વૈશ્વિક યુદ્ધની અસર છતાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? આ 4 પરિબળો બદલી શકે છે આખું ગણિત

વૈશ્વિક યુદ્ધની અસર છતાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટશે? આ 4 પરિબળો બદલી શકે છે આખું ગણિત
તસવીર: Google
આ સમાચાર સાંભળો

રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ હોય કે પછી અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલો ભીષણ સંઘર્ષ. આ તમામ ભૂ-રાજકીય તણાવની સૌથી મોટી અસર વૈશ્વિક સ્તરે કાચા તેલ પર જોવા મળી છે. તેલની કિંમતો ટોચ પર પહોંચવાને કારણે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકાથી લઈને સાઉથ કોરિયા, બ્રિટન અને ખુદ અમેરિકા સુધી તેલ-ગેસ સંકટ ઊભું થયું હતું. જોકે, અમેરિકા-ઈરાન યુદ્ધ હજુ ખતમ થયું નથી અને દરરોજ હુમલાના સમાચારો સામે આવી રહ્યા છે, તેમ છતાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં મોટો કડાકો આવવાનો છે તેવું મોટું એલર્ટ વિદેશી નાણાકીય સંસ્થા ગોલ્ડમેન સૈશના નિષ્ણાતોએ આપ્યું છે.

$78 પ્રતિ બેરલ રહી જશે તેલની કિંમત: ઓઇલ માર્કેટમાં આવશે સરપ્લસ

જાહેરાત

2027ના અંત સુધીમાં મોટો ઘટાડો: ગોલ્ડમેન સૈશે પોતાના તાજા રિપોર્ટમાં અનુમાન વ્યક્ત કર્યું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ છતાં વર્ષ 2027ના અંત સુધીમાં કાચા તેલની કિંમત ઘટીને $78 પ્રતિ બેરલ પર આવી જશે.

બ્રેન્ટ ક્રૂડના ભાવનું અનુમાન: ગોલ્ડમેન રિસર્ચ અનુસાર, બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ ડિસેમ્બર 2027ની શરૂઆત સુધીમાં $93 પ્રતિ બેરલથી ઘટીને $78 થઈ શકે છે, જ્યારે સમગ્ર વર્ષ માટે તેની સરેરાશ કિંમત $88 પ્રતિ બેરલ આસપાસ રહેવાની અપેક્ષા છે.

યુદ્ધ છતાં સપ્લાય ચેઇનમાં ઝડપી ફેરફાર: વિશ્લેષકોનું કહેવું છે કે ઓક્ટોબર 2026માં જ ઓઇલ માર્કેટ સરપ્લસમાં જતું રહેશે, કારણ કે પર્શિયન ગલ્ફમાંથી થતી ક્રૂડ નિકાસ પાછલા મહિના કરતાં 2 મિલિયન બેરલ પ્રતિ દિવસ વધીને વર્ષ 2025ની સરેરાશ પર પહોંચી જશે. રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે અમેરિકા-ઈરાન યુદ્ધમાં કોઈ નક્કર રાજદ્વારી સફળતા નહીં મળે, પરંતુ ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લાંબા સમય સુધી કોઈ મોટું નુકસાન થતું દેખાઈ રહ્યું નથી.

ગ્લોબલ કોમોડિટી રિસર્ચના કો-હેડ અને ઓઇલ રિસર્ચ પ્રમુખ ડેન સ્ટુઇવેને જણાવ્યું કે સપ્લાય ચેઇન અને વપરાશમાં ઝડપી પરિવર્તનને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ અવરોધો હોવા છતાં તેલની કિંમતો અપેક્ષા કરતાં ઘણી ધીમી ગતિએ વધી છે.

ગોલ્ડમેન સૈશના ક્રેશ અનુમાન પાછળના 4 મુખ્ય કારણો

1. વર્ષ 2027માં વધતું ઓઇલ વધારાનો પુરવઠો:

ગોલ્ડમેન સૈશને અપેક્ષા છે કે વર્ષ 2027માં ગ્લોબલ ઓઇલ સરપ્લસ 2 મિલિયન બેરલ પ્રતિ દિવસ સુધી પહોંચી જશે, જેના કારણે બ્રેન્ટ ક્રૂડની ફેર વેલ્યુ વર્તમાન $90 પ્રતિ બેરલથી ઘટીને $70ના સ્તર પર આવી જશે.

2. ગલ્ફ એક્સપોર્ટ અને બાયપાસ રૂટમાં મોટો સુધારો:

ગલ્ફ દેશોના નિકાસકારોએ પાઇપલાઇન, ડાર્ક એક્સપોર્ટ, US નેવી એસ્કોર્ટ્સ અને શિપ-ટુ-શિપ ટ્રાન્સફર દ્વારા સપ્લાયને રી-ડાયરેક્ટ કરી દીધો છે. નિષ્ણાતોના મતે, 2027 સુધીમાં ગલ્ફ ઓઇલ પ્રોડક્શન 2025ની સરેરાશ કરતાં 1.4 મિલિયન બેરલ પ્રતિ દિવસ વધુ રહી શકે છે અને તેને આગામી વર્ષ સુધીમાં સીધા ઓમાનની ખાડી, રેડ સી અથવા ભૂમધ્ય સમુદ્ર સુધી પહોંચાડવા માટે 3.8 મિલિયન બેરલ પ્રતિ દિવસની વધારાની બાયપાસ પાઇપલાઇન ક્ષમતા તૈયાર થવાની અપેક્ષા છે.

3. ગલ્ફની બહારથી વધતો સપ્લાય અને અમેરિકી સ્ટોકમાં વધારો:

ગલ્ફ દેશોની બહાર, ખાસ કરીને બ્રાઝિલમાં મજબૂત તેલ ઉત્પાદને વૈશ્વિક આંચકાને ઓછો કરવામાં મોટી મદદ કરી છે. બીજી તરફ, US એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન (EIA)ના ડેટા દર્શાવે છે કે અમેરિકાનો કોમર્શિયલ ક્રૂડ સ્ટોક 3.4 મિલિયન બેરલ વધીને 417.8 મિલિયન બેરલ પર પહોંચી ગયો છે, જે સતત બીજા અઠવાડિયે થયેલો વધારો દર્શાવે છે.

4. ચીનમાં નબળી પડેલી ઓઇલ ડિમાન્ડ:

કિંમતોમાં આવેલી જોરદાર તેજીને કારણે વિશ્વના સૌથી મોટા આયાતકાર ચીનમાં તેલનો વપરાશ ઘટ્યો છે, જેનાથી તેની એનર્જી ડિમાન્ડ વીજળી અને કોલસા તરફ વળી ગઈ છે. ટ્રાન્સપોર્ટ ફ્યુઅલના ઓછા વપરાશને કારણે દરરોજ અંદાજે 400,000 બેરલનું નુકસાન થયું છે, જેમાંથી અડધો ઘટાડો કાયમી ધોરણે જળવાઈ રહેવાની શક્યતા છે.

ક્રેશ એલર્ટની સાથે નિષ્ણાતોની આ ચેતવણી પણ સમજો

● ટૂંકા ગાળાના જોખમો યથાવત: ગોલ્ડમેન સૈશે 2027ના અંતમાં ભાવ ઘટવાનું અનુમાન લગાવ્યું હોવા છતાં વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે ટૂંકા ગાળામાં તેલની કિંમતોમાં ઉતાર-ચઢાવ સક્રિય રહેશે, જેમાં શિપિંગ હુમલાઓમાં વધારો, તેલના માળખાને નુકસાન અને ભૂ-રાજકીય જોખમ સામેલ છે. હેજિંગ તરીકે ગોલ્ડમેને 2027ના ઉનાળા માટે યુરોપિયન ગેસોલિનમાં લોંગ પોઝિશન લેવાની સલાહ આપી છે.

● IEAની ચેતવણી અને OPEC+ પર નજર: ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફાતિહ બિરોલે ચેતવણી આપી છે કે આ તેલ સંકટ જેટલા લાંબા સમય સુધી ચાલશે, તેટલા જ ઊંડા ઘા છોડશે. હવે સમગ્ર બજાર અને નિષ્ણાતોની નજર 29 નવેમ્બર પર ટકેલી છે, જ્યારે OPEC+ના મંત્રીઓ વર્ષ 2027ની ઉત્પાદન નીતિ પર વિચાર કરવા માટે એક ટેબલ પર બેસશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત