'પતિ નપુંસક છે' એવું બોલવાનો પત્નીને અધિકાર, બોમ્બે હાઈકોર્ટે માનહાનિનો કેસ ફગાવ્યો
બોમ્બે હાઈકોર્ટે પતિ પત્નીના સંબંધમાં એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે જો

બોમ્બે હાઈકોર્ટે પતિ પત્નીના સંબંધમાં એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે જો પતિ-પત્ની વચ્ચે લગ્નને લઈને વિવાદ થાય એ સમયે પત્ની પોતાના આરોપને સાબિત કરવા માટે પતિને નપુંસક કહે તો તેને ગુનો ગણી ના શકાય કોર્ટે એમ પણ કહ્યું છે કે પત્નીનો આ અધિકાર ભારતીય દંડ સંહિતાની કલમ 499 હેઠળ નવમા અપવાદ હેઠળ સુરક્ષિત છે.
બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ એસએમ મોડકે કહ્યું કે, જ્યારે પતિ-પત્ની વચ્ચેના વૈવાહિક વિવાદ સાથે સંબંધિત કેસ હોય તેવા સમયે પત્નીને તેના પક્ષમાં આવા આરોપો લગાવવાનો અધિકાર છે. હિન્દુ લગ્ન કાયદા હેઠળ જ્યારે પત્ની માનસિક ઉત્પીડન અથવા ઉપેક્ષા સાબિત કરવા માંગતી હોય ત્યારે નપુંસકતા જેવા આરોપો પ્રાસંગિક અને આવશ્યક માનવામાં આવે છે.
જણાવી દઈએ કે આ કેસ પતિ દ્વારા તેની પત્ની સામે કરેલી માનહાનિની ફરિયાદ સાથે સંબંધિત છે. પતિએ આરોપ લગાવ્યો હતો કે પત્નીએ છૂટાછેડા અરજી, ભરણપોષણ અરજી અને એફઆઈઆરમાં તેની જાતીય અક્ષમતા વિશે અપમાનજનક અને ખોટા આરોપો લગાવ્યા છે. જો કે, એપ્રિલ 2023 માં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે કલમ 203 સીઆરપીસી હેઠળ પતિની ફરિયાદ ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે આ આરોપો લગ્ન પ્રક્રિયાનો ભાગ હતા. તેમાં ગુનાહિત ધમકીના કોઈ પુરાવા નથી. બાદમાં એપ્રિલ 2024 માં, ગ્રેટર મુંબઈના એડિશનલ સેશન્સ જજે તે નિર્ણયને ઉલટાવી દઈને મેજિસ્ટ્રેટને કલમ 202 CrPC હેઠળ વધુ તપાસનો આદેશ આપ્યો.
સેશન્સ કોર્ટના પતિની ફરિયાદને રિઓપન કરવાના આદેશ સામે પત્ની, તેના પિતા અને ભાઈએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી. અરજદારોએ જણાવ્યું હતું કે આરોપો ન્યાયિક કાર્યવાહીમાં લગાવવામાં આવ્યા હતા, જે IPC ની કલમ 499 ના અપવાદો હેઠળ સુરક્ષિત છે. સેશન્સ કોર્ટ દ્વારા જણાવવામાં આવેલા કારણો પતિની રિવિઝન અરજીમાં નહોતા. આ આરોપો માનસિક ઉત્પીડન અને ઉપેક્ષા સાબિત કરવા માટે સંબંધિત હતા.
પતિએ કહ્યું કે આ આરોપો બદનામ ઇરાદાથી લગાવવામાં આવ્યા હતા અને જાહેર રેકોર્ડનો ભાગ બન્યા હતા જેના કારણે તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. તેમને ફરિયાદ દાખલ કરવાની મર્યાદા અવધિ સમાપ્ત થાય તે પહેલાં કાર્યવાહી શરૂ કરવી પડી.
બોમ્બે હાઈકોર્ટે સેશન્સ કોર્ટના આદેશને રદ કરવા સાથે પતિની બદનક્ષીની ફરિયાદને ફગાવી દેવાના મેજિસ્ટ્રેટના નિર્ણયને પુનઃસ્થાપિત કર્યો. આ આરોપો છૂટાછેડા અને ભરણપોષણના મામલાઓ સાથે ગાઢ સંબંધ ધરાવે છે અને કાયદા દ્વારા સુરક્ષિત છે. જ્યારે મેજિસ્ટ્રેટે નપુંસકતા છૂટાછેડા માટેનો આધાર હોવાના આધારે ફરિયાદ ફગાવી દીધી, ત્યારે રિવિઝન કોર્ટે આ નિષ્કર્ષ સામે કેટલાક પ્રારંભિક અવલોકનો કરવા જોઈતા હતા. આવો કોઈ આધાર આપવામાં આવ્યો નહોતો.








