી પર પહોંચ્યા અને પ્લાસ્ટિકની થેલીમાં કપાયેલા હાથ અને પગનો કબજો લીધો. આજકાલ ઘાતકીઓને હત્યા કરીને તેના ટુકડા કરવામાં કોઈ જાતનો ખચકાટ થતો નથી. આવું જ અહીં કોઈ મહિલા સાથે બન્યું છે.
રેલ્વેના એક અધિકારીએ જણાવ્યું કે, વોશિંગ લાઇન પર બોગી ધોતી વખતે રેલ્વે કર્મચારીઓને ટોયલેટ પાસેના એક ડબ્બામાં પ્લાસ્ટિકની થેલી મળી. મહિલાના બે કપાયેલા હાથ અને બે પગ એક જ કોથળામાં ભરેલા હતા.
મહિલાની ઘાતકી હત્યા
રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે હત્યારાએ પોતાની ઓળખ છુપાવવાના ઈરાદાથી મહિલાના શરીરના ટુકડા કરી દીધા અને તેને બોગીમાં રાખી દીધી. ઈન્દોરથી ઉપડેલી આ ટ્રેન યોગ શહેર ઋષિકેશ પહોંચી હતી.
ઉજ્જૈન એક્સપ્રેસ સોમવારે સાંજે લગભગ 6.30 વાગ્યે ઈન્દોરથી ઉપડીને ઋષિકેશ રેલવે સ્ટેશન પહોંચી. યાર્ડ વોશિંગ લાઇન નંબર 9 પર વોશિંગ માટે ટ્રેન ઉભી હતી. કર્મચારીઓ ટ્રેનની બોગી ધોઈ રહ્યા હતા એ દરમિયાન કોચ એસ-1 અને એસ-2 વચ્ચેના ટોયલેટ પાસે એક શંકાસ્પદ પ્લાસ્ટિકની થેલી જોવા મળી હતી. આ પ્લાસ્ટિકની થેલીમાંથી ભયંકર દુર્ગંધ આવી રહી હતી.
પ્લાસ્ટિકની થેલીમાં હતા કપાયેલા હાથ અને પગ
ટ્રેનના સફાઈ કામદારોએ આ બાબતની જાણ ઉપરી અધિકારીઓને કરી. જે બાદ જીઆરપી અને આરપીએફને તાત્કાલિક આ બાબતે માહિતી આપી હતી. માહિતી મળતાની સાથે જ આરપીએફના સબ ઈન્સ્પેક્ટર ગાયત્રી દેવી અને જીઆરપીના સબ ઈન્સ્પેક્ટર આનંદ ગીરી ઘટનાસ્થળે પહોંચ્યા અને તરત જ બેગ ખોલાવી હતી. આ પ્લાસ્ટિકની બેગમાં બે કપાયેલા હાથ અને પગ રાખવામાં આવ્યા હતા.
રેલવે અધિકારીઓનું કહેવું છે કે આ ટ્રેન ઈન્દોરથી ઋષિકેશ પહોંચી હતી. દરમિયાન જે જે સ્ટેશન પર ટ્રેન ઊભી રહી હતી. તે તમામ પ્લેટફોર્મ પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવશે. ઉપરાંત દરેક સ્ટેશનોના અધિકારીઓ સાથે પણ વાતચીત કરવામાં આવશે. મહિલાના શરીરના કપાયેલા ભાગોને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ ઘટના પરથી ટુંક સમયમાં ભેદ ઉકેલાઈ જશે.








