દિલ્હી માર્ચમાં મોટો ડ્રામા: બેરિકેડ તોડ્યા, બસ પર ચડ્યા... અને હવે સુપ્રીમ કોર્ટે વિપક્ષી નેતાઓને ફટકારી નોટિસ!

મતદાર યાદીની સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIRમાં કથિત ગરબડો અને મનસ્વી રીતે મતદારોના નામ રદ કરવાના આક્ષેપ સાથે વિપક્ષ ચૂંટણી પંચ અને સરકારનો સતત વિરોધ કરી રહ્યો છે. આ દરમિયાન 12 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટ તરફ યોજાયેલી માર્ચ અને દેખાવોનો મુદ્દો ભારે ગરમાયો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી કરતા ચૂંટણી પંચ (ECI) અને મુખ્ય ચૂંટણી કમિશનરને નોટિસ ફટકારી છે, તો બીજી તરફ ન્યાયતંત્ર પર દબાણ લાવવાના વિવાદાસ્પદ દેખાવો અને માર્ચ મુદ્દે પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સપાના વડા અખિલેશ યાદવ તેમજ અન્ય પ્રદર્શનકારીઓને પણ નોટિસ ફટકારીને સ્પષ્ટતા માંગવામાં આવી છે.
અમે કાચના ટાવરમાં નથી બેઠાઃ ચીફ જસ્ટિસ
આ સુનાવણી વખતે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સૂર્ય કાંતે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, 'અમે કાચના ટાવરમાં નથી બેઠા. આ ન્યાયતંત્રને 'ડરાવવા-ધમકાવવાનો’ (browbeat) પ્રયાસ છે.'
આ મુદ્દે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે અને પૂછ્યું છે કે, આ વિરોધ પ્રદર્શનો વખતે ભીડ સુપ્રીમ કોર્ટના પરિસરમાં કેવી રીતે પ્રવેશી.
શું હતો 12 ઓક્ટોબરની વિવાદાસ્પદ માર્ચ?
રાહુલ ગાંધીની આગેવાની હેઠળ ઇન્ડિયા (INDIA) ગઠબંધન દ્વારા ‘ચલો દિલ્હી, લોકશાહી માર્ચ’નું આયોજન કરાયું હતું, જેમાં હજારો લોકો દિલ્હીમાં ભેગા થયા હતા. આ માર્ચ કાઢવાનો વિપક્ષનો હેતુ કેટલીક માંગ પૂરી કરવાનો હતો. જેમ કે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે તેમજ SIR પ્રક્રિયા પર તાત્કાલિક રોક લાગે.
આ માર્ચ કનૉટ પ્લેસથી સુપ્રીમ કોર્ટ તરફ આગળ વધી ત્યારે પોલીસે બારાખંભા રોડ નજીક તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન દેખાવકારોએ બેરિકેડ્સ તોડી નાખ્યા હતા અને ભગવાન દાસ રોડ પર કેટલાક સમર્થકો પોલીસના વાહનો અને બસ પર ચડી ગયા હતા.
CJI સાથે મુલાકાત નહીં આપતા રોષ વ્યક્ત કર્યો
આ માર્ચ પહેલા વિપક્ષી નેતાઓ ચૂંટણી સંબંધિત ગરબડ અંગે આવેદનપત્ર સોંપવા ચીફ જસ્ટિસનો સમય માંગ્યો હતો. જો કે, સીજેઆઈએ કહ્યું હતું કે, ‘આ બાબતો કોર્ટમાં પહેલેથી જ વિચારાધીન છે. કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, જ્યાં તમે પિટિશન દાખલ કરી શકો છો.’ ત્યારબાદ રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી વાડ્રા, અખિલેશ યાદવ, RJD નેતા તેજસ્વી યાદવ અને ઇન્ડિયા ગઠબંધનના અન્ય નેતાઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પણ નોટિસ ફટકારી છે
એક તરફ ન્યાયતંત્ર પર દબાણ લાવવાના મુદ્દે નેતાઓને નોટિસ મળી છે, તો બીજી તરફ વિપક્ષની મૂળ અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પણ નોટિસ ફટકારી છે, જેમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં વધુ પારદર્શકતા અને મનસ્વી રીતે નામો કમી કરવા સામે કડક સુરક્ષા ધોરણોની માંગ કરાઈ છે.








