મધ્ય પ્રદેશ/ હિન્દી હાર્ટલેન્ડમાં લોકોનું દિલ કોના પર આવશે
હિન્દી હાર્ટલેન્ડ તરીકે ઓળખાતા મધ્ય પ્રદેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. અહીંની

હિન્દી હાર્ટલેન્ડ તરીકે ઓળખાતા મધ્ય પ્રદેશમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. અહીંની તમામ 29 બેઠક પર મતદાન થઇ ગયું છે અને હવે પરિણામની રાહ જોવાઇ રહી છે. મધ્ય પ્રદેશમાં છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીઓમાં જે રીતે મતદાન થયું છે અને જે પ્રમાણે જનાદેશ આવ્યો છે તે જોતાં લાગી રહ્યું છે કે, આ વખતે ભાજપની સરસાઇ વધારે જ રહેવાની છે. ગત ચૂંટણીમાં તો કોંગ્રેસને ફાળે માત્ર 1 જ બેઠક આવી હતી પણ આ વખતે બેઠકો વધી શકે છે.
બીજી તરફ કેટલાક રાજકીય સૂત્રો માની રહ્યાં છે કે, ભાજપ દ્વારા આ વખતે 29 બેઠક જીતીને ક્લીન સ્વીપનું જે લક્ષ્ય રાખવામાં આવ્યું છે તેમાં સફળતા મળી શકે તેમ છે. મધ્ય પ્રદેશમાં ગત લોકસભામાં ભાજપના ભાગે 28 બેઠક આવી હતી જ્યારે કોંગ્રેસ માત્ર છિંદવાડામાં જ પોતાનું જોર બતાવી શકી હતી. સૂત્રોમાં ગણગણાટ છે કે, આ વખતે મતદાન ઓછું થયું છે તો તેની અસર પરિણામ ઉપર જોવા મળી જ શકે છે. ઓછા મતદાનને કારણે કદાચ કોંગ્રેસનો થોડો લાભ થાય તેવું હાલ દેખાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશની કુલ 29 બેઠકો ઉપર સરેરાશ 66.77 ટકા મતદાન થયું છે. ગત લોકસભામાં 71.16 ટકા મતદાન થયું હતું, તેની સરખામણીએ મતદાન 4 ટકા ઘટ્યું છે. 2019ની સરખામણી કરીએ તો આ વખતે 23 બેઠકો ઉપર મતદાન ઘટ્યું છે જ્યારે છ બેઠકો ઉપર મતદાન થોડું વધ્યું છે.
આ પણ વાંચો: શું મહારાષ્ટ્રમાં બદલાયેલા ગઠબંધન પરિણામને અસર કરશે? NDA કે INDIA એલાયન્સ કોનો હાથ ઉપર
ભાજપની છાવણીમાં ચિંતા તો કોંગ્રેસીઓને આશાવાદ
મધ્ય પ્રદેશમાં સરેરાશ 4 ટકા જેટલું વોટિંગ ઘટ્યું છે. આમ જોવા જઇએ તો લોકસભાની ચૂંટણીમાં સતત ચોથા તબક્કામાં મતદાનમાં ઘટાડો જોવા મળ્યો છે. સતત ઘટી રહેલું મતદાન ભાજપની છાવણીમાં ચિંતા ફેલાવી રહ્યું છે જ્યારે કોંગ્રેસીઓને વિજયનો આશાવાદ જાગ્યો છે. મધ્ય પ્રદેશમાં છેલ્લા તબક્કામાં 60 ટકા જ મતદાન થયું જે ગત ચૂંટણી કરતા 8 ટકા ઓછું છે. ચોથા તબક્કાની જે આઠ બેઠકો ઉપર મતદાન ઓછું થયું તેની સરખામણી છ મહિના પહેલાની વિધાનસભા ચૂંટણી સાથે કરવામાં આવે તો તફાવત ખૂબ જ મોટો છે. ઇન્દોર જેવી બેઠકમાં જ ગત લોકસભા કરતા આ લોકસભામાં 9 ટકા ઓછું મતદાન થયું છે. તે ઉપરાંત જો વિધાનસભાના મતદાન સાથે આ આઠ બેઠકોના લોકસભાના મતદાનની સરખામણી કરીએ તો 17 ટકા ઓછું મતદાન થયું છે. રાજકીય જાણકારો માને છે કે, મતદાનમાં સરખામણીઓમાં મોટો તફાવત જોવા મળે છે પણ તેની અસરકારકતા કેટલી રહેશે તે હાલમાં કળી શકાય તેમ નથી. તેનું સૌથી મુખ્ય કારમ છે મુદ્દા વગરની ચૂંટણી. આ વખતે સરકારની તરફેણમાં કે સરકારની વિરૂદ્ધમાં કોઇ નક્કર મુદ્દા જ ચર્ચામાં નહોતા જેના કારણે ચૂંટણીનો રંગ જામે. તેના પગલે મતદાન ઘટ્યું છે અને પરિણામ પણ ખાસ આશ્ચર્ય પમાડે તેવા નહીં હોય.
કમલનાથનું નાક અને કોંગ્રેસની શાખ નકુલનાથના હાથમાં
છિંદવાડા બેઠક ઉપર ભાજપ દ્વારા છેલ્લાં 15 વર્ષમાં જે રિકવરી કરવામાં આવી છે તે રસપ્રદ છે, તેમાંય 2014થી 2019માં જે તફાવત આવ્યો તે અકલ્પનિય હતો. 2014માં આ બેઠક ઉપર ભાજપનો પરાજય થયો હતો પણ તે સમયે મતનું માર્જિન 1.20 લાખ જેટલું મોટું હતું. 2019માં પણ ભાજપે આ બેઠક ગુમાવી હતી પણ તેમાં વોટનો તફાવત માત્ર 35 હજારની આસપાસ હતો. રાજકીય જાણકારોના મતે 35 હજારનો તફાવત બહુ મોટો તફાવત નથી. ભાજપે જો પુરતી તૈયારીઓ કરી હશે તો આ ચૂંટણીમાં જ તે આ તફાવતને ખાળી જશે. તો આ બેઠક કોંગ્રેસ પાસેથી જતી રહે તેવું પણ બને. આ ઉપરાંત ભાજપ દ્વારા આ બેઠક ઉપર તમામ તાકાત વાપરવામાં આવી હોવાના પણ અહેવાલો છે. ઘણા સ્ટાર પ્રચારકો દ્વારા આ બેઠક ઉપર પ્રચાર કરાયો છે. તે સિવાય કમલનાથના ઘણા નજીકના લોકો ભાજપમાં આવી ગયા છે જે આ બેઠક ઉપર મતોનું ધ્રુવિકરણ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. આ સંજોગોમાં ભાજપને વધારે ફાયદો થાય તેવું દેખાઇ રહ્યું છે. બીજી તરફ છિંદવાડા બેઠક આ વખતે પણ રોચક સાબિત થવાની છે તેનું અન્ય એક કારણ છે. આ બેઠક ઉપરથી કોંગ્રેસ દ્વારા કમલનાથના પુત્ર નકુલનાથને ટિકિટ આપવામાં આવી છે. ભાજપની તાકાતને જાણીને કોંગ્રેસ દ્વારા અને કમલનાથ તથા તેમના પરિવાર દ્વારા આ બેઠક જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું છે. પરિવારની મહિલાઓ દ્વારા પણ પ્રચાર કરીને મતની માગણી કરવામાં આવી હતી. હવે કમલનાથનું નાક અને કોંગ્રેસની શાખ નકુલનાથના હાથમાં છે. બાકી સરેરાશ મુદ્દા વગરની ચૂંટણીમાં કોંગ્રેસને ખાસ ફાયદો થાય તેમ જણાતું નથી. ભાજપનો હાથ ઉપર રહેવાની ધારણા છે.
શૂટિંગ રેન્જ જેવી રસાકસી બેઠકો માટે પણ થવાની છે
મધ્ય પ્રદેશનું ભોપાલ સમગ્ર દેશમાં રાઇફલ શૂટિંગ માટે જાણીતું શૂટિંગ રેન્જ છે. બીજી તરફ લોકસભાની ચૂંટણીની વાત આવે ત્યારે સમગ્ર મધ્ય પ્રદેશ રાજકીય પક્ષો માટે સૌથી માનીતું શૂટિંગ રેન્જ બની જાય છે. અહીંયા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો જંગ જામે છે. તેમાંય છેલ્લા બન્ને ઇલેક્શનમાં તો ભાજપે બાજી મારીને સૌથી વધારે પોઇન્ટ પોતાના કવર કર્યા છે છતાં એક બેઠક એવી છે જે હજુ ભાજપ માટે વિજયી રેન્જ બની શકી નથી. છિંદવાડા રેન્જમાં કોંગ્રેસ કાયમ જીતતી આવી છે. ભાજપે આ વખતે આ બેઠક ઉપર પણ વિજય થાય તેવા બનતા પ્રયાસ કર્યા છે.








