મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

લોકસભા ચૂંટણી 2024: સતત ત્રણ ટર્મથી ઝીરો, શું કેરળમાં ભાજપનું ખાતું ખુલશે?

દેશના રાજકારણમાં સાઉથ ઇન્ડિયાનું રાજકારણ એવું રહ્યું છે જેણે હંમેશા ભાજપ, NDA અને તેના તમામ નેતાો તથા સમર્થકો આશ્ચર્યમ

લોકસભા ચૂંટણી 2024: સતત ત્રણ ટર્મથી ઝીરો, શું કેરળમાં ભાજપનું ખાતું ખુલશે?

દેશના રાજકારણમાં સાઉથ ઇન્ડિયાનું રાજકારણ એવું રહ્યું છે જેણે હંમેશા ભાજપ, NDA અને તેના તમામ નેતાો તથા સમર્થકો આશ્ચર્યમાં જ મૂક્યા છે.ત્યાં ક્યારેય ધારેલું પરિણામ મળ્યું જ નથી. તેમાંય કેરળની વાત કરીએ તો આ રાજ્યમાં છેલ્લાં 15 વર્ષમાં ભાજપને લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક મળી નથી. કેરળમાં લોકસભાની 20 બેઠકો છે.

કેરળ એક એવું રાજ્ય છે જ્યાં મતદાન અને મતદારો બન્ને વિશે કોઇ અનુમાન લગાવી શકાય તેમ નથી. અહીંયાના પરિબળો અને પરિણામો માત્ર સ્થાનિક સ્તરે જ સમજાય તેમ છે. ભાજપ અને તેના સાથી પક્ષો માટે દક્ષિણ ભારત કાયમ રાજકીય શૂન્યાવકાશનો જ વિસ્તાર રહ્યો છે. ભાજપ દ્વારા છેલ્લી ત્રણ લોકસભાથી દક્ષિણ ભારતમાં ભગવો લહેરાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પણ તેમાં ધારી સફળતા મળી રહી નથી.

કેરળમાં અત્યાર સુધી એલડીએફ અને યુડીએફ જ મુખ્ય પ્રવાહ તરીકે દેખાતા હતા. ભાજપ દ્વારા આ બન્નેની વચ્ચે પગપેસારો કરવાના પ્રયાસ કરાયા છે. ગત ત્રણ લોકસભા ચૂંટણીમાં તો ભાજપ તેમાં સફળ રહ્યું નહોતું તેથી આ વખતે પરિણામ પોતાની તરફેણમાં આવે તે વધારે જરૂરી છે.

રાજકીય જાણકારોના મતે છેલ્લી ત્રણ લોકસભાથી ભાજપ કેરળમાં ઘુસવા માટે પ્રયાસ કરી રહ્યો છે પણ તેને ધારી સફળતા મળતી નથી. તે દર વખતે પુરી મહેનત સાથે કામગીરી કરવા જાય છે પણ ખાતું ખુલતું નથી. કેરળના રાજકારણને જાણનારા લોકો માને છે કે, ભાજપ હજુ પણ કેરળના રાજકીય વાતાવરણને સમજી શક્યું નથી. અહીંયા સાક્ષરતાનું પ્રમાણ અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું વધારે છે. તેના કારણે જ ભાજપ અને અન્ય રાજકીય પક્ષો દ્વારા જે જાહેરાતો કરવામાં આવે છે, જે વાતો કરવામાં આવે છે તેને લોકો સીધે સીધી સ્વીકારી લેતા નથી. લાલચની વાતો તેમના ઉપર ખાસ અસર કરતી નથી. લોકો લાગણીશીલ થઇને મતદાન કરતા નથી. લોકોને દરેક મુદ્દા ખબર છે. તે ઉપરાંત જે મુદ્દા સામે આવે છે તેની તે પુરતી તપાસ કરે છે. જ્ઞાન મેળવે છે અને ત્યારબાદ તેના વિશે નિર્ણય કરે છે, તેના કારણે જ તેઓ ખુબ જ સ્પષ્ટ હોય છે કે, આપણે કોને વોટ આપવાનો છે અને કોને નહીં.

કેરળમાં વોટ શિફટિંગનો ટ્રેન્ડ વધારે વ્યાપક

કેરળમાં ઘણા વખતથી સીપીએમ અને કોંગ્રેસનું જોર વધારે છે. આ બન્ને પક્ષોનો અહીંયા દબદબો છે. તેઓ બીજા કોઇને ખાસક ફાવવા દેતા નથી. અહીંયા મોટાભાગે આ બન્ને વચ્ચે જ વોટની વહેંચણી થતી હોય છે. અહીંયા સીપીએમ અને કોંગ્રેસ બંધ બારણે જુગલબંધી અલગ રીતે કરે છે. બન્નેને લાગે છે કે ભાજપનું જોર વધવા લાગ્યું છે તો તેઓ વહેંચાઇ જાય છે અને વોટનું શિફ્ટિંગ થવા લાગે છે. બન્નેને ફાયદો થાય છે અને ભાજપને નુકસાન જાય છે. આ વખતે આ બન્નેની રણનીતિ સામે ભાજપે શું રણનીતિ કરી છે તે જોવા જેવું રહેશે. 

કેરળની છેલ્લી ત્રણ લોકસભાની ચૂંટણી ઉપર નજર કરીએ તો તેના પરિણામો રોચક છે. 2009, 2014 અને 2019ના આંકડા ઉપર નજર કરીએ તો રસપ્રદ એટલા માટે લાગે કારણ કે તે માત્ર કોંગ્રેસના દબદબા તરફ ઇશારો કરે છે. 2009ની લોકસભા ચૂંટણીમાં લેફ્ટ ગઠબંધનને 4 બેઠકો, 2014માં 8 જ્યારે 2019માં માત્ર એક બેઠક મળી હતી. બીજી તરફ કોંગ્રેસ અને સાથી પક્ષોને 2009માં 16 બેઠકો, 2014માં 12 બેઠકો અને 2019માં 19 બેઠકો મળી હતી, તેની સામે ભાજપનું તો ત્રણેય લોકસભામાં ખાતું પણ ખુલ્યું નહોતું.

આ પણ વાંચો: શું મહારાષ્ટ્રમાં બદલાયેલા ગઠબંધન પરિણામને અસર કરશે? NDA કે INDIA એલાયન્સ કોનો હાથ ઉપર

હિન્દુઓની સાથે ખ્રિસ્તિ વોટનું ધ્રુવિકરણ ભાજપને ફાયદો કરાવે

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, આ વખતે પણ ભાજપનું ખાતું ખુલવાની શક્યતાઓ ઓછી દેખાઇ રહી છે. આ વખતે પણ લેફ્ટ અને કોંગ્રેસ વચ્ચે જ વોટ વહેંચાઇ જવાની શક્યતાઓ વધારે છે. કેટલાક જાણકારોના મતે હાલમાં ત્રણ શક્યતાઓ છે જેમાં બે શક્યતાઓમાં ભાજપને એકાદ બેઠક મળી શકે તેમ છ. જો ઇન્ડિયા ગઠબંધનના 2.5 ટકા વોટ કપાય તોમ લેફ્ટને વધારાની પાંચ બેઠક મળે અને કોંગ્રેસન 15 બેઠક મળે. આ સંજોગોમાં ભાજપનું ખાતુ તો ખુલતું જ નથી. બીજી તરફ જો કોંગ્રેસના પાંચ ટકા વોટ કપાય તો ડાબેરીઓને 11 બેઠકો મળે અને કોંગ્રેસની બેઠકો 8 જેવી થાય તો આ સંજોગોમાં ભાજપને કદાચ એક બેઠક મળે. તેવી જ રીતે જો કોંગ્રેસની હજુ બેઠકો કપાય તો ડાબેરીઓને 13 જેવી બેઠકો મળે અને કોંગ્રેસને છ બેઠકો મળી તો ભાજપના ફાળે એકાદ બેઠક આવી શકે તેમ લાગી રહ્યું છે. ભાજપ પાસે હાલમાં હિન્દુ વોટ ઉપર આધાર રાખવા સિવાય કોઇ વિકલ્પ નહોતો. ભાજપે હવે લઘુમતીઓના વોટ પણ પોતાની તરફ ખેચવા પડશે. તેમાં મુસ્લિમ વોટ મળવા તો ભાજપ માટે કેરળમાં મુશ્કેલ છે. આ સ્થિતિમાં ભાજપે ખ્રિસ્તિઓના જ વોટ પોતાની તરફ ખેચવા પડે. ભાજપ આ વખતે ચૂંટણી પહેલાં આવું કરવામાં સફળ રહ્યું હશે તો તેને ફાયદો થાય તેવું લાગી રહ્યું છે.

કેરળમાં રાજકીય અને સામુદાયીક સમીકરણ અલગ

કેરળમા મુખ્ય ચાર જાતી અને સમુદાય છે જેઓ અહીંયા રાજકીય બાબતોને સૌથી વધારે અસર કરે છે. અહીંયા કોંગ્રેસના નેતૃત્વમાં રહેલા યુડીએફ અને લેફ્ટ-સીપીએમના એલડીએફ પાસે પોતાની મજબૂત વોટબેન્ક છે. તેમાં પણ અંદાજે 45 ટકા વોટ જે અલ્પસંખ્યક છે તે કોંગ્રેસ અને યુડીએફના માનવામાં આવે છે. મુસ્લિમો અને ખ્રિસ્તિ સમુદાયના મોટાભાગના લોકો યુડીએફને જ વોટ આપવાનું પસંદ કરે છે. બીજી તરફ જે નાના સમુદાયો છે જે પછાત સમુદાયો છે તેમાં એલડીએફનું જોર વધારે છે. મહત્ત્વની વાત એ છે કે, કેરળમાં 55 ટકા હિન્દુ વોટ છે અન તે પણ આ બન્ને રાજકીય જૂથમાં -જ વહેંચાઇ જાય છે, તેના કારણે ભાજપને અત્યાર સુધી ખાતુ ખોલવાનો પણ અવસર મળ્યો નથી. આ વખતે પણ જો હિન્દુ વોટો ભાજપ તરફ વળે તો જ તેનું કંઇ થાય એમ છે. બાકી આ વખતે પણ ગોલ્ડન ડકમાં જ ઇનિંગ પુરી થઇ જાય તેવું લાગી રહ્યું છે.

આ સમાચાર શેર કરો